Matsya Kondamma wins gold in javelin throw in Malaysia: આંધ્રપ્રદેશના એક નાનકડા ગામની એક આદિવાસી મહિલા મત્સ્ય કોંડમ્મા(Matsya Kondamma) હાલ દેશભરમાં ચર્ચામાં છે. અને કેમ ન હોય? તેણે કામ જ એવું મોટું કર્યું છે કે, સૌ કોઈ તેની જ ચર્ચા કરી રહ્યાં છે. ૫૫ વર્ષની ઉંમરે તેણે ૩૭મી ઇન્ટરનેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ભાલા ફેંક(javelin throw) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી(wins gold) ને સાબિત કરી દીધું છે કે, નિશ્ચય દ્રઢ હોય તો ઉંમર તમને હરાવી શકતી નથી.
આંધ્રપ્રદેશના મુલિયાપુટ્ટુ ગામની રહેવાસી મત્સ્ય કોંડમ્માએ ૧૨ વર્ષની ઉંમરે પહેલી વાર ભાલા ઉઠાવ્યો હતો અને રમતગમતથી અજાણ એવા આદિવાસી સમાજ વચ્ચે રહીને પણ ટેકનિકલ બાબતોમાં મહારથ હાંસલ કરી હતી.
100 જેટલી સ્પર્ધામાં ભાગ લઈ 80 મેડલ જિત્યા
કોંડમ્મા ગર્વથી કહે છે કે તેણે હૈદરાબાદમાં છ વર્ષ સુધી વિવિધ રમતોની તાલીમ લીધી ત્યારે પહેલીવાર તેને ભાલા ફેંકનો પરિચય થયો હતો. તે સમયે તેના માતાપિતાને પણ ખબર નહોતી કે તે શું છે, છતાં તેમણે તેને ટેકો આપ્યો હતો.
આ પણ વાંચોઃ આદિવાસી મિત્રની ડિગ્રી પર સવર્ણ યુવક ડોક્ટર બની ગયો
અત્યાર સુધીમાં કોંડમ્માએ ૧૦૦ થી વધુ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ૮૦ મેડલ જીત્યા છે. આર્થિક સમસ્યાઓને કારણે તે ઘણીવાર વિદેશમાં સ્પર્ધામાં ભાગ લેવાનું ચૂકી ગઈ હતી. તેમ છતાં તેણીએ ક્યારેય પ્રયાસ કરવાનું છોડ્યું નહોતું. આ વર્ષે તેની મહેનત રંગ લાવી છે.
મલેશિયામાં ગોલ્ડ મેડલ જીતી સપનું પૂર્ણ કર્યું
મે 2025માં મલેશિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે કોંડમ્માએ 21 દેશોના ખેલાડીઓને હરાવીને ટોચ પર રહી હતી. કોન્ડમ્માએ કહ્યું કે મલેશિયામાં ગોલ્ડ મેડલ જીતવો એ સપનું સાકાર થવા જેવું હતું. મેં પહેલા ઘણી આંતરરાષ્ટ્રીય તકો ગુમાવી હતી, પરંતુ આ ક્ષણે તે બધું જ ભૂલાઈ ગયું છે.
આ પણ વાંચોઃ અહીં OTP મેળવવા આદિવાસીઓએ પહાડ ચડવો પડે છે
પતિનું અવસાન થતા મુશ્કેલી આવી પડી
કોંડમ્માનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ RTC (રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) માં જોડાયા પછી તેની રમતની કારકિર્દી અટકી ગઈ હતી. 1996માં, તેણે ફરીથી એથ્લેટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે RTC માંથી રાજીનામું આપ્યું. 2011 માં તેને એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડ્યું જ્યારે તેના પતિનું અવસાન થયું, જેના કારણે પરિવારની તમામ જવાબદારી તેના શિરે આવી ગઈ. પરંતુ તેમ છતાં તેણીએ ભાલા ફેંકવાનું છોડ્યું નહીં.
આ પણ વાંચોઃ ખેતમજૂર માબાપની દીકરી કેરળની પ્રથમ આદિવાસી એર હોસ્ટેસ બની
કોંડમ્માએ તેના બાળકો અને વિશાખાપટ્ટનમના વેટરન એથ્લેટિક્સ એસોસિએશનના સમર્થનથી તાલીમ ચાલુ રાખી. આ ઉપરાંત, વિશાખાપટ્ટનમ અને અલ્લુરી સીતારામરાજુ જિલ્લાના કલેક્ટરે તેને મલેશિયા સ્પર્ધામાં ભાગ લેવા માટે આર્થિક મદદ કરી હતી. જેનું વળતર તેણે દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને ચૂકવ્યું હતું.
કોંડમ્માને પાવર લિફ્ટિંગ અને ડિસ્કસ થ્રોનો પણ શોખ છે
કોંડમ્માની સિદ્ધિઓ ફક્ત ભાલા ફેંકવા સુધી મર્યાદિત નથી. તેને પાવર લિફ્ટિંગ અને ડિસ્કસ થ્રોનો પણ શોખ છે. આ વર્ષે માર્ચમાં, તેણીએ પેઢા ગાંટીયાડા ખાતે યોજાયેલી રાજ્ય સ્તરની પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ ઇનામ જીત્યું હતું. કોંડમ્માની હિંમત જોઈને હવે તેના સંતાનો પોતાની કરિયરમાં સ્થાયી થઈ ગયા છે. તેનો મોટો દીકરો બોક્સિંગ કોચ છે, જ્યારે તેની પુત્રી અને બીજો દીકરો સોફ્ટવેર એન્જિનિયર છે. કોંડમ્મા એક સાચા ચેમ્પિયનની અદાથી કહે છે, ‘મને આશા છે કે જ્યાં સુધી મારામાં તાકાત છે, ત્યાં સુધી હું રમવાનું ચાલું રાખીશ અને દેશ માટે મેડલ જીતવા માંગું છું.’
આ પણ વાંચોઃ પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું