દલિત સમાજ પર અત્યાચારનો સિલસિલો યથાવત છે. બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક 20 વર્ષીય યુવકની કરપીણ હત્યા બાદ ભારે વર્ગવિગ્રહ, તણાવ અને અરાજકતાનો માહોલ સર્જાયો છે. કરજા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા પ્રતાપપટ્ટી ગામમાં બાઇકની ટક્કર જેવા એક અત્યંત નજીવા વિવાદે થોડી જ ક્ષણોમાં લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોહમ્મદપુર ખાજે ગામના રહેવાસી 20 વર્ષીય નવનીત કુમાર નામના યુવકની બેરહમીથી માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા આક્રોશમાં રવિવારે સવારે રોષે ભરાયેલા ગ્રામજનો અને પરિજનોના સેંકડોના ટોળાએ પ્રતાપપટ્ટી દલિત વાસ પર હુમલો કરીને 9 ઘરોને આગ ચાંપી દીધી હતી. હિંસક હુમલાથી બચવા માટે દલિત વાસની મહિલાઓ અને નાના બાળકો પોતાના ઘરબાર છોડીને સલામત સ્થળે ભાગી છૂટ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભારે વિસ્ફોટક સ્થિતિ સર્જાતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત વિશાળ પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.
બાઇકની ટક્કરથી શરૂ થયો લોહિયાળ ખેલ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ આખી ઘટનાની શરૂઆત શનિવારે સાંજે થઈ હતી. મોહમ્મદપુર ખાજે ગામનો રહેવાસી 20 વર્ષીય નવનીત કુમાર પ્રતાપપટ્ટી ગામમાંથી પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ગામમાં જ તેનું બાઈક એક નાના બાળકને અડી ગયું હતું. આ સામાન્ય મુદ્દા પરથી કિશોરોના બે જૂથો વચ્ચે સામસામે બોલાચાલી અને તુ-તુ મૈં-મૈં શરૂ થઈ ગઈ હતી. જોતજોતામાં આ સામાન્ય વિવાદે અત્યંત હિંસક વળાંક લઈ લીધો હતો. પ્રતાપપટ્ટી દલિત વાસના કેટલાક લોકોએ નવનીતને ઘેરી લીધો હતો અને તેના પર હુમલો કરી દીધો હતો. ઉશ્કેરાયેલા લોકોએ નવનીતને ગળાના ભાગે પટ્ટો બાંધીને ખેંચી રાખ્યો હતો તથા લાકડીઓ અને દંડા વડે તેના પર હુમલો કર્યો હતો.

ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત
ઘટનાની જાણ થતાં જ નવનીતના પરિજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. લોહીલુહાણ અને ગંભીર રીતે ઘવાયેલા નવનીતને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ મોડી રાત્રે સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. ઘટનાની માહિતી મળતાં જ કરજા પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને રાત્રિના સમયે જ હત્યાના ગુનામાં સામેલ મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પરંતુ પોલીસની આ પ્રાથમિક કાર્યવાહીથી પણ નવનીતના પરિજનો અને ગામ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો.
આ પણ વાંચોઃ 14મી એપ્રિલે દલિતવાસમાં આગ લાગી, 11 સામે એટ્રોસિટીની FIR નોંધાઈ
સવારે મૃતદેહ પહોંચતાં દલિત વાસ પર હિંસક હુમલો
રવિવારે સવારે જ્યારે પોસ્ટમોર્ટમ બાદ નવનીતનો મૃતદેહ તેના ગામ મોહમ્મદપુર ખાજે પહોંચ્યો ત્યારે વાતાવરણમાં ગમગીની સાથે ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. પરિજનો અને આસપાસના ગામોના સેંકડો ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોનું આખું ટોળું નવનીતનો મૃતદેહ સાથે રાખીને પ્રતાપપટ્ટી દલિત વાસ તરફ ધસી ગયું હતું. ગુસ્સે ભરાયેલા સવર્ણોએ દલિત વાસને ઘેરી લીધો હતો અને તોડફોડ કરીને હુમલો કર્યો હતો.
ઉશ્કેરાયેલા ટોળાએ દલિત વાસના ઘરોમાં આગ લગાડવાનું શરૂ કરી દીધું હતું. જોતજોતામાં દલિત પરિવારોના 9 જેટલા ઘરો સળગવા લાગ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે ગરીબ પરિવારોનો તમામ ઘરવખરીનો સામાન, કપડાં અને અનાજ બળીને રાખ થઈ ગયું હતું. આ હુમલા દરમિયાન દલિત વાસના કેટલાક લોકો સાથે મારામારી પણ કરવામાં આવી હતી. જાનમાલનું ભારે નુકસાન થતું જોઈને વાસની મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકો પોતાના જીવ બચાવવા માટે ઘર છોડીને આસપાસના ખેતરો અને અન્ય ગામો તરફ ભાગી છૂટ્યા હતા.

પોલીસ કાફલો તૈનાત, ભારે તણાવની સ્થિતિ
દલિત વાસમાં આગચંપી અને હિંસાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં 9 ઘરો પૂરેપૂરા બળીને ખાખ થઈ ચૂક્યા હતા. હિંસક ઘટના બાદ હુમલો કરનાર પક્ષના તમામ લોકો ગામમાંથી ફરાર થઈ ગયા છે. બીજી તરફ, ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતાં આસપાસના ગામોમાંથી દલિત સમાજના લોકો એકઠા થવા લાગ્યા છે.
દલિત સમાજના લોકો આ હુમલાનો બદલો લેવા માટે એકઠા થઈ રહ્યા હોવાના અહેવાલોથી ગામમાં તણાવ વધુ વિસ્ફોટક બની ગયો છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. એસડીઓ અને એસડીપીઓ પોતે ઘટનાસ્થળે કેમ્પ કરીને પરિસ્થિતિને નિયંત્રિત કરી રહ્યા છે અને બંને પક્ષના લોકોને શાંતિ તથા સંયમ જાળવવાની અપીલ કરી રહ્યા છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હત્યાના આરોપીઓને ઝડપી લેવાયા છે અને હવે ગેરકાયદેસર રીતે ઘરો સળગાવનારા અને હિંસા ભડકાવનારા તત્વોની વીડિયો ફૂટેજના આધારે ઓળખ કરીને તેમની સામે પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દલિતવાસના કૂતરાં સવર્ણોના કૂતરાંને ભસતા 6 રાઉન્ડ ફાયરિંગ











