હાથ-પગ વગરની Payal Nag એ વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવીને હરાવી

Payal Nag: બેંગકોક પેરા આર્ચરી સિરીઝમાં ઓડિશાની 18 વર્ષીય પાયલ નાગે ઈતિહાસ રચ્યો છે. તેણે વર્લ્ડ ચેમ્પિયન શીતલ દેવીને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો. પાયલનો સંઘર્ષ જાણીને તમે પણ સલામ કરશો.
Payal Nag

Payal Nag: બેંગકોકના આકાશમાં જ્યારે ભારતનો તિરંગો લહેરાયો, ત્યારે સ્ટેડિયમમાં હાજર દરેક વ્યક્તિની આંખોમાં હર્ષના આંસુ હતા. આ ગર્વની ક્ષણ અપાવનાર હતી 18 વર્ષની પાયલ નાગ. પેરા આર્ચરી સિરીઝ 2026 ના મહિલા કમ્પાઉન્ડ ફાઈનલમાં પાયલે જે પરાક્રમ કર્યું છે, તે રમતગમતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. પાયલે ફાઈનલ મુકાબલામાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને ‘પેરા આર્ચર ઓફ ધ યર’ શીતલ દેવીને 139–136 ના સ્કોરથી હરાવીને સુવર્ણ પદક જીત્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાયલનો આ પ્રથમ મેડલ છે અને તે પણ ગોલ્ડ!

આ ફાઈનલ માત્ર એક રમત નહોતી, પણ બે અસાધારણ પ્રતિભાઓ વચ્ચેનો જંગ હતો. એક તરફ અનુભવી શીતલ દેવી હતી, જેણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 698 પોઈન્ટ્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે પાયલ 678 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને હતી. પરંતુ જ્યારે ફાઈનલની ઘડી આવી, ત્યારે પાયલે દબાણને વશ થવાને બદલે તેને પોતાની તાકાત બનાવી અને વિશ્વની સર્વશ્રેષ્ઠ તીરંદાજને માત આપી.
પાયલે નાનપણમાં જ બંને હાથ-પગ ગુમાવ્યા

આ પણ વાંચો: ‘હું ભાજપ પ્રમુખ છું, એટ્રોસિટીની ફરિયાદ ખેંચી લે નહીંતર પત્તો નહીં લાગે!’

પાયલની આ જીત પાછળ એક એવો ભૂતકાળ છે જે સાંભળતા જ રૂંવાડા ઉભા થઈ જાય. ઓડિશાના બલાંગીર જિલ્લાના એક અત્યંત ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલી પાયલનું જીવન વર્ષ 2015 માં કાયમ માટે બદલાઈ ગયું. તે સમયે પાયલ માત્ર પાંચ વર્ષની હતી. ઘરની છત પર રમતી વખતે તે અજાણતા 11,000 વોલ્ટના હાઈ-ટેન્શન વીજળીના તારના સંપર્કમાં આવી ગઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડોક્ટરોએ તેનો જીવ બચાવવા માટે તેના બંને હાથ અને બંને પગ કાપવા પડ્યા હતા.

Payal Nag

એક પાંચ વર્ષની બાળકી જેણે હજી દુનિયા જોવાનું શરૂ જ કર્યું હતું, તેના માટે આ જીવનભરનું અંધકારમય સ્તબ્ધતા જેવું હતું. આર્થિક રીતે નબળા પરિવાર માટે પાયલની સારસંભાળ રાખવી અશક્ય બની રહી હતી. આખરે, 2019 માં જિલ્લા કલેક્ટરની દરમિયાનગીરી બાદ પાયલને બલાંગીરના ‘પર્વતીગીરી બાલ નિકેતન’ અનાથાશ્રમમાં મોકલવામાં આવી હતી. પાયલ ત્યાં ત્રણ વર્ષ રહી. તે પોતાના મોઢામાં પેન્સિલ પકડીને સુંદર ચિત્રો બનાવતી હતી.

કોચ કુલદીપ વેદવાન સાથેની મુલાકાતે જિંદગી બદલી નાખી

પાયલના જીવનમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેના મોઢાથી બનાવેલા ચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. જમ્મુમાં તીરંદાજીની એકેડમી ચલાવતા કોચ કુલદીપ વેદવાનની નજર આ તસવીરો પર પડી. તેમણે પાયલની અંદરની તેજસ્વીતાને ઓળખી લીધી. કુલદીપ પોતે જમ્મુથી ઓડિશા આવ્યા અને પાયલને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી. 2022 માં પાયલ જમ્મુ આવી અને અહીંથી તેની તીરંદાજીની યાત્રા શરૂ થઈ.

આ પણ વાંચો: લોહીયાળ જંગઃ જાતિવાદી તત્વોએ હુમલો કરી દલિતવાસ સળગાવ્યો

કોચ કુલદીપ સામે મોટો પડકાર હતો: પાયલ પાસે હાથ નહોતા અને પગ પણ નહોતા. તેમણે ઈટાલીની પ્રખ્યાત પેરા-ફેન્સર બીટ્રાઈસ વિયોથી પ્રેરણા લીધી. કુલદીપે પાયલ માટે ખાસ કસ્ટમાઈઝ્ડ ઈક્વિપમેન્ટ્સ (સાધનો) બનાવ્યા. શરૂઆતમાં પાયલ બંને પગના અવશેષોથી ધનુષ ચલાવતી હતી, પરંતુ ટેકનિકલ વાંધાઓ ઉઠતા કોચે ફરીથી સંશોધન કર્યું. આજે પાયલ તેના જમણા પગથી ધનુષ પકડે છે અને જમણા ખભાની મદદથી સ્પેશિયલ ગિયર દ્વારા દોરી ખેંચીને તીર છોડે છે.

નેશનલથી ઇન્ટરનેશનલ સુધીની સફર

પાયલની પ્રતિભાનો પ્રથમ પરચો 2025 ની નેશનલ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં મળ્યો હતો. પોતાની પ્રથમ જ રાષ્ટ્રીય સ્પર્ધામાં તેણે શીતલ દેવી અને ઓલિમ્પિયન જ્યોતિ બાલિયાન જેવી દિગ્ગજોને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બેંગકોકમાં મળેલી આ જીત તેના વધતા આત્મવિશ્વાસનું પરિણામ છે.

શીતલ દેવી પોતે પાયલની પ્રશંસક છે. શીતલે એક મુલાકાતમાં કહ્યું હતું કે, “પાયલ મારી નાની બહેન જેવી છે. જ્યારે મેં તેને પહેલીવાર જોયેલી ત્યારે મને આશ્ચર્ય થતું કે તે આ કેવી રીતે કરશે, પણ તેની મહેનત અને સમર્પણ અજોડ છે.” પાયલ તેની મોટી બહેન વર્ષા નાગ સાથે જમ્મુમાં હોસ્ટેલમાં રહે છે, જે તેની ચોવીસ કલાક સેવા કરે છે.

આ પણ વાંચો: 70 વર્ષથી વસેલા 40 દલિત પરિવારોને 7 દિવસમાં મકાન ખાલી કરવા આદેશ

પુરુષ વર્ગમાં ભારતનો દબદબો

બેંગકોકમાં માત્ર મહિલાઓએ જ નહીં, પણ પુરુષોએ પણ શાનદાર દેખાવ કર્યો છે. પુરુષોના કમ્પાઉન્ડ વ્યક્તિગત મુકાબલામાં શ્યામ સુંદર સ્વામીએ રોમાંચક શૂટ-ઓફમાં રાકેશ કુમારને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. બંનેનો સ્કોર 143-143 થી સમાન હતો, પરંતુ ટાઈબ્રેકરમાં સ્વામીએ 10 પોઈન્ટ મેળવ્યા હતા. બીજી તરફ, શીતલ દેવી હજી વધુ બે ફાઈનલ રમવાની છે – મહિલા ટીમ ઇવેન્ટ અને મિક્સ્ડ ટીમ ઇવેન્ટ, જ્યાં તેની પાસે ગોલ્ડ જીતવાની તક છે.

લક્ષ્ય: 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સ

પાયલ નાગ હવે માત્ર એક ખેલાડી નથી, પણ કરોડો લોકો માટે આશાનું પ્રતીક છે. તે કહે છે, “લોકો કહે છે કે જો આત્મવિશ્વાસ હોય તો બધું શક્ય છે. મને મારા ગુરુ અને મારી આવડત પર પૂરો ભરોસો હતો.” પાયલનું હવે પછીનું મિશન 2026 ની ટોક્યો પેરા એશિયન ગેમ્સ અને 2028 ની લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં ભારતને મેડલ અપાવવાનું છે.

જે રીતે એડમંડ હિલેરીએ કહ્યું હતું કે, “આપણે પહાડોને નહીં, પણ પોતાની જાતને જીતવાની હોય છે”, પાયલે પોતાની શારીરિક મર્યાદાઓ પર વિજય મેળવી લીધો છે. ઓડિશાના એક નાના ગામડાથી શરૂ થયેલી આ સફર હવે વિશ્વ વિજય સુધી પહોંચી છે. પાયલ નાગની આ વાર્તા સાબિત કરે છે કે જો તમારી પાસે લડવાનું ઝનૂન હોય, તો નસીબ પણ તમારી સામે ઘૂંટણ ટેકવે છે.

આ પણ વાંચો: અમદાવાદની ભીમ શક્તિ સેનાના 12 આગેવાનો 8 વર્ષે નિર્દોષ છૂટ્યાં!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x