ગુજરાતમાં દારૂબંધી અને રાષ્ટ્રભક્તિના દાવા કરવામાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં કોઈ ટીખળખોરે સરકારના બંને દાવાઓના રીતસરના ધજાગરા ઉડાવ્યા હતા. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહની ઓફિસની બહાર આવેલા હરિભાઈ ગોધાણી સર્કલ ઉપર તોફાની તત્વો દ્વારા સ્ટેચ્યૂ ઉપર રાષ્ટ્રધ્વજ સાથે ઝાડું અને દારૂની બોટલો લટકાવી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
સરસપુર વિસ્તારમાં હરિભાઈ ગોધાણી સર્કલ ઉપર સ્થાપવામાં આવેલી પ્રતિમા પાસે અજાણ્યા શખ્સોએ રાષ્ટ્રધ્વજનું અપમાન કરીને દારૂની ખાલી બોટલો લટકાવી દીધી હતી. દારૂની ખાલી બોટલો અને ઝાડુ લટકાવી દેતાં સ્થાનિકોમાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. ધોળા દિવસે જાહેર માર્ગ પર ઘટના બની હોવા છતાં કલાકો સુધી પોલીસ કે મહાનગરપાલિકાના અધિકારીઓનું ધ્યાન ગયું નહોતું. બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહાની ઓફિસ પણ નજીકમાં હોવા છતાં રાષ્ટ્રધ્વજનું અપમાન થવાની ઘટના બનતા તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે આવી હતી.

આ પણ વાંચો: ‘માન્યવર’ બનવું સહેલું છે, ‘બહેનજી’ બનવું અઘરું છે
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા. ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને તેની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને સ્થળ પર મોકલીને અપમાનજનક વસ્તુઓ દૂર કરાવી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અજાણ્યા અસ્થિર મગજના વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરાયું હોવાનું ધ્યાને આવ્યું છે.

આ ઘટના બાદ સ્થાનિકોએ જણાવ્યું કે, ભાજપના ધારાસભ્યની ઓફિસ પાસે તિરંગાનું અપમાન થતું હોય અને દારૂની બોટલો મળી આવતી હોય તો અન્ય વિસ્તારોની શું સ્થિતિ હશે? લોકોએ માગણી કરી હતી કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાની શરમજનક હરકત કરનાર અસામાજિક તત્વોને પકડી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. જો કે, આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધીમાં આ મામલે હજુ સુધી કોઈની પણ અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: DJ પર પ્રતિબંધ મૂકાતા સંચાલકોએ કહ્યું, ‘તો પછી અમારે દારૂ ગાળવો પડશે!’












*રાષ્ટ્રભક્તિ અને દારૂબંધીની ઠગી વાતો મૂરખ લોકોની નૌટંકી છે!