સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાનવા ગામમાં દલિત યુવક રાજરત્ન નાગવંશી પર ગામના જ પાંચ ભરવાડોએ ગાયને તગેડવા જેવી નજીવી બાબતે લાકડીઓ અને લોખંડની પાઈપોથી હુમલો કર્યો હતો. જેમાં રાજરત્ન નાગવંશીના બંને પગ ભાંગી ગયા છે. હાલમાં જ તેમને પગની સર્જરી કરાવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દીધી હોવાથી સમસ્ત પાટડી તાલુકાના જાગૃત સામાજિક કાર્યકરો અને ભીમયોદ્ધાઓના એક ગ્રુપે તેમના ખબરઅંતર પૂછવા માટે તેમના ઘરની મુલાકાત લીધી હતી.
પાટડી તાલુકાના જાગૃત દલિત આગેવાનોએ પીડિત રાજરત્ન નાગવંશીના ખબરઅંતર પૂછ્યા હતા અને આખી ઘટનાની વિગતે માહિતી મેળવીને તેમની આ લડતમાં તેઓ દરેક મોરચે તેમની સાથે હોવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: CM ‘પટેલ’ GPSC ચેરમેન ‘પટેલ’ ઈન્ટરવ્યૂ લેનાર ‘પટેલ’, કંઈ સમજાયું?
વીરમગામના સામાજિક કાર્યકર કિરીટભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, રાજરત્ન નાગવંશીને ન્યાય અપાવવા માટે સમાજના સૌ આગેવાનો તેમની પડખે ઉભા છે. હાલ પોલીસે આ કેસમાં જે રીતે આરોપીઓને છાવરવા માટે એફઆઈઆરમાં જે છીંડાઓ રાખ્યા છે તેને લઈને અમે ડીએસપી સુરેન્દ્રનગરને અરજી કરી છે. આ સિવાય તેમને મા યોજનામાં સારવાર આપવાનો ઈનકાર કરનાર વીરમગામની ભાગ્યોદય ઓર્થોપેડિક હોસ્પિટલ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આરોગ્યમંત્રીને રજૂઆત કરી છે.
પોલીસે હજુ સુધી પાંચમાંથી એકપણ હુમલાખોરની ધરપકડ કરી નથી. ઉલટાનું આરોપીઓએ સામી ફરિયાદ નોંધાવી છે તે લઈ લીધી છે. આ અન્યાયકારી પગલું છે અમે તે ચલાવી લેવાના નથી. જો જરૂર પડશે તો ગાંધીનગર સુધી જઈને પણ ન્યાય મેળવવાની અમારી તૈયારીઓ છે.
આ પણ વાંચો: ભાજપ ધારાસભ્યે કાર્યકર પર ગેંગરેપ કરાવી વાયરસનું ઈન્જેક્શન માર્યું