કેશોદના અગતરાય ગામમાં એક દલિત પરિવારની 6 બહેનોના એકના એક ભાઈએ એસિડ પીને આપઘાત કરીને જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. સાસરીયાના ત્રાસના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક નિલેશ દાફડાના પિતાએ યુવકની પત્ની, સસરા સહિત ત્રણ સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ કરી છે. મૃતકની પત્ની રિસામણી જતા સમાધાન માટે પત્નીના પિયરીયાઓએ ૧૦ લાખની માંગણી કરવામાં આવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મૃતક યુવક પાસેથી સ્યુસાઈટ નોટ મળી આવી છે.
મળતી માહિતી મુજબ કેશોદના અગતરાય ગામના નિલેશ દાફડા નામના યુવકે પત્ની અને સાસરિયાઓના ત્રાસથી આપઘાત કરી લીધો છે. સાસરિયાઓએ રૂ.૧૦ લાખની જમાઈ સાથે માગ કરી હતી અને તેના કારણે ઝઘડા ચાલતા હતા. મૃતકે રૂપિયા ના આપતા તેમને ઢોર માર મારવામાં આવ્યો હોવાની પણ વાત સામે આવી છે. જેના કારણે યુવકે એસિડ પીને જીવન ટૂંકાવી દીધો છે. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
આ પણ વાંચો: યુનિ.ના દલિત પ્રોફેસરો સાથે ભેદભાવ થતા સામૂહિક રાજીનામું આપશે?
નિલેશ દાફડાએ મરતાં પહેલા એક ચિઠ્ઠી લખી હતી. જેમાં તેમણે લખ્યું છે કે, “મારા મેરેજ જીગ્નાશા સાથે થયા હતા. પરણીને તે ઘરે જતી રહી હતી. ત્યાર બાદ હું તેમને પાછો લઇ આવ્યો અને તે ૧૫ દિવસ રહીને પાછી ચાલી ગઈ હતી. ત્યારથી મને બ્લોક કરી દીધો છે. પછી મને કાજલ રાવલીયા તથા તેમના પતિ નીતિન રાવલિયાએ ધમકી આપીને કહ્યું હતું કે મને ૧૦ લાખ રૂપિયા આપ. તેમના પપ્પા કાનાભાઈએ પણ આ જ માંગણીઓ કરી હતી. જીગ્નાશાને મારી સાથે લગ્ન કરવા નહોતા તો મારી જીંદગી શું કામ બગાડી હતી? મારી છ બહેનનોનો હું એક ભાઈ હતો. હું મારી જિંદગી સારી રીતે જીવતો હતો. મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું તો મારી સાથે આવું કેમ કર્યું? હું મરી જાવ તો મને માફ કરજો”
યુવકની અંતિમ ચિઠ્ઠી ઉપરાંત એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, સાસરી પક્ષના લોકો ત્રાસ આપતા હતા. પોલીસે હાલ આ અંગે મૃતક પાસેથી મળેલી અંતિમ ચિઠ્ઠીના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસે મૃતકની પત્ની અને તેના પિતાનું નિવેદન લીધુ છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એક મહિનાથી ગુમ દલિત યુવકની લાશ મળી, હત્યા કે મોત?