મોરબીનો એક મુસ્લિમ યુવક ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો, પરંતુ ત્યાં એવી પરિસ્થિતિ પેદા થઈ હતી કે તેને રશિયન સેનાએ યુક્રેન સામે ફાટી નીકળેલા યુદ્ધમાં લડવા માટે મોકલી દીધો હતો. રશિયા તરફથી લડી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને હવે યુક્રેન સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
રશિયન મીડિયાના રિપોર્ટ મુજબ, યુક્રેનની 63મી મિકેનાઇઝ્ડ બ્રિગેડે મંગળવારે એક વીડિયો બહાર પાડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે માજોતી સાહિલ મોહમ્મદ હુસૈન, જેને ડ્રગના ગુના માટે સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, તેને જેલની સજા ટાળવા માટે રશિયન સેનામાં જોડાવાની ઓફર મળી હતી.
સાહિલનો વીડિયો સામે આવ્યો
માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને વીડિયોમાં કહ્યું કે તે જેલમાં જવા માંગતો ન હતો, તેથી તેણે રશિયન સેના સાથે કરાર કર્યો હતો. તેને ફક્ત 16 દિવસની તાલીમ મળી અને 1 ઓક્ટોબરના રોજ તેને પહેલીવાર યુદ્ધમાં મોકલવામાં આવ્યો. ત્રણ દિવસ પછી, તેના કમાન્ડર સાથેની લડાઈ પછી તેણે યુક્રેનિયન સેના સામે સરેન્ડર કર્યું છે. માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને કહ્યું, “મેં મારા હથિયારો હેઠાં મૂકી દીધા છે, મારે લડવું નથી, મને મદદની જરૂર છે.”
આ પણ વાંચો: મહિષાસુર કોણ હતા, શા માટે તેમની હત્યા કરવામાં આવી હતી?
તેણે આ બધું રશિયન ભાષામાં કહ્યું હતું. તેણે કહ્યું કે, તે રશિયા પાછો જવા માંગતો નથી તેણે એમ પણ કહ્યું કે તેને સેનામાં જોડાવા માટે પૈસાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તેને કંઈ મળ્યું નથી.
રશિયાએ વિદેશીઓને સેનામાં ભરતી કરી દીધાં
ઉલ્લેખનીય છે કે, યુક્રેને રશિયા માટે લડતા અસંખ્ય વિદેશી સૈનિકોને બંદી બનાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ ભારત જેવા દેશોના લોકોને નોકરી કે શિક્ષણના વચન આપીને સેનામાં ભરતી કર્યા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કિવમાં ભારતીય દૂતાવાસ આ મામલાની તપાસ કરી રહ્યું છે. યુક્રેન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. ભારતે રશિયા પાસે ભારતીયોની ભરતી બંધ કરવાની માગ કરી હતી. ગયા મહિને, ભારત સરકારે રશિયા પાસે માગ કરી હતી કે તે તેની સેનામાં ભારતીયોની ભરતી બંધ કરે અને સેનામાં પહેલાથી જ રહેલા ભારતીય નાગરિકોને પણ મુક્ત કરે.
આ પણ વાંચો: એક દલિત નેતાને વિચાર આવ્યો અને દેશમાં રાજધાની એક્સપ્રેસ શરૂ થઈ
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જનતાને સલાહ આપી હતી કે રશિયન સેનામાં જોડાવાની કોઈપણ ઓફર પર ધ્યાન ન આપે કારણ કે તે જોખમી છે. તેમણે કહ્યું, “અમે અમારા નાગરિકોને સતર્ક રહેવા વિનંતી કરીએ છીએ. ભારતીય નાગરિકોને રશિયન સેનામાં જોડાવાની કોઈપણ ઓફરથી દૂર રહેવા વિનંતી કરવામાં આવે છે. અમે તાજેતરમાં રશિયન સૈન્યમાં ભારતીય નાગરિકોની ભરતી અંગેના અહેવાલો જોયા છે. સરકારે છેલ્લા એક વર્ષમાં અનેક વખત આવા કિસ્સાઓ સાથે સંકળાયેલા જોખમો પર પ્રકાશ પાડ્યો છે.”
🚨 Ukraine’s military says they have captured an Indian national who was fighting alongside Russian forces.
🔴 Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university.#Russia #Ukraine #India #News pic.twitter.com/TZdJlnxSjL
— TheWarPolitics 🇮🇳 (@TheWarPolitics0) October 7, 2025
યુક્રેનમાં રશિયા તરફથી લડતા 12 ભારતીયોનાં મોત
રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું, “અમે દિલ્હી અને મોસ્કો બંનેમાં રશિયન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. અમે આ પ્રથાનો અંત લાવવા અપીલ કરી છે. આપણા નાગરિકોને સ્વદેશ પરત મોકલવા જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે યુક્રેનમાં રશિયા તરફથી લડતા 12 ભારતીયોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં રશિયન સૈન્યમાં જોડાવાના 126 ભારતીય નાગરિકોના કેસ નોંધાયા છે. આમાંથી 96 લોકો ભારત પરત ફર્યા છે. રશિયામાં હજુ પણ 18 ભારતીય નાગરિકો ફસાયેલા હોવાનું જાણવા મળે છે, જેમાંથી 16 લોકો ગુમ છે.
આ પણ વાંચો: “અમારી જમીન પર સવર્ણોનો કબ્જો, હું CS રહ્યો છતાં છોડાવી ન શક્યો”











Users Today : 1724