મધ્યપ્રદેશમાં દેશમાં સૌથી વધુ આદિવાસી સમાજની વસ્તી છે. છતાં અહીં તેમની સ્થિતિ દયનિય છે. જાતિવાદી તત્વો આદિવાસીઓના જળ, જંગલ અને જમીનના હક-અધિકારો પર સતત તરાપ મારતા રહે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના એક નાનકડા ગામમાં સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ આદિવાસી દંપતીની 6 એકર જમીન અને ઘર માથાભારે તત્વોએ પડાવી લીધું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આ મામલે આદિવાસી દંપતીએ રાજ્ય સરકારના એક મંત્રીને પગે પડીને વિનંતી કરી હતી, તેમ છતાં હજુ સુધી તેમની જમીન અને ઘર તેમને પરત મળ્યું નથી. મંત્રીજીનો આદિવાસી દંપતીને તેમની જમીન પરત અપાવવાની ખાતરી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
મંત્રીજીને પગે લાગ્યા છતાં જમીન પાછી ન મળી
મળતી માહિતી મુજબ, 17 ઓગસ્ટના રોજ પન્ના જિલ્લાના પ્રભારી મંત્રી ઈન્દર સિંહ પરમાર ખેડૂત તાલીમ કાર્યક્રમમાં જનવાર ગામમાં પહોંચ્યા હતા. અહીં વૃદ્ધ દંપતીએ મંત્રી પરમારને જમીન પાછી અપાવવા માટે વિનંતી કરી હતી. દંપતીએ કહ્યું કે અમારી પાસે ગામમાં 5 એકર ખેતીની જમીન અને 1 એકર ઘરની જમીન હતી, પણ હવે તેનો કોઈ પત્તો નથી. ત્યારબાદ મંત્રીએ જમીન શોધીને મેળવવાનું વચન આપ્યું હતું.
મંત્રીના હસ્તક્ષેપ પછી પણ જમીન-ઘર પરત ન મળ્યાં
વૃદ્ધ દંપતી ભૂરા આદિવાસી (80) અને કેશ કલી આદિવાસી (75) લગભગ 30 વર્ષ પહેલાં કામની શોધમાં આ ગામમાંથી કટની ગયા હતા. થોડા દિવસો પહેલા વૃદ્ધ દંપતીની ભત્રીજી શીલા આદિવાસીને ખબર પડી કે તે બંને હજુ જીવિત છે અને કટની જિલ્લામાં રહે છે. ત્યારબાદ તેણીએ તેમને શોધી કાઢી અને પન્ના લઈ આવી હતી.
આ પણ વાંચો: ખેતરમાં ઘાસચારો લેવા ગયેલા દલિત યુવકની ગોળી મારી હત્યા
અમારી જમીન કોણે વેચી દીધી તે કોઈને ખબર નથીઃ કેશ કલી
વૃદ્ધ મહિલા કેશ કલીએ મીડિયાને જણાવ્યું હતું કે, “અમે લગભગ 30 વર્ષ પહેલાં ગામ છોડીને કામની શોધમાં કટની ગયા હતા. અમારી ભત્રીજી શીલા અમને કટનીથી પરત લાવી છે. જ્યારે અમે અહીં પહોંચ્યા, ત્યારે ખ્યાલ આવ્યો કે અમારી ખેતીની જમીન અને ઘરની જમીન ગાયબ થઈ ગઈ છે. લોકો કહી રહ્યાં છે કે, તે વેચાઈ ગઈ છે, પરંતુ કોણે વેચી દીધી તેની કોઈને ખબર નથી.”
સરકારી ચોપડે આદિવાસી દંપતી મૃત જાહેર
કેશ કલીએ વધુમાં કહ્યું, “મંત્રીએ ખાતરી આપી છે કે ચિંતા કરશો નહીં, એક કે બે દિવસમાં બધું ઠીક થઈ જશે. અમે ઇચ્છીએ છીએ કે અમારી જમીન અમને આપવામાં આવે અને અમારું નામ આધાર કાર્ડ અને મતદાર યાદીમાં ટૂંક સમયમાં સામેલ કરવામાં આવે. આ ઉપરાંત, અમારું વૃદ્ધ પેન્શન ફરી શરૂ કરવામાં આવે. કારણ કે અમને કાગળ પર મૃત જાહેર કરવામાં આવ્યા છે. અમે તલાટીના કહેવા પર કલેક્ટર કચેરીએ આવ્યા છીએ.”
તલાટીએ શું કહ્યું?
જનવાર ગામના તલાટી સંતોષ ચિકવાએ કહ્યું, “અગાઉના તલાટી અજય પાઠકની તબિયત સારી ન હોવાથી મને તેમનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આરઆઈ કૃષ્ણ કુમાર દુબે તપાસ માટે જનવાર ગામે ગયા હતા. મેં વૃદ્ધ દંપતીને કલેક્ટર કચેરીમાં બોલાવ્યા નથી.”
આમ તલાટીઓની એકબીજાને ખો અને મંત્રીજીના નકલી આશ્વાસન વચ્ચે વૃદ્ધ આદિવાસી દંપતીનું પોતાનું ઘર અને એકર ખેતીની જમીન માથાભારે તત્વો ખાઈ ગયા છે અને છતાં કોણ ખાઈ ગયું તેનો કોઈ પત્તો તંત્ર લગાવી શકતું નથી. જાતિવાદી ભારત દેશમાં એક ગરીબ આદિવાસીની જમીન-ઘર પડાવી લેવું કેટલું આસાન બની ગયું છે તેનું આનાથી મોટું ઉદાહરણ ક્યું હોઈ શકે. બધું નજર સામે છે, છતાં તંત્ર આરોપીઓને શોધી શકતું નથી તે કેવું?
આ પણ વાંચો: Golden Visa: અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ…