સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડાની સીમમાં આવેલ વાળીનાથ મહાદેવ મંદિર પાસેના ખેતરો અને રહેણાંક મકાનમાંથી જાદર પોલીસે લીલો અને સૂકો મળી 113 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસે 11.36 લાખનો મુદ્દામાલ કબજે લઈ મંદિરના મહંત સહિ બે ઈસમો સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ જાદર પોલીસને બુધવારે રાત્રે બાતમી મળી હતી કે ઈડરના ચિત્રોડાની સીમના વાળીનાથ મહાદેવ મંદિર પાસે ગાંજાનું મોટાપાયે વાવેતર અને વેચાણ થાય છે. આ બાતમી બાદ જાદરના PSI ગોહિલ સહિતની ટીમે રાત્રિના સુમારે સરકારી પંચોને સાથે રાખી બાતમીવાળા ઠેકાણા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મંદિરમાંથી બે શખ્સોના નામની બાતમી મળી હતી તે સંજય છબાભાઈ ભરવાડ અને ત્રિપાઠી વ્રજવિહારી ચૌબે મળી આવ્યા હતા.
આ પણ વાંચો: મધરાતે ડો.આંબેડકરની પ્રતિમા ચોરાઈ, બીજી લગાવી એ પણ ચોરાઈ
પોલીસે આ બન્નેને સાથે રાખી મહંતના ભોગવટાવાળા બાજરીના ખેતરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખેતરમાંથી અને સેઢા પરથી મળી ગાંજાના 105 છોડ મળી આવ્યા હતા. જ્યારે બીજા સંજય ભરવાડના કબજાવાળામાં પપૈયાના ખેતરમાંથી લીલા ગાંજાના 42 છોડ મળી આવ્યા હતા. પોલીસે આ બન્ને છોડનું વજન કરતા 112.120 કિલોગ્રામ જથ્થો થયો હતો. બાદમાં મહંતની રહેણાંકના મકાનમાં તપાસ કરતા તેમાંથી એક મીણીયાની કોથળી મળી આવી હતી. આ કોથળીમાંથી પણ સૂકા ગાંજાના છોડ અને ગાંજો મળી વધુ ૧.૫૬૦ કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો. એક સાથે માદક પદાર્થનો આટલો મોટો જથ્થો જોઈને પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી હતી.
ત્યારબાદ પોલીસે રૂપિયા 11,36,800ની કિંમતનો 113.680 કિલોગ્રામ જથ્થો જપ્ત કરી સંજય છબાભાઈ ભરવાડ (રહે. ચિત્રોડા) અને મહંત ત્રિપાઠી વ્રજબિહારી ચૌબે (રહે.વાળીનાથ મહાદેવ મંદિર. ચિત્રોડા) સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જાદર પોલીસ મથકમાં નોંધાયેલ ગાંજાના જથ્થાની ફરિયાદ મામલે ઈડરના પી.આઈ ચેતનસિંહ રાઠોડને સોંપવામાં આવી છે. જ્યારે પોલીસે બંને આરોપીઓને રિમાન્ડ મંજૂર કરવા ઈડર કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: દલિત કર્મચારીઓના નામે કંપનીએ 100 કરોડની બેનામી સંપત્તિ ખરીદી