ગુજરાતમાં છેલ્લાં સાડા ત્રણ દાયકાથી ભાજપની સરકાર છે. જો કે, આ સમયગાળા દરમિયાન ગરીબ વધુને વધુ ગરીબ થતો જઈ રહ્યો છે અને અમીરો વધુને વધુ પૈસાદાર થતા જઈ રહ્યાં છે. આવી વિસંગતતાઓ અનેક ફિલ્ડમાં જોવા મળે છે પરંતુ તાજો આંકડો મનરેગા યોજનામાં સામે આવ્યો છે. મનરેગા યોજનાનો હેતુ ગુજરાત સહિત દેશભરના મજૂર વર્ગને રોજગાર મળી રહે તે માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેનો મૂળ હેતુ જ માર્યો ગયો હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. ગુજરાતમાં મનરેગા યોજના જાણે નેતાઓ-મળતિયાઓ માટે કમાણીની યોજના બની રહી હોય તેવું ચિત્ર ઉભું થયું છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં અંદાજે 1 કરોડ મજૂરો સરકારી ચોપડે નોંધાયેલાં છે, પરંતુ તેમાંથી માત્ર 13 લાખને જ મનરેગા યોજના હેઠળ કામ મળી શક્યું છે.
મનરેગાના મજૂરોની સંખ્ચામાં 2 લાખનો ઘટાડો
કેન્દ્ર સરકારના આંકડાઓ મુજબ ગુજરાતમાં મનરેગા યોજનામાં મજૂરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022-23માં મનરેગા યોજના અંતર્ગત 16 લાખ મજૂરોને રોજગાર મળી શક્યો હતો. જ્યારે વર્ષ 2023-24માં આ યોજના હેઠળ 15 લાખ મજૂરોને મજૂરી મળી શકી હતી. વર્ષ 2024-25માં 13 લાખ મજૂરોને રોજગારી આપી શકાઈ હતી. આમ, છેલ્લાં બે વર્ષમાં મનરેગાના મજૂરોની સંખ્યામાં બે લાખનો ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ કર્ણાટકની કોંગ્રેસ સરકાર SC-ST ના 11,896 કરોડ બીજી યોજનામાં વાપરશે?
1 કરોડ મજૂરો પૈકી માત્ર 13 લાખને જ કામ મળ્યું
ગુજરાતમાં મનરેગા યોજના અંતર્ગત અંદાજે 1 કરોડ મજૂરો સરકારી ચોપડે નોંધાયેલાં છે. પરંતુ તેમાંથી માત્ર 13 લાખને જ મજૂરી મળી શકી છે. એનો અર્થ એ થયો કે, મનરેગા યોજના પણ મજૂરોને રોજગાર આપી શકી નથી. અહીં એ પણ યાદ રાખવું રહ્યું કે, મનરેગા યોજના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2022-23માં 1692 કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં 1802 કરોડ અને વર્ષ 2024-25માં 1540 કરોડ ફંડ ગુજરાતને ફાળવ્યુ હતું. વર્ષ 2024-25માં કેન્દ્રએ મનરેગાની યોજનામાં ગુજરાતને 300 કરોડ ઓછા ફાળવ્યાં હતા.
નિયમ શું કહે છે?
આ યોજનામાં એવી જોગવાઈ છે કે, ચેકડેમ, રસ્તા સહિત અન્ય કામો કરવા હોય તો ગ્રાન્ટની 60 ટકા રકમ મટિરિયલ્સ, જ્યારે 40 ટકા રકમ મજૂરોના વેતન પાછળ ખર્ચાવવી જોઈએ. ગુજરાતમાં દાહોદ, જાંબુઘોડા મનરેગા કૌભાંડમાં એવું જોવા મળ્યુ છે કે, મટિરિયલ્સ પાછળ બમણો ખર્ચ કરવામા આવ્યો છે જ્યારે મજૂરોના વેતન પાછળ ઘણો ઓછો ખર્ચ કરાયો છે. ભાજપના જ મંત્રીપુત્રો-મળતિયાઓને લાભ કરાવવા માટે મટિરિયલ્સ પાછળ ખર્ચ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. જેનું પરિણામ એ આવ્યું છે કે, આખી યોજનાનો મૂળ હેતુ જ માર્યો ગયો છે.
આ પણ વાંચોઃ મનરેગાના બે દાયકા: પડકારો અને પ્રાસંગિકતા