રાજસ્થાનના બાડમેર જિલ્લામાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના ધનાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના આલમસર ગામમાં 1 જાન્યુઆરી 2026ની રાત્રે જમીન વિવાદને લીધે થયેલા હિંસક હુમલામાં ત્રણ દલિતોના હાથ-પગ તોડી નાખવામાં આવ્યા અને માથા ફોડી નાખવામાં આવ્યા હતા. આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રામારામ, ખેરાજ અને ફોટારામ જોધપુરથી સારવાર કરાવીને સીધા સ્ટ્રેચર અને વ્હીલચેર પર બેસીને બાડમેર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
આરોપીઓએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો
ઘટનાની વિગતો મુજબ, 1 જાન્યુઆરીની રાત્રે પીડિત પક્ષને માહિતી મળી હતી કે તેમના વિવાદાસ્પદ પ્લોટ પર બીજો પક્ષ ગેરકાયદેસર રીતે દબાણ કરી રહ્યો છે. આ માહિતી મળતા જ જ્યારે દલિત પક્ષના 3-4 સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ત્યાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા શખ્સો લાકડીઓ, ડંડા અને ધારદાર હથિયારો વડે તેમના પર તૂટી પડ્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે હુમલાખોરોએ રામારામ અને ખેરાજના હાથ-પગના હાડકાં તોડી નાખ્યા હતા. જ્યારે ફોટારામ પર માથાના ભાગે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

પીડિતોને લોહીલુહાણ હાલતમાં બાડમેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિ વધુ નાજુક જણાતા તેમને તાત્કાલિક જોધપુરની ઉચ્ચ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. ઘણા દિવસોના જંગ બાદ જ્યારે તેઓ ડિસ્ચાર્જ થયા, ત્યારે તેમણે ઘરે જવાને બદલે સીધા એસપી કચેરી જવાનું નક્કી કર્યું જેથી ગુનેગારો સામે કડક કાર્યવાહી થઈ શકે.
આ પણ વાંચો: બોટાદના સરવઈનો દલિત પરિવાર 14 વર્ષથી ન્યાય માટે રઝળે છે

જમીનના વિવાદમાં હુમલો કરાયો
આ હિંસા પાછળનું મુખ્ય કારણ એક જૂનો પ્લોટ વિવાદ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ જમીન મૂળ કેવારામ ફોટારામ અને તેના ભાઈઓની હતી. ભાઈઓએ અગાઉ આ જમીન મુસ્લિમ પરિવારોને વેચી દીધી હતી, જે બાદમાં મૂળારામ દૂદારામ નામના વ્યક્તિએ ખરીદી હતી. આ જમીનના કબજાને લઈને દલિત પક્ષ અને સવર્ણો વચ્ચે લાંબા સમયથી કોર્ટ અને સામાજિક સ્તરે વિવાદ ચાલી રહ્યો હતો. 1 જાન્યુઆરીની રાત્રે થયેલું દબાણ આ હિંસાનું કારણ બન્યું હતું. હાલમાં વહીવટીતંત્રે આ વિવાદાસ્પદ જમીનને સીલ કરી દીધી છે.
પોલીસ તપાસ અને કાર્યવાહી સામે રોષ
દલિત નેતા ઉદારામ મેઘવાલે આરોપ લગાવ્યો હતો કે ધનાઉ પોલીસ સ્ટેશનના અધિકારીએ શરૂઆતમાં પીડિતો પ્રત્યે પક્ષપાતી વલણ અપનાવ્યું હતું. તેમણે ફરિયાદમાં ગંભીર કલમો ઉમેરવાની મનાઈ કરી હતી. જોકે, દલિત સંગઠનોના વિરોધ અને ચૌહટન સીઈઓની પ્રાથમિક તપાસ બાદ આ કેસમાં કલમો વધારવામાં આવી છે. એસપી નરેન્દ્ર સિંહ મીનાએ આ બાબતને ગંભીર ગણતા તપાસ એએસપી નિિતેશ આર્યને સોંપી છે.
આ પણ વાંચો: બાબરાના ચમારડીમાં ન્યાય સમિતિના દલિત મહિલા ચેરમેનનું હળહળતું અપમાન
પોલીસે અત્યાર સુધીમાં બંને પક્ષોની ક્રોસ એફઆઈઆરના આધારે કુલ 10 લોકોની ધરપકડ કરી છે. જેમાં હુમલો કરનાર પક્ષના 6 અને સામેના પક્ષના 4 લોકોનો સમાવેશ થાય છે. એસપીએ જણાવ્યું કે, “અમે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી રહ્યા છીએ. જે પણ પોલીસ અધિકારીએ બેદરકારી દાખવી હશે તેમની સામે પણ તપાસ થશે.”
આ પણ વાંચો: ગેંગરેપ પીડિતા આદિવાસી યુવતી ન્યાયની રાહમાં મોતને ભેટી
પીડિત દલિતોની દયનિય હાલત
જ્યારે એસપી નરેન્દ્ર સિંહ મીના પીડિતોને મળવા તેમના ચેમ્બરની બહાર આવ્યા, ત્યારે દ્રશ્ય અત્યંત કરુણ હતું. પાટાપીંડી સાથે સ્ટ્રેચર પર પડેલા રામારામે ન્યાયની ગુહાર લગાવી હતી. તેમણે જણાવ્યું કે તેઓ હજુ પણ ચાલી શકે તેવી સ્થિતિમાં નથી, પરંતુ બાકીના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી તેમને ડર લાગે છે. એસડીએમ યશાર્થ શેખરે પણ પીડિતોને આર્થિક સહાય અને કાયદાકીય રક્ષણ આપવાની ખાતરી આપી છે.
સ્થાનિકોએ ન્યાયની માંગ કરી
બાડમેરના આલમસર ગામમાં અત્યારે પોલીસ ફોર્સ તૈનાત છે, પરંતુ દલિતોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓની માંગ છે કે આ કિસ્સામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થાય અને પ્લોટ પરનો તેમનો કાયદેસરનો હક તેમને પરત મળે.
આ પણ વાંચો: સ્કૂલમાં પાણીની પાઈપને અડતા દલિત વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો












