સાવરકુંડલામાં હિન્દુ વૃદ્ધાનું અવસાન થતા મુસ્લિમ યુવાને અંતિમવિધિ કરી

મુસ્લિમ યુવકે હિંદુ મહિલાની અંતિમવિધિ કરી અસ્થિ દામોદર કુંડમાં પધરાવ્યા. મહિલાની ઈચ્છા મુજબ રૂ. 20 લાખ સેવા પ્રવૃત્તિમાં દાન આપ્યા.
savarkundla news

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં માનવતાને મહેકાવતો એક સરસ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક નિરાધાર લોહાણા વૃદ્ધાનું અવસાન થતા મુસ્લિમ યુવાને તેમની અંતિમવિધિ કરી અસ્થિ પણ પધરાવ્યા હતા. મહત્વની વાત એ છે કે, મહિલાએ પોતાના વારસદાર તરીકે મુસ્લિમ યુવકનું નામ બેંકમાં નોંધાવ્યું હતું અને રૂ. 20 લાખ તેમાં જમા રાખ્યા હતા. આ રકત વૃદ્ધાએ સેવા પ્રવૃત્તિમાં આપી દેવા માટે કહ્યું હતું. જો મુસ્લિમ યુવક ઈચ્છેત તો વારસદાર તરીકે આ રકમ પોતાની પાસે રાખી શકે તેમ હતો. પણ તેણે એક રૂપિયો પણ પોતાના અંગત ઉપયોગ માટે રાખ્યો નહોતો અને વૃદ્ધાની ઈચ્છા પ્રમાણે તમામ રકમ સેવા પ્રવૃત્તિ માટે દાન કરી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર સાવરકુંડલા પંથકમાં વાહવાહી મેળવી છે.

મુસ્લિમ યુવક પર પુત્ર જેટલો વિશ્વાસ

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સાવરકુંડલાના લોહાણા સમાજના વૃદ્ધા જ્યોતિબેન ત્રિભોવનદાસ માધવાણી એકવાર અહીંના આઝાદ ચોકમાં ઈમરાન હિંગોરાની દુકાન પાસેથી પસાર થતા હતા ત્યારે પડી ગયા હતા. ઈમરાન હિંગોરા તેમને ઘરે લઈ ગયા હતા અને દવાખાને સારવાર પણ અપાવી હતી. તેમની આ નિસ્વાર્થ સેવાના કારણે જ્યોતિબેનને ઈમરાનભાઈ પર સગા પુત્ર જેટલો વિશ્વાસ બેઠો હતો. એ પછી જ્યોતિબેનને કોઈપણ કામે જવું હોય તો તેઓ કાયમ ઈમરાનભાઈને સાથે લઈ જતા હતા. ઈમરાનભાઈએ સતત 5 વર્ષ સુધી જ્યોતિબેનની સેવા કરી હતી.

આ પણ વાંચો: વાલ્મિકી યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત, પરિવારે કહ્યું આ હત્યા છે

દામોદર કુંડમાં અસ્થિનું વિસર્જન કર્યું

દરમિયાન ઉંમરના કારણે જ્યોતિબેનની તબિયત બગડતી ગઈ. પરંતુ ઈમરાનભાઈ અને તેમના પરિવારે તેમની સેવા કરવાનું છોડ્યું નહોતું. તેમનો પરિવાર બીમાર જ્યોતિબેનની સેવા કરતો રહ્યો. અંતે બીમારીને કારણે જ્યોતિબેન માધવાણી અવસાન પામ્યા હતા. ત્યારે ઈમરાનભાઈએ સગા દીકરાની જેમ રડતી આંખે સ્મશાને જઈને તેમની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. એટલું જ નહી હિન્દુ ધર્મ મુજબ જૂનાગઢ જઈને દામોદર કુંડમાં જ્યોતિબેનના અસ્થિનું વિસર્જન કર્યું હતું. બેસણાંમાં જે લોકો આવ્યા તેમણે ખરખરો પણ ઈમરાનભાઈ સમક્ષ જ કર્યો હતો.

બેંકમાં વારસદાર તરીકે ઈમરાનભાઈનું નામ લખાવ્યું

આજના જમાનામાં સગો ભાઈ કે પિતા પણ વારસાઈ મામલે એકબીજા પર વિશ્વાસ કરતા નથી તેવી સ્થિતિ છે જ્યારે જ્યોતિબેને પોતાના વારસદાર તરીકે ઈમરાનભાઈનું નામ લખાવ્યું હતું. સાવરકુંડલાની જે બેંકમાં જ્યોતિબેનનું ખાતું ચાલતું હતું તે બેંકના મેનેજરે જણાવ્યું હતું કે, જ્યોતિબેન પાસે રૂ. 20 લાખની મરણમૂડી હતી. જ્યારે તેઓ બેંકમાં આ રકમ જમા કરાવવા માટે આવ્યા ત્યારે મેં તેમને વારસદારનું નામ પુછ્યું હતું. અને તેમણે વારસદાર તરીકે ઈમરાન હિંગોરાનું નામ આપતા મારા સહિત બેંકના સૌ કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા.

બેંકમાં વારસદાર તરીકે ઈમરાનભાઈનું જ નામ હતું. તેઓ જો ધારત તો રૂ. 20 લાખ પોતે રાખી લે તો પણ ચાલે તેમ હતું. પરંતુ તેમણે એવું ન કર્યું અને આ રકમ જ્યોતિબેનની ઈચ્છા મુજબ સેવા પ્રવૃત્તિમાં આપવાનું નક્કી કર્યું હતું. તેમણે રૂ. 10 લાખ રૂપિયા અહીંના એક ટિફીન સેવા કેન્દ્રને આપ્યા છે અને બાકીની રકમ અન્ય સંસ્થાઓને દાનમાં આપશે. આ ઘટનાને સમગ્ર સાવરકુંડલા શહેરમાં વાહવાહી મેળવી છે.

આ પણ વાંચો: પ્લેન ક્રેશ દુર્ઘટનાને મનુમીડિયાએ અંધશ્રદ્ધા ફેલાવવાનું સાધન બનાવી

3.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x