અમદાવાદનો છારા સમાજ પ્રગતિના પંથે, છારાનગરમાં નવી લાઈબ્રેરી ખૂલી

અમદાવાદના છારા સમાજની નવી પેઢીએ સમાજ માટે શિક્ષણના દ્વાર ખોલી નાખ્યા છે. દક્ષિણ બજરંગે છારા, કલ્પના ગાગડેકર, આતિશ ઈન્દ્રેકરે ઈતિહાસ રચ્યો.
New library inaugurated in Chharanagar

અમદાવાદના છારાનગરને આજે પણ કથિત સુધરેલા લોકો ગુનાખોરીનું ઘર માનીને તેને બદનામ કરી રહ્યાં છે ત્યારે અહીં વસતો છારા સમાજ હવે પ્રગતિના પંથે છે. અમદાવાદનું છારાનગર હવે માત્ર તેની ભૌગોલિક ઓળખથી નહીં, પણ જ્ઞાનના નવા કેન્દ્ર તરીકે ઓળખાશે. ગુજરાત ગૃહ ખાતાના ‘સુરક્ષા સેતુ પ્રોજેક્ટ’ અંતર્ગત ગુજરાત પોલીસ અને વિમુક્તા ટ્રસ્ટના સહયોગથી છારાનગરમાં વિશેષ લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રી જી.એસ. મલિક સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને છારા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પોલીસ અને વિમુક્તા ટ્રસ્ટની કામગીરી

ગુજરાત ગૃહ ખાતાના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસ અને વિમુક્તા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિમુક્તા રીફોર્મ સેન્ટર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન છારા સમાજ માટે સ્થાપિત નવી લાઇબ્રેરીનું અવલોકન અને સંવાદ યોજાયો. આ કાર્યક્રમમાં અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રી જી.એસ. મલિક, ડી.સી.પી. શ્રી અતુલ કુમાર બંસલ, જે.સી.પી. શ્રી જયપાલસિંહ રાઠોડ, એ.સી.પી. શ્રી વી.એન. યાદવ, સરદારનગર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ચાંપાવત તથા સરદારનગર સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.બી. કલસારિયા ઉપસ્થિત રહ્યા હતા.

New library inaugurated in Chharanagar

આ પણ વાંચો: વિશન કાથડે દેશના 150 ગાયકો સાથે સૂર રેલાવી રેકોર્ડ સર્જ્યો

છારા સમાજના ‘ધુરંધરો’નું સમાજ માટે યોગદાન

કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના ભૂતપૂર્વ ગવર્નમેન્ટ પ્લીડર રતન કોડેકર, જાણીતા ફિલ્મ નિર્માતા અને વિમુક્તા ટ્રસ્ટના સ્થાપક સભ્ય દક્ષિણ બજરંગે, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને ટ્રસ્ટી કલ્પના ગાગડેકર, કાર્યકર અને અભિનેતા આતીષ ઇન્દ્રેકર તેમજ છારા સમાજના અગ્રણીઓ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

વિદ્યાર્થીઓને સફળતા મેળવવામાં મદદ મળશેઃ પોલીસ કમિશનર

પોલીસ કમિશ્નર શ્રી જી.એસ. મલિકે જણાવ્યું હતું કે છારા સમાજ તરફથી લાંબા સમયથી લાઇબ્રેરી સ્થાપવાની માંગણી કરવામાં આવી રહી હતી. સમાજમાં ગુણવત્તાસભર શિક્ષણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત વિમુક્તા રીફોર્મ સેન્ટરમાં લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ પહેલથી સમાજના વધુમાં વધુ વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને સકારાત્મક પરિવર્તન આવશે.

New library inaugurated in Chharanagar

બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશેઃ રતન કોડેકર

શ્રી રતન કોડેકરે પોલીસના પ્રયત્નોની પ્રશંસા કરતાં જણાવ્યું કે જ્યાં આજે લાઇબ્રેરી સ્થાપિત કરવામાં આવી છે, તે સ્થળ એક સમય તેમના પૂર્વજોના નિવાસસ્થાન તરીકે ઓળખાતું હતું. આ પહેલ છારા બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો: કલોલમાં ક્રાંતિઃ પહેલીવાર પત્નીએ પતિના મૃતદેહને અગ્નિદાહ આપ્યો 

New library inaugurated in Chharanagar

કૌશલ્ય આધારિત રોજગારીની તકો ઉભી કરવી છેઃ દક્ષિણ છારા

સામાજિક કાર્યકર અને ફિલ્મ નિર્માતા દક્ષિણ બજરંગેએ જણાવ્યું કે, પ્રારંભિક સહાય હવે ઉપલબ્ધ થઈ છે, પરંતુ સમાજને આગળ વધારવા માટે કૌશલ્ય આધારિત રોજગારની તકો પણ ઉપલબ્ધ થવી જરૂરી છે. ફિલ્મ નિર્માણ, અભિનય તથા અન્ય સર્જનાત્મક અને વ્યવસાયિક કૌશલ્યોમાં તાલીમ આપવામાં આવે તો યુવાનો આત્મનિર્ભર બની શકે.

અપરાધી જાતિના કલંકથી મુક્ત થવાનો સમય આવી ગયો છેઃ આતિશ ઈન્દ્રેકર

યુવા એક્ટિવિસ્ટ આતિશ ઇન્દ્રેકરે જણાવ્યું કે અહીંના યુવાનોને ગુણવત્તાસભર શિક્ષણની તાતી જરૂર છે અને માત્ર શિક્ષણ જ એવું સાધન છે જે સમુદાય પર લાગેલા ‘અપરાધી જાતિ’ના કલંકને દૂર કરવામાં સહાયક બની શકે છે. કાર્યક્રમમાં છારા સમાજના સેકડો લોકો ઉપરાંત અમદાવાદ શહેરના રામોલ અને વટવા વિસ્તારના વિમુક્ત અને વિચરતી જનજાતિના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

New library inaugurated in Chharanagar

આ પણ વાંચો:  કોડીનારમાં SIR ની કામગીરીથી કંટાળી શિક્ષકે ગળેફાંસો ખાઈ લીધો

છારા સમાજને ઓળખો

છારા સમાજ ભારતની વિમુક્ત અને ભટકતી જનજાતિઓમાંનો એક મહત્વપૂર્ણ સમાજ છે. બ્રિટિશ શાસન દરમિયાન 1871ના ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ હેઠળ અનેક જનજાતિઓને ‘અપરાધી જાતિ’ તરીકે જાહેર કરવામાં આવી હતી, જેમાં છારા સમાજનો પણ સમાવેશ થતો હતો. સ્વતંત્રતા પછી આ કાયદો રદ્દ કરવામાં આવ્યો અને આ સમુદાયો ‘વિમુક્ત’ તરીકે ઓળખાયા. છતાં, વર્ષો સુધી સામાજિક કલંક, ભેદભાવ, શિક્ષણ અને રોજગારની અછત જેવી સમસ્યાઓનો સામનો તેમને કરવો પડ્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં શિક્ષણ, કલા, નાટ્ય અને ફિલ્મ ક્ષેત્રે છારા યુવાનો નોંધપાત્ર રીતે આગળ આવી રહ્યા છે.

વિમુક્તા ટ્રસ્ટની કામગીરી શું છે?

વિમુક્તા ટ્રસ્ટની સ્થાપના છારા સમાજના સભ્યો દ્વારા ભેદભાવ, બેરોજગારી, ગુણવત્તાસભર શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણ જેવા મુદ્દાઓને ઉકેલવા માટે કરવામાં આવી હતી. મહાશ્વેતા દેવી અને ડૉ. ગણેશ દેવી જેવા વિચારકો અને કાર્યકરો દ્વારા વિમુક્ત જનજાતિઓના મૂળભૂત હકો માટે ઉઠાવવામાં આવેલા અવાજથી પ્રેરણા મેળવી આ ટ્રસ્ટ કાર્યરત છે. ટ્રસ્ટનો મુખ્ય હેતુ સમાજને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સાંસ્કૃતિક સશક્તિકરણ દ્વારા આત્મનિર્ભર બનાવવાનો છે.

આ પણ વાંચો: દક્ષિણ છારા ‘કૃપયા ધ્યાન દીજિયે’ વેબ સિરીઝ લઈને આવી રહ્યાં છે…

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x