ગુજરાત સહિત દેશભરમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતી સમાજના ખાસ કરીને ભાજપવિરોધી મતોને કાપી નાખવામાં આવતા હોવાના આક્ષેપો સતત થતા રહે છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, બોટાદ, મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં આવી ફરિયાદો ઉઠી છે. ત્યારે હવે તેમાં કોડીનારનો ઉમેરો થયો છે.
કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લઘુમતી સમાજના હજારો મતદારોના નામ યાદીમાંથી દૂર કરવા માટે ખોટી રીતે ‘ફોર્મ-7’ ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મુસ્લિમ સમાજના 6700થી વધુ મતદારોના નામ કમી કરવાનો આક્ષેપ કરાયો છે. ખોટી અરજી કરનાર 47 સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

આ મુદ્દે લઘુમતી સમાજના સેંકડો લોકોએ ન્યાયની માગ સાથે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. કોડીનારના ઇતિહાસમાં પ્રથમ વખત લઘુમતી સમાજની ફરિયાદો માટે પોલીસ સ્ટેશનમાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારના 400થી વધુ લોકોએ લેખિતમાં પોતાની રજૂઆત કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર વણારકાને રૂબરૂ કરી હતી.
આ પણ વાંચો: ધાનેરાના ઋણીમાં વર્ષો જૂનો રસ્તો બંધ કરાતા દલિતો મુશ્કેલીમાં મૂકાયા

મામલો શું છે?
કોડીનારના લઘુમતી સમાજના સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે કે, જે મતદારો હયાત છે, વર્ષોથી જે-તે ગામમાં જ વસવાટ કરે છે અને જેમણે ક્યારેય સ્થળાંતર કર્યું નથી, તેવા લોકોના નામ સામે અજાણી વ્યક્તિઓ દ્વારા ખોટા વાંધા રજૂ કરવામાં આવ્યા છે. 6,722થી વધુ મુસ્લિમ મતદારોના નામ સામે ફોર્મ-7 ભરાયા હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 47 જેટલી વ્યક્તિઓએ જ આ હજારો ફોર્મ ભર્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.
આ પણ વાંચો: કોડીનારમાં SIR ની કામગીરીથી કંટાળી શિક્ષકે ગળેફાંસો ખાઈ લીધો
SIR પ્રક્રિયામાં ફોર્મ-7નો દુરુપયોગ થયાની રાવ ઉઠી
કોડીનાર મુસ્લિમ સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ, SIR પ્રક્રિયામાં ફોર્મ-7નો દુરુપયોગ કરી લઘુમતી સમાજના મતાધિકાર પર તરાપ મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે લોકો વાસ્તવિક રીતે ત્યાં જ વસે છે અને ખેતીની જમીન ધરાવે છે, તેમના નામ કઈ રીતે કમી થઈ શકે? અમે તંત્ર પાસે માત્ર નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરીએ છીએ. લઘુમતી સમાજના આગેવાનોએ આ પ્રક્રિયાને વહીવટી ભૂલને બદલે એક ‘સુનિયોજિત કૌભાંડ’ ગણાવ્યું છે.
તેમનો આક્ષેપ છે કે ચોક્કસ સમુદાયને મતદાનથી વંચિત રાખી તેમના બંધારણીય અધિકારો છીનવી લેવાનું આ ષડયંત્ર છે. જો તંત્ર દ્વારા ત્વરિત અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલમાં આ મામલાએ સમગ્ર જિલ્લામાં રાજકીય અને સામાજિક ગરમાવો લાવી દીધો છે. ચૂંટણી પંચની વિશ્વસનીયતા સામે સવાલો ઉભા થતા હવે વહીવટી તંત્ર આ બાબતે કેવું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ SIR મતદાર યાદીમાં કપાયું!











