દલિત-આદિવાસી સમાજને મળતી પ્રતિનિધિત્વરૂપ અનામતની કાયમ ટીકા કરતા લોકોને કદી આ સમાજના યુવક-યુવતીઓ કેવી કપરી પરિસ્થિતિમાંથી આગળ આવે છે તેની ખબર નથી હોતી. ઓડિશાના કાલાહાંડીની આદિવાસી છોકરી બિદુ નાયકે ખેતી અને મજૂરી વચ્ચે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. આજે બિંદુ NEET પાસ કરીને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બની છે.
ગરીબી, મજૂરી અને ખેતી વચ્ચે જીવન જીવતી ઓડિશાના કાલાહાંડી જિલ્લાની બિદુ નાયકે સાબિત કર્યું કે પરિસ્થિતિઓ સામે ક્યારેય હાર માનવી નહીં. 21 વર્ષીય બિદુ નાયક નુઆપાડા ગામની રહેવાસી છે, આજે તે મેડિકલ કોલેજમાં ડોક્ટરનું શિક્ષણ મેળવી રહી છે.

બિદુના માતા-પિતા નરેન્દ્ર નાયક અને પ્રેમસિલા નાયક ખેતમજૂર છે અને ભત્રા જનજાતિના છે. નુઆપાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાંથી અભ્યાસ શરૂ કરનાર બિદુએ દુલ્મીબંધના કન્યાશ્રમમાં પોતાનો આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો. સંજોગો એવા હતા કે 10મા ધોરણ પછી ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન લગભગ ચકનાચૂર થઈ ગયું. પૈસાના અભાવે તેણીને ગામ પરત ફરવાની ફરજ પડી, જ્યાં તેણીએ સ્થાનિક બાળકોને ટ્યુશન શીખવવાનું અને ખેતીમાં મદદ કરવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: આદિવાસી વિદ્યાર્થીએ સ્માર્ટફોન-ઈન્ટરનેટ વિના NEET UG પાસ કરી

એ દરમિયાન તેણીના સંબંધી લાવણ્યા પૂજાહરે તેણીની પ્રતિભાને ઓળખી અને વધુ અભ્યાસ માટે આર્થિક મદદ કરી. એક મુલાકાતમાં, બિંદુએ જણાવ્યું, “અમારો પરિવાર ખેતમજૂરી કરતો હતો. તેમાંથી મને જે પણ પૈસા મળતા હતા, તે હું અભ્યાસમાં રોકાણ કરતી હતી. બાદમાં મારા ભાઈ અને સંબંધીએ મને ધોરણ 12 માં પ્રવેશ મેળવવામાં મદદ કરી અને ટેકો આપ્યો. 2024 માં મેં ધોરણ 12 પાસ કર્યું અને પછી એક વર્ષ માટે NEET ની તૈયારી કરી. તે સમય દરમિયાન, મારા ભાઈએ હોસ્ટેલ અને અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવ્યો. તેમની પ્રેરણા અને મદદથી જ હું અહીં પહોંચી શકી છું.”
2024 માં, બિંદુએ ધોરણ 12 માં લાંજીગઢ તાલુકામાં ટોપર બનીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. એ પછી તે ભુવનેશ્વર ગઈ અને કોચિંગ લીધું અને જૂન 2025 માં યોજાયેલી NEET પરીક્ષામાં સફળ થઈ. આજે તે ઓડિશાના બ્રહ્મપુરમાં આવેલી પ્રખ્યાત MKCG મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પ્રવેશ લઈને ડૉક્ટર બનવાના પોતાના સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવી રહી છે. બિંદુની આ સફળતા અનેક આદિવાસી દીકરીઓને પ્રેરણા આપશે.
આ પણ વાંચો: આદિવાસી યુવકના માથે તગારું હતું ને ફોન આવ્યો- ‘તેં NEET પાસ કરી લીધી’










