જય ભીમ સાથીઓ,
આઝાદીના 78 વર્ષ પછી પણ શું આપણા નસીબમાં સન્માનની બે રોટલી અને ગર્વથી જીવવાનો અધિકાર આવ્યો છે? કહેવાતા સભ્ય સમાજમાં આજે પણ જ્યારે ‘અનામત’નો વિરોધ કરવા મનુવાદીઓ મેદાનમાં ઉતરે છે, ત્યારે તેઓ બહુ આસાનીથી કહી દે છે કે “હવે ક્યાં જાતિવાદ જેવું કંઈ છે?” આ વાતો સાંભળીને એવું લાગે છે કે તેઓ જાણીજોઈને આપણા સદીઓ જૂના ઘા પર મીઠું ભભરાવી રહ્યા છે.
એ દિવસ યાદ કરો, જ્યારે ભણેલા-ગણેલા હોવા છતાં તમારે ભાડાનું મકાન શોધવા માટે પોતાની જ્ઞાતિ છુપાવવી પડી હતી, માએ પોતાના બાળકને જાહેર નળ પર પાણી પીતા રોકવું પડ્યું હોય કારણ કે ત્યાં ‘અભડાઈ’ જવાનો ભય હતો, શાળામાં મધ્યાહન ભોજનમાં તમને અલગ લાઈનમાં બેસાડવામાં આવ્યા હતા, કોઈ સવર્ણના ઘરે કે પ્રસંગમાં તમને સ્ટીલના ગ્લાસને બદલે નકામા કપમાં ચા આપવામાં આવી હતી.

એ દિવસને યાદ કરો, જ્યારે ગામના ચોરા કે સવર્ણોના મહોલ્લામાંથી નીકળતી વખતે તમારા પિતા કે દાદાએ પગરખાં હાથમાં લેવા પડ્યા હોય અથવા સાયકલ પરથી ઉતરી જવું પડ્યું હોય. જાહેર નળ કે કુવા પર કલાકો સુધી તરસ્યા રહીને કોઈ ‘દયા’ કરીને ઉપરથી પાણી રેડે તેની રાહ જોવી પડી હોય. નિશાળના ઓરડામાં પંખા નીચે બેસવાને બદલે છેલ્લી પાટલીએ કે જમીન પર બેસીને ભેદભાવના પાઠ ભણવા પડ્યા હોય. લગ્નમાં ઘોડી પર ચડવા બાબતે પથ્થરમારો થયો હોય અને હરખના પ્રસંગે પોલીસના બંદોબસ્ત વચ્ચે પરણવાની નોબત આવી હોય.
શહેરોમાં તો અસ્પૃશ્યતા વધુ ‘શિક્ષિત’ અને ખતરનાક બની છે. યાદ કરો, “તમારી જ્ઞાતિ કઈ?” એ સવાલ પૂછીને સોફા પર બેઠેલા ‘સભ્ય’ લોકોએ હસીને તમારા માટે દરવાજા બંધ કરી દીધા હોય. યાદ કરો, ઓફિસમાં લંચ બ્રેકમાં તમારી સાથે જમવા બેસવામાં ‘સુગ’ અનુભવતા સાથી કર્મચારીઓની એ તિરસ્કારભરી નજર અને અંતર રાખવાની વૃત્તિ. યાદ કરો, ઉચ્ચ ડિગ્રીઓ હોવા છતાં, માત્ર અપમાનથી બચવા માટે આડકતરી રીતે તમારી ઓળખ છુપાવવી પડી હોય. સાથીઓ, અત્યાર સુધી આપણે ઘણું સહન કર્યું છે, અપમાનના ઘૂંટડા ગળીને મૌન રહ્યા છીએ, પણ હવે એ મૌન તોડવાનો સમય આવી ગયો છે.

શા માટે તમારે લખવું જ પડશે?
જો તમે આજે નહીં લખો, તો ઇતિહાસ એમ જ સમજશે કે બધું બરાબર હતું. તમારી સાથે કોઈ ભેદભાવ નહોતો થતો અને તમને તમારા હક મળી રહ્યા હતા. તમારે લખવું પડશે, કારણ કે અનામતનો વિરોધ કરનારાઓને ખબર પડવી જોઈએ કે તમે જે જગ્યાએ પહોંચ્યા છો, એ કોઈની ‘મહેરબાની’ નથી, પરંતુ સદીઓ સુધી અપમાનિત થનારા અને પાયમાલ થનારા અમારા પૂર્વજોના લોહી અને પરસેવાનું વળતર છે.
તમારે લખવું પડશે કેમ કે, ‘આભડછેટના અનુભવ’ લખવા માટે કલમ ઉપાડવી એ માત્ર સાહિત્ય નથી, પણ એક સામાજિક દસ્તાવેજ છે. આજે અનામતની ખૈરાત માંગનારા મનુવાદીઓને એ અહેસાસ કરાવવો જરૂરી છે કે અનામત એ કોઈ આર્થિક સહાય નથી, પરંતુ સદીઓથી આપણી સાથે થયેલા સામાજિક અન્યાયનું વળતર છે. તમારી એક કહાની, તમારો એક અનુભવ હજારો લોકોની આંખો ઉઘાડી શકે છે. મનુવાદી વિચારધારાના અહંકારને તોડવા માટે સત્યનો અવાજ સૌથી મોટું શસ્ત્ર છે.
તમારી કલમને શસ્ત્ર બનાવો. એ પળને યાદ કરો જ્યારે તમારી આંખમાં આંસુ હતા અને સામેવાળાની આંખમાં ‘જન્મજાત શ્રેષ્ઠતા’નો અહંકાર હતો. એ જખમને કાગળ પર ઉતારો. જણાવો આ દુનિયાને કે જ્યારે તમને મંદિરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા, ત્યારે તમારી અંદરના માણસનું, તેના સન્માનનું ખૂન થયું હતું.
ખબરઅંતરની ખાસ અપીલ
દરેક દલિત-બહુજન ભાઈ-બહેનને, જાગૃત યુવાનોને અને વડીલોને khabarantar.in હૃદયપૂર્વકની વિનંતી કરે છે કે, તમને થયેલા અસ્પૃશ્યતાના સૌથી આઘાતજનક અનુભવને 700-800 શબ્દોમાં લખી મોકલો. તમારું લખાણ એ માત્ર લેખ નથી, પણ એક વિદ્રોહ છે. એ એવા લોકોના મોં પર તમાચો છે, જેઓ કાયમ કહે છે કે “હવે અન્યાય જેવું કંઈ નથી”.
અમે તમારા આ અનુભવોને પૂરા માન-સન્માન સાથે khabarantar.in પર પ્રકાશિત કરીશું, જેથી આવનારી પેઢી જાણી શકે કે સમાનતાના મહોરા પાછળ આ સમાજ હજુ કેટલો ક્રૂર છે. ઉઠાવો કલમ! જો તમે તમારી પીડા નહીં લખો, તો દુનિયા તમારી લડાઈને ક્યારેય સમજી શકશે નહીં.
સાથીઓ, ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપણને શિક્ષિત કર્યા છે, હવે સંગઠિત થઈને સંઘર્ષ કરવાનો સમય છે. અને આ વખતે આપણો સંઘર્ષ શબ્દો દ્વારા હશે.
લખો, કારણ કે તમારું લખવું એ જ તમારા માટે આઝાદીની બીજી ક્રાંતિ છે!
(તમારો ‘આભડછેટનો અનુભવ’ અમને વોટ્સએપ નંબર 9825592679 અથવા khabarantargujarat@gmail.com મોકલો. અમે તેને khabarantar.in પર પ્રકાશિત કરીશું. લેખની સાથે સારી ક્વોલિટીના ફોટા અને આપનું નામ, સરનામું, સંપર્ક નંબર પણ મોકલી આપવો જેથી આપને જાણ કરી શકાય.)











અનેક પ્રકારના અનુભવો જોયા છે પરંતુ તે લોકોથી હંમેશા માટે અંતર રાખીને ભોગવ્યા ખૂબ ઓછા છે અમુક સમયે તો તેમના ઘરના પાણી પણ પીવાનું મન થાય નહીં તેવા લોકો પણ આવું કરે છે માટે મેં હંમેશા માટે અન્ય સમાજથી લાગણી સભર સબંધો બનાવ્યાં જ નથી , કારણ કે તે છેલ્લે તો તે પોતાની જાતને ઉંચી સમજી જાત ઉપર ગયા વિના રહે જ નહિ.