IIT બોમ્બે ખાતે અભ્યાસ દરમિયાન રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલા અમદાવાદના અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થી દર્શન રમેશભાઈ સોલંકી (ઉ.વ. 18) ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ ઉત્તમનગર સ્લમ ક્વાટર્સ (મ્યુનિસિપલ ક્વાટર્સ) ખાતે તેમના પરિવાર દ્વારા શાંતિ વંદના તથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દર્શન સોલંકીના માતા-પિતા, પરિવારજનો, અમદાવાદના સામાજિક કાર્યકરો, કર્મશીલો, આગેવાનો તેમજ રાજ્ય બહારથી આવેલા લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ખાસ કરીને કાર્યક્રમમાં IIT બોમ્બે અને હૈદરાબાદ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ, તેમજ સ્વ. પાયલ તડવીના માતા પણ ઉપસ્થિત રહ્યા હતા.
બાબાસાહેબ અને બુદ્ધને વંદન સાથે કાર્યક્રમનો આરંભ
કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ગૌતમ બુદ્ધને નમન કરીને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. પછી દર્શન સોલંકીની છબી સમક્ષ દીપ પ્રગટાવી, પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શાંતિ વંદના કરવામાં આવી હતી. આ શાંતિ વંદના સભામાં બૌદ્ધ ભિક્ષુ પથિક શ્રેષ્ઠિ હાજર રહ્યા હતા. તેમણે બૌદ્ધ પ્રાર્થના દ્વારા શાંતિ વંદના કરાવી અને ઉપસ્થિતોને ધર્મમાર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો: રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધી, આ દલિતો જાતિવાદનો ભોગ બન્યા
પરિવારની વ્યથા, ત્રણ વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી
કાર્યક્રમ દરમિયાન દર્શન સોલંકીના પિતા રમેશભાઈ સોલંકીએ પોતાના પુત્ર સાથે બનેલી ઘટનાની વિગત રજૂ કરી હતી. ત્યારબાદ દર્શન સોલંકીની માતા તથા બહેન દ્વારા પણ પોતાની વ્યથા વ્યક્ત કરીને ન્યાય માટે સમાજને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. પરિવારનું કહેવું છે કે, દર્શન સોલંકીના મૃત્યુની ઘટના માત્ર આત્મહત્યા નથી પરંતુ તે શંકાસ્પદ અને રહસ્યમય છે. તેમજ આ કેસમાં જાતિવાદી ભેદભાવ, માનસિક સતામણી અને રેગિંગની શક્યતા હોવાથી નિષ્પક્ષ તપાસ કરવી અનિવાર્ય છે.

ઘટના શું હતી?
ઉલ્લેખનીય છે કે, 12 ફેબ્રુઆરી 2023ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે IIT બોમ્બે કેમ્પસમાં દર્શન સોલંકીનું મોત થયું હતું. તે સમયે સંસ્થા તરફથી જણાવાયું હતું કે દર્શને “સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી”, પરંતુ પરિવારને ઘટનાની જાણકારી આપવામાં વિરોધાભાસી વાતો જણાવવામાં આવતા સમગ્ર મામલો શંકાના ઘેરામાં છે.
અન્ય પીડિત પરિવારો પણ હાજર રહ્યા
આ કાર્યક્રમમાં અન્ય અત્યાચાર પીડિત પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઇસનપુરના અરવિંદભાઈ પરમારએ પોતાના પુત્રના મૃત્યુ અંગેની ઘટના રજૂ કરી હતી. તેમજ ઘાટલોડીયા થી આવેલા હરગોવિંદભાઈ પરમારએ પોતાના ઉપર થયેલા અત્યાચાર અને ત્રણ વખત થયેલા હુમલાઓ અંગે વાત કરી હતી.
આ પણ વાંચો: ચંદ્રુમાણા વરઘોડા વિવાદમાં 8 સામે એટ્રોસિટીની ફરિયાદ, 3ની ધરપકડ
યુજીસી નિયમોની પણ તરફેણ કરવામાં આવી
સભામાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે UGCના નિયમો મુજબ SC/ST Cell, Anti-Ragging Committee અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા સક્રિય હોવી જોઈએ. પરંતુ IIT બોમ્બે જેવી સંસ્થામાં આવી ઘટના બનવી અત્યંત ગંભીર બાબત છે. આ શાંતિ વંદના અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેશ કશ્યપ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરીને સભાનું સમાપન કરવામાં આવ્યું.
(વિશેષ માહિતીઃ કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર, અમદાવાદ)
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર સ્ટે મૂક્યો, કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
















