છોટાઉદેપુરમાં ફરી એકવાર ગુજરાતના કહેવાતા વિકાસની પોલ ખૂલી ગઈ છે. અહીંના નસવાડીના ખેંદા ગામે એક સગર્ભાને ઝોળીમાં નાખીને હોસ્પિટલ સુધી લઈ જવી પડી, કેમ કે ગામ સુધી એમ્બ્યુલન્સ આવી શકે તેવો પાકો રસ્તો નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને તેણે સત્તાધારી ભાજપના 35 વર્ષના શાસનના કથિત વિકાસની હવા કાઢી નાખી છે.
અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની છે
ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુરમાં આ પહેલી ઘટના નથી, જેમાં કોઈ સગર્ભાને રસ્તાના અભાવે ઝોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાઈ રહી હોય. અગાઉ પણ આવી બે-ત્રણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. એક મામલામાં તો હાઈકોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી, તેમ છતાં તંત્ર દ્વારા રસ્તા બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી. સરકાર જાણે આદિવાસીઓને માણસ જ ન સમજતી હોય તેમ વર્તે છે.
આ પણ વાંચો: અમરેલીમાં ભર વરસાદે દલિત પરિવાર ન્યાય માટે ઉપવાસ પર બેઠો
ઘટનાનો વીડિયો વાયરલ થયો
આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક સગર્ભા મહિલાને ગામમાં પાકો રસ્તો ન હોવાથી કેટલાક લોકો ઝોળીમાં નાખીને ખાનગી જીપમાં મુખ્ય રસ્તાએ ઊભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી રહ્યાં છે અને ત્યાંથી તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહી છે.
અગાઉ કલેક્ટર અને ટીડીઓ પણ કાચા રસ્તે ફસાયા હતા
છોટાઉદેપુર જિલ્લામાં આજની તારીખે પણ પાકા રસ્તાનો અભાવ છે. કલેક્ટર અને TDO પણ કાચો રસ્તો હોવાના કારણે અહીં ફસાઈ ચુક્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા અહીં પાકો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં નથી આવતી. દર વખતે જીવના જોખમે આ પ્રકારે સગર્ભા અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. જેમાં અનેકવાર દર્દી વિલંબના કારણે પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે. આ મુદ્દે ગામલોકોનું કહેવું છે કે, અમે વારંવાર રજૂઆત કરી હોવા છતા અહીં રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં નથી આવતી. કાચા રસ્તાને કારણે ખાસ કરીને ચોમાસામાં ભારે તકલીફ પડે છે.
ગયા વર્ષે તુરખેડાની સગર્ભાએ જીવ ગુમાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2024માં છોટા ઉદેપુરના જ તુરખેડામાં આ જ રીતે એક પ્રસૂતાને ઝોળીમાં નાખીને હોસ્પિટલે લઈ જવાના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટે તંત્રને રોડ બનાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી અનેકવાર આવી રીતે ઝોળીમાં હોસ્પિટલ લઈ જવાની ઘટના સામે આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
છોટાઉદેપુર : વિકસિત ગુજરાતમાં વિકાસના દાવા પોકળ !
રસ્તાના અભાવે પ્રસૂતાને ઝોળીમાં ઉંચકીને લઈ જવાઈ#GujaratiNews #BreakingNews #News18Gujarati pic.twitter.com/EWmFBc78dk— News18Gujarati (@News18Guj) June 20, 2025
મગરની ચામડી જેવા ગુજરાતના તંત્રને હવે હાઈકોર્ટના આદેશની પણ કોઈ પરવા ન હોય તેમ જણાય છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોને જાણે ભગવાન ભરોસે છોડી દેવાયા હોય તેવી સ્થિતિ છે.
આ પણ વાંચો: લીંબડીના પરનાળામાં દલિતોના સ્મશાનમાંથી કંકાલ કાઢી ફેંકી દેવાયા