ગુજરાતમાં હાલ નવરાત્રિનો તહેવાર તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ગામેગામ અને શહેરે-શહેર લોકો ગરબે રમીને જલસો કરી રહ્યાં છે. જો કે, હિંદુત્વવાદીઓએ આ તહેવારમાં પણ કોમવાદી રંગ ભેળવી રાજકીય લાભ ખાટવાનું શરૂ કરી દીધું હોવાથી દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમ સમાજના લોકો ગરબાથી દૂર થઈ રહ્યાં છે. આવી સ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાં આવેલી એક શાળામાં મુસ્લિમ સમાજના બાળકો નાતજાત, કોમ-ધર્મ ભૂલીને ગરબે ઘૂમ્યા હતા.
સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 3માં 100 વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના છે. આ શાળાના જાગૃત શિક્ષકો દ્વારા અહીં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મુસ્લિમ બાળકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ કલાકારોના ગીતો પર ગરબા ગાયા હતા, જેમાં માતાજીની આરતી પણ હતી અને કૃષ્ણના રાસ પણ હતા. મુસ્લિમ વિદ્યાર્થીઓના વાલીઓએ પણ તેમને કોઈપણ પ્રકારના વિરોધ વિના સરસ રીતે તૈયાર કરીને આ કાર્યક્રમમાં ગરબા રમવા માટે મોકલ્યા હતા અને કોમી એકતાનો સંદેશો પુરો પાડ્યો હતો.
આ પણ વાંચો: દલિતો હિંદુ બની મંદિરમાં દર્શન કરવા ગયા, સવર્ણોએ ફટકાર્યા
શાળાના શિક્ષક સી.જે. સોયાએ khabarantar.in સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “અમારી શાળામાં 100 ટકા વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના છે. તેમ છતાં અમે ગરબાનું આયોજન કર્યું હતું અને તમામ વિદ્યાર્થીઓએ મન મૂકીને ગરબા ગાયા હતા. અમે તમામ તહેવારો આ જ રીતે કોમી એખલાસ સાથે ઉજવીએ છીએ. દેશનું બંધારણ આપણને બિનસાંપ્રદાયિકતા શીખવે છે ત્યારે આ બાળકો પણ બંધારણ મુજબ ચાલે તે જરૂરી છે, કેમ કે, તેઓ ભવિષ્યના નાગરિકો છે.”
સુરેન્દ્રનગરના વઢવાણમાં સરકારી શાળા નં. 3માં મુસ્લિમ બાળકો ગરબા રમ્યા. શાળામાં 100 ટકા વિદ્યાર્થીઓ મુસ્લિમ સમાજના છે.#Garba #Navratri2025 #surendranagar #wadhwancity #muslim #student #jaibhim pic.twitter.com/1JCNgIAwAN
— khabar Antar (@Khabarantar01) September 28, 2025
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે કહેવાતા હિંદુ સંગઠનોએ મુસ્લિમ સમાજના લોકોને ગરબામાં પ્રવેશવા ન દેવા માટે રીતસરની દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું છે. હમણાં સુરતમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ એક ગરબા કાર્યક્રમમાં દાદાગીરીપૂર્વક ઘૂસીને મુંબઈથી આવેલા મુસ્લિમ ડ્રમવાદકોને કાઢી મૂકવા માટે ગરબાના આયોજકોને ધમકાવ્યા હતા.
ગઈકાલે રાજકોટમાં કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ગરબામાં પણ વીએચપીના નેતાઓ કાયદો હાથમાં લઈને ગરબામાં કોઈ વિધર્મી છે કે, નહીં તેનું ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા. પણ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ તેમને રોકડું પરખાવ્યું હતું કે, “મારા ગરબામાં તમામ સમાજના લોકો હળીમળીને આનંદ કરશે. તમે પૂછનાર કોણ છો?” આવા વાતાવરણ વચ્ચે એક સરકારી શાળામાં મુસ્લિમ બાળકો ગરબે ઘૂમે તે લોકશાહી અને દેશના બંધારણે સ્વીકારેલી બિનસાંપ્રદાયિકતાને જીવંત રાખતું ઉદાહરણ છે.
આ પણ વાંચો: નવરાત્રિ અને ગરબા તો મને પણ બહુ ગમતા, પણ…











Users Today : 1724