‘દીકરી લિવ ઈનમાં રહે તે નહીં ચાલે, દીકરો વાંઢો મરવા દેજો’

OBC News: ગેનીબેને કહ્યું, "આપણે બીજા સમાજની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો ગમે તેમ કરીને પાછી લાવવી"
Geniben Thakor statement on the live-in

OBC News: દેશનું બંધારણ અને કાયદો પુખ્યવયના છોકરા-છોકરીઓને કાયદેસર રીતે લિવ ઈનમાં રહેવાની છૂટ આપે છે. પરંતુ બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોર(Geniben Thakor)ને જાણે બંધારણની કલમ અને કાયદાની જોગવાઈનો ખ્યાલ જ ન હોય તેમ તેમણે બંધારણ અને કાયદા વિરુદ્ધનું નિવેદન આપ્યું છે. બનાસકાંઠાના વિભાજન બાદ નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટેની બેઠક મળી હતી. આ બેઠકમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે લિવ ઈન રિલેશનશીપનો(statement on the live-in) વિરોધ કર્યો હતો.

ગેનીબેને હાજર રહેલા લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, “લિવ ઈન કરારના નિયમો સમાજને બરબાદ કરે છે. દીકરીઓ લિવ ઈનમાં રહે તે ચલાવી લેવાનું નથી. તમારો દીકરો વાંઢો મરે તો મરવા દેજો.”

આ પણ વાંચો: ‘દેશની સૌથી મોટી લઘુમતી મહિલાઓ છે, અનામત લાગુ કરો’

કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને ટોકર કરી હતી કે, “દીકરીઓ મૈત્રી કરારથી લગ્ન કરે તે ચલાવી લેવાનું નથી. લિવ ઈન કરાર કરી લગ્ન કરે તો ઘરે ન આવવા દેતા. તમારો દીકરો વાંઢો મરે તો મરવા દેજો. લિવ ઈન કરારના નિયમો સમાજને બરબાદ કરે છે.”

ગેનીબેને વધુમાં કહ્યું કે, “આપણે કોઈ બીજા સમાજની દીકરીને લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તે ચલાવવું નહીં. આપણી દીકરી જાય તો આકાશ પાતાળ એક કરીને પાછી લાવવી.”

દશામા બીજા સમાજને કયારેય નડતા નથી, આપણને જ કેમ નડે?

ગેનીબેને ઠાકોર સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, કુરિવાજો અને ખાસ કરીને ’દશામાના વ્રત’નો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભુવા-ભોપાના રવાડે ચડવાને બદલે તબીબી સારવાર અને પુરુષાર્થ પર ભરોસો રાખવો જોઈએ.

આ પણ વાંચો: પટેલ સીએમે પટેલોના કેસો પાછા ખેંચ્યા, દલિતો-ઠાકોરોના ક્યારે?

ગેનીબેને પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે, “જો દશામા નડતા હોય તો મારી પાસે મોકલી દેજો, હું તેમને મારી ગાડીમાં ફેરવીશ. દીકરીઓ અને બહેનોએ દશામાંના વ્રત કરવાની કોઈ જરૂર નથી. બીજા સમાજને ક્યારેય દશામાં નડતા નથી, માત્ર આપણને જ કેમ નડે છે?”

તેમણે કટાક્ષમાં ઉમેર્યું હતું કે “આવા વ્રતો કરીને આપણે સામે ચાલીને ઘરમાં ’દશા’ બેસાડીએ છીએ. જો કોઈને દશામાં નડતા હોય તો તેમને મારી પાસે મોકલી દેજો, હું એકલી જ ગાડીમાં ફરું છું, તો દશામાં પણ મારી સાથે ગાડીમાં ફરશે. ભલે મને નડે, પણ તમને કોઈને નડવા ન જોઈએ.”

આ પણ વાંચો: મેવાણીએ કહ્યું, ‘દારૂ-જુગારમાંથી કમાતા હોય તેના પટ્ટા ઉતરશે જ!’

ભૂવા-ભોપાના રવાડે ચડતા નહીં, તમારું બધુ બરબાદ કરી નાખશે

ગેનીબેને સમાજના લોકોને ચેતવ્યા હતા કે કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક તકલીફ હોય તો ભૂવા પાસે જવાને બદલે નિષ્ણાત ડોક્ટર પાસે જવું જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભુવાઓ માત્ર તમને વહેમમાં નાખીને તમારું આર્થિક શોષણ કરશે અને સામાજિક રીતે પણ કુટુંબને બરબાદ કરી નાખશે. જેવું કર્મ કરશો તેવું જ ફળ મળશે, તેમાં કોઈ ભુવો ફેરફાર કરી શકતો નથી.

ગેનીબેને એક વ્યવહારુ ઉદાહરણ આપીને લોકોની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, “જો ભુવા અને ભોપા ધારે તે કામ કરી શકતા હોત અને દુ:ખ મટાડી શકતા હોત, તો હું અને ધારાસભ્ય કેશાજી અમારું તમામ કામ છોડીને માત્ર ભુવાની બાધા રાખીને બેસી જાત. અમારે ચૂંટણી જીતવા માટે ફોર્મ ભરવાની કે પ્રચાર કરવાની શું જરૂર? સીધા ભુવાને કહી દેત તો જીતી જવાત.” તેમણે ઉમેર્યું કે અમે સવારે 5 વાગ્યાથી રાત સુધી માથામાં ધૂળ ભરાય ત્યાં સુધી મહેનત કરીએ છીએ, કારણ કે કમાવા કે સફળ થવા માટે પુરુષાર્થ સિવાય કોઈ વિકલ્પ નથી. ભુવાગીરી એ માત્ર કમાવવાનું સાધન છે, તેથી તેનાથી દૂર રહેવું જોઈએ.”

આ પણ વાંચો: ગુજરાતના મંત્રીમંડળમાં ઠાકોર સમાજને અન્યાય થયોઃ ગેનીબેન

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x