જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો, 24 લોકોના મોત

Pahalgam Terror Attack LIVE Update: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયાના સમાચાર છે.
pahalgam terror attack

Pahalgam Terror Attack LIVE Update: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ આતંકવાદી હુમલામાં 24થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, સત્તાવાર રીતે એકના મોતની પુષ્ટિ કરાઈ છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. બે લોકોની હાલત ગંભીર જણાવાય રહી છે. તેમાંના ત્રણ સ્થાનિક અને બાકીના ગુજરાત સહિત અન્ય રાજ્યોના નાગરિક છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કાશ્મીર જવા રવાના થયા છે.

આતંકવાદી હુમલામાં ચાર પ્રવાસીઓ ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઈજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે. માર્ચમાં હિમવર્ષા બાદ સેકડોંની સંખ્યામાં પર્યટકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર પર્યટકો રાજસ્થાનથી કાશ્મીર ફરવા માટે આવ્યા હતા. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા

અમિત શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા છે. તેમની સાથે IB ચીફ અને ગૃહ સચિવ સહિતના મોટા અધિકારીઓ પણ હાજર છે. અમિત શાહ શ્રીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક કરશે. અમિત શાહ હોસ્પિટલોમાં ઇજાગ્રસ્તોને મળશે.

વડાપ્રધાન મોદીએ નિર્દેશ આપ્યા, શાહે બેઠક કરી

સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાને ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું હતું. આ દરમિયાન, અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી, જમ્મુ અને કાશ્મીર ડીજીપી અને સેનાના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. અમિત શાહે કહ્યું હતું કે, ‘આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં.’

આ પણ વાંચો:  સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે

પીએમ નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આતંકી હુમલા અંગે X પર વડાપ્રધાન મોદીએ લખ્યું હતું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. દોષિતોને બક્ષવામાં નહીં આવે. આતંકવાદીઓના એજન્ડા સફળ નહીં થાય. આતંકવાદ સાથે લડવાનો અમારે સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.’

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે.

આ હુમલાને આઘાતજનક અને અત્યંત પીડાદાયક ગણાવતા તેમણે કહ્યું કે, ‘નિર્દોષ લોકો પરનો આ હુમલો એકદમ બર્બર અને અમાનવીય હતો અને તેની સખત નિંદા થવી જોઈએ. નિર્દોષ નાગરિકો અને આ કિસ્સામાં પ્રવાસીઓ પર હુમલો અત્યંત શરમજનક અને અક્ષમ્ય છે.’

નાગરિકો પર સૌથી મોટો હુમલો: ઓમર અબ્દુલ્લા

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાને તાજેતરના વર્ષોમાં નાગરિકો પરનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. તેમણે x પર લખ્યું કે, ‘મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હજુ પણ નક્કી કરવામાં આવી રહી છે. પરંતુ આ હુમલો તેની ક્રૂરતા અને સ્કેલની દ્રષ્ટિએ અત્યંત ગંભીર છે.’

અમરનાથ યાત્રા પહેલા જ આતંકવાદી હુમલો

થોડા દિવસ બાદ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે, આ યાત્રામાં પહલગામમાં જ બેઝ કેમ્પ બનાવવામાં આવે છે. ગરમીના કારણે કાશ્મીરમાં ટુરિઝમને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. એવામાં આ આતંકવાદી હુમલાના કારણે કાશ્મીર ગયેલા અન્ય ટૂરિસ્ટોના જીવ પડીકે બંધાયા છે. સાથે સાથે આગામી સમયમાં થનારી અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને પણ સવાલ ઊભા થયા છે. પર્યટકો પર આ પ્રકારના હુમલાના કારણે કાશ્મીરના વેપાર ઉદ્યોગ પર પણ અસર પડશે.

આ પણ વાંચો: ‘રાહુલ ગાંધીના હાથમાં બંધારણ, બગલમાં છરી છે’- પી.એલ.રાઠોડ

 

 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x