મહેસાણા શહેરમાં પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બુદ્ધ વિહાર ખાતે તા. ૨૨ જૂન, ૨૦૨૫ને રવિવારે ભન્તે પ્રજ્ઞારત્ન થેરોજીની અધ્યક્ષતામાં ભવ્ય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન થયું હતું. જેમાં મહેસાણા શહેરના ૧૪ દીક્ષાર્થીઓએ બૌદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કરી હતી. આ દીક્ષા સમારોહમાં ભન્તે પ્રજ્ઞારત્ન થેરોજી(ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર, પોરબંદર)ના હસ્તે બૌદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કર્યા બાદ વરિષ્ઠ બૌદ્ધ ઉપાસક નિરંજન ઘોષ દ્વારા વિશ્વની સૌથી મોટી લોકશાહીના બંધારણના ઘડવૈયા એવા વિશ્વવિભૂતિ, ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકરે આપેલી ૨૨ પ્રતિજ્ઞાઓ દીક્ષાર્થીઓને આપવામાં આવી હતી.

દીક્ષાર્થીઓએ પંચશીલ અને 22 પ્રતિજ્ઞાનું આચરણ કર્યું
આમ આ ધમ્મ દીક્ષા સમારોહમાં દીક્ષાર્થીઓએ શાંતિ, સમાનતા અને અહિંસાના માર્ગે ચાલવાની તેમજ પંચશીલ (અષ્ટશીલ) અને ૨૨ પ્રતિજ્ઞાઓનું આચરણ કરી નવિન જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો. ભન્તે પ્રજ્ઞારત્ન થેરોજીએ બૌદ્ધધર્મની પરંપરા મુજબ શરણગમન, પંચશીલ અને સામૂહિક તિરતન વંદનાનું સંગાયન કરાવી ધમ્મ દીક્ષા આપી અને સર્ટિફિકેટ તેમજ નવિન બૌદ્ધ ઉપાસકો માટે સામાજિક જીવનમાં આવતા સામાજિક સંસ્કારોનાં આચરણ માટેના પુસ્તકોની કિટનું વિતરણ કર્યું હતું.
આ પણ વાંચો: શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો

મહેસાણામાં સુજાતા બૌદ્ધ વિહારનું ઉમદા કામગીરી
અત્રે નોંધનીય છે કે સુજાતા બુદ્ધ વિહાર મહેસાણા મુકામે વર્ષોથી કાર્યરત છે તથા વર્ષ દરમિયાન આવતા વિવિધ બૌદ્ધ ઉત્સવ-પ્રસંગોનું આયોજન કરવામાં અગ્રેસર અને ઉત્સાહિત રહ્યું છે. કાર્યક્રમને અંતે વિહાર ખાતે ઉપસ્થિત સૌ ઉપાસક અને ઉપસિકાઓએ દીક્ષાર્થીઓને સાધુવાદ પાઠવી શુભકામનાઓ આપી અને ભોજન લીધા બાદ ભન્તેજીને અને વિહારને દાન અર્પણ કરી કુશળ કર્મ એકત્રિત કરી નું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું.

આધુનિક બૌદ્ધ ધમ્મ દીક્ષા પદ્ધતિ ડો.આંબેડકરે શરૂ કરી હતી
અહીં એ પણ ખાસ નોંધવા જેવું છે કે આધુનિક સમયમાં ભારતમાં બૌદ્ધ ધમ્મની ઉપાસક દીક્ષા પદ્ધતિની શરૂઆત બોધિસત્વ ડૉ.બાબાસાહેબ આંબેડકરે કરી હતી અને એમાંથી દૂષણોની દૂર કરવા માટે એમણે પોતાના દ્વારા નિર્મિત 22 પ્રતિજ્ઞાઓને સામેલ કરી હતી. આ વાતનું પ્રમાણ આપણને દેવમિત્ત અનાગારિક ધમ્મપાલજીના અંતવાસી અને મહાબોધિ સોસાયટીના સેક્રેટરી દેવપ્રિય વલિ સિંહને ખુદ બાબાસાહેબે લખેલ દિનાંક ૧૬ ફેબ્રુઆરી ૧૯૫૫ના પત્રમાં મળે છે. જેમાં બાબાસાહેબ જણાવે છે કે મારા દ્વારા ભારતમાં બૌદ્ધ ઉપાસક દીક્ષાની નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. એવી દરેક વ્યક્તિ, જેણે બૌદ્ધ ધમ્મમાં ઉપાસક તરીકે દીક્ષિત થવું છે, તેણે આ દીક્ષા પદ્ધતિને અનુસરવું પડશે, અન્યથા તેને એક બૌદ્ધ ઉપાસક માનવામાં નહીં આવે.
(વિશેષ માહિતીઃ પરેશ બૌદ્ધ, મહેસાણા)
આ પણ વાંચો: થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓ બુદ્ધના અસ્થિઓના દર્શન કરવા વડોદરા આવ્યા











*ડો.બાબાસાહેબ આમ્બેડકરની 22 પ્રતિજ્ઞાઓ દલિતોના પરિવારોમાં વાંચવાની શરૂઆત થવી જ જોઈએ, એ પણ એક ઉમદા કાર્ય છે…! ધન્યવાદ!