કાયદા અને બંધારણના સાશન છતાં રાજસ્થાન શા માટે મહિલાઓ માટે નરક ગણાય છે તેની આ વાત છે. રાજસ્થાનમાં દેશમાં મહિલાઓ પર સૌથી વધુ અત્યાચારો થાય છે ત્યારે અહીં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક દલિત યુવતીને સમાજના જ યુવક સાથે લગ્ન કરવા છતાં પંચે તેને રૂ. 12 લાખનો દંડ ફટકારીને તેના પરિવારનો આજીવન બહિષ્કાર કરી દીધો.
મામલો શું છે?
ઘટના જાલોરના ભીનમાલની છે. જ્યાં દલિત સમાજની એક દીકરીને પ્રેમ લગ્નને કારણે સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો. યુવતીનો આરોપ છે કે સમાજના પંચે તેના અને તેના પરિવાર વિરુદ્ધ ‘તુઘલકી ફરમાન’ જારી કર્યો છે, જેના કારણે તેને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. પીડિતાના જણાવ્યા મુજબ, તેણીએ 20 ડિસેમ્બર 2024 ના રોજ જોધપુરના આર્ય સમાજ મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા. પણ સમાજનું પંચ તેના લગ્ન બીજા કોઈ સાથે કરાવવા માંગતું હતું.
એ પછી, પંચાયતે યુવતીના સાસરિયાઓને સમાજમાંથી કાઢી મૂક્યા અને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. એટલું જ નહીં તેમની સાથેની તમામ લેવડદેવડ બંધ થઈ ગઈ.
આ પણ વાંચો: ‘સિંહ કૂતરાનો શિકાર નથી કરતા…’ પૂર્વ CMએ દલિત IAS વિશે આવું કહ્યું
પંચની આવી કાયદો વ્યવસ્થાને સમાંતર ઉભી કરાયેલી દાદાગીરી સામે યુવતીએ હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિતાને વહીવટીતંત્ર પાસેથી પણ ન્યાયની અપેક્ષા છે, પરંતુ ચાર દિવસ પહેલા ફરિયાદ નોંધાવવા છતાં તેને કોઈ રાહત મળી નથી. આવી સ્થિતિમાં, તેણે હવે આત્મહત્યા કરવાની ધમકી આપી છે.
પીડિતાએ એસપીને પણ ફરિયાદ કરી
આ મામલામાં દલિત સમાજની પંચાયતે એવો પણ ચુકાદો આપ્યો કે જો દંડ ચૂકવવામાં ન આવે તો પરિવારને આજીવન સમાજથી દૂર રહેવું પડશે. આ આદેશ પછી, પીડિતા માનસિક તણાવમાંથી પસાર થઈ રહી છે. આ બાબતે 27 માર્ચ 2025 ના રોજ, પીડિતા જાલોરના જિલ્લા પોલીસ અધિક્ષકને પણ મળી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે યુવતીની મૂંઝવણ વધી ગઈ છે.
પંચાયતના દબાણને કારણે પોલીસ કાર્યવાહી નથી કરતી
ન્યાય માંગતી દલિત સમાજની દીકરી પોતાના જ સમાજના અમુક કહેવાતા વડીલોની બનેલી ખાપ પંચાયત સ્ટાઈલની પંચાયત સામે પડી તેની તેને સજા મળી રહી છે, પણ ખુદ તેનો જ સમાજ તેની પડખે નથી. હવે યુવતી કહે છે કે જો તેને ન્યાય નહીં મળે તો તે આત્મહત્યા કરશે. કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી તેમને દરેક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેતા રોકવામાં આવી રહ્યા છે. યુવતી અને તેના પરિવારનું કહેવું છે કે સમાજની પંચાયતના દબાણને કારણે પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી.
આ પણ વાંચો: કરણી સેનાએ દલિત સાંસદ રામજીલાલ સુમનના ઘર પર હુમલો કર્યો