સુરતના મહુવાના એક ગામમાં 13 વર્ષની આદિવાસી સગીરાની છેડતી બાદ મામલો બિચક્યો હતો. આરોપી યુવકને પોલીસે છોડી મૂકતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વિફરેલા ટોળાએ આરોપીની દુકાનમાં આગ ચાંપીને પોલીસ પર પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઈ હતી. બાદમાં પોલીસે આરોપીને વલસાડ પાસેથી ઝડપી પાડ્યો હતો.
મામલો શું હતો?
ઘટના ગઈકાલે શુક્રવારે સવારે બની હતી. એક 13 વર્ષની આદિવાસી દીકરી રડતી રડતી શાળાએ પહોંચી હતી. તેણે શિક્ષિકાને જણાવ્યું હતું કે, ગામની બજારમાં આવેલી ‘રાજ નોવેલ્ટી’ દુકાનના માલિક કિશન તારારામ ચૌધરી (મારવાડી)એ તેને છાતીના ભાગે અડપલાં કરી છેડતી કરી હતી. ત્યારબાદ શિક્ષિકાએ તાત્કાલિક ગામના સરપંચને જાણ હતી. સરપંચને કિશોરીની છેડતી અંગે શાળાના સ્ટાફ સાથે રાજ નોવેલ્ટીમાં જઈ દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં યુવાન કિશોરીનો હાથ પકડી ઊંચો કરતો હોવાનું નજરે પડતાં જ સરપંચ કેયૂર પટેલે પરપ્રાંતીય યુવકને ફટકાર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસે આરોપીને છોડી મૂકતા હોબાળો
પોલીસે આરોપી કિશનને કસ્ટડીમાં લીધો હતો. જોકે કિશોરીના પરિવારે શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરતાં પોલીસે સાંજે આરોપીને છોડી મૂક્યો હતો. આ સમાચાર ગામમાં ફેલાતાં જ સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બે હજારથી વધુ લોકોનું આક્રોશિત ટોળું એકઠું થયું હતું અને આરોપી કિશન મારવાડીની દુકાન ‘રાજ નોવેલ્ટી’ પર પથ્થરમારો કર્યો. કેટલાક લોકોએ દુકાનનો સામાન બહાર કાઢીને આગ લગાવી દીધી હતી.
2 હજારથી વધુ લોકો રસ્તા પર ઉતરી પડ્યાં
ટોળું ભેગું થઈ જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાને પગલે ગામમાં તેમજ મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાત્રે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે ટોળાએ પોલીસનો પણ ડર રાખ્યા વિના આરોપીની દુકાનમાં પથ્થરમારો અને આગચંપી ચાલુ રાખી હતી. ટોળાને અટકાવવા ગયેલી પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં એક પોલીસકર્મીને માથામાં ઈજા થઈ હતી.
આ પણ વાંચો: ‘લાંબા વાળ કેમ રાખ્યા છે?’ કહી 3 શખ્સોએ દલિત યુવકને માર્યો
પરિસ્થિતિની ગંભીરતા જોતાં ગામમાં જિલ્લાભરની પોલીસનો વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ફાયરબ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગામમાં અને સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો.
એટ્રોસિટી એક્ટ, પોક્સો અને બીએનએસ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ દરમિયાન સગીરાની છેડતી કરનાર આરોપી કિશન તારારામ ચૌધરી મોડી સાંજે ગામ છોડીને ભાગી ગયો હતો. આ અંગેની જાણ થતાં ટોળામાં વધુ રોષ ફેલાયો હતો. મહુવા પોલીસે તાત્કાલિક ઘટનાને ગંભીરતાથી લઈ યુવકની શોધખોળ હાથ ધરી હતી અને રાત્રે જ યુવકને વલસાડ નજીકથી ઝડપી લીધો છે. પૂછપરછ દરમિયાન યુવકે કિશોરીની છેડતી કરી હોવાની વાત કબૂલ કરી લેતા BNS, પોક્સો અને એક્ટ્રોસિટી એક્ટની વિવિધ કલમો મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પ્રેમીએ દલિત યુવતીના અશ્લીલ વીડિયો પરિવારને મોકલી ઘર ભંગાવ્યું