પોલીસ પર કાયદો વ્યવસ્થા જાળવવાનું અને દેશના નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી રહેલી છે. પણ આ જ પોલીસ દલિતોના કેસમાં લુખ્ખા તત્વોને પણ શરમાવે તેવી નાગાઈ પર ઉતરી આવતી હોય છે. આવી જ એક ઘટનામાં પોલીસે દલિત સમાજની કેટલીક મહિલાઓને શેરીમાં દોડાવી દોડાવીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પોલીસે દલિત મહિલાઓના ઘરેણાં પણ છીનવી લીધાં હોવાનો આરોપ લાગ્યો છે.
મેરઠના લવાદ ગામની ઘટના
ઘટના જાતિવાદના ગઢ ગણાતા યુપીની છે. અહીંના મેરઠ જિલ્લાના લવાદ ગામમાં પોલીસ દ્વારા એક દલિત પરિવાર પર કથિત હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના 7 મેના રોજ બની હોવાનું કહેવાય છે, જેનો વીડિયો શુક્રવારે સામે આવ્યો છે. પરિવારનો આરોપ છે કે પોલીસે મહિલાઓને લાકડીઓથી માર માર્યો અને તેમના સોના-ચાંદીના દાગીના છીનવી લીધા.
મામલો શું હતો?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસને ગામમાં બે ભાઈઓ સુશીલ અને સુનીલ વચ્ચે મિલકતના વિવાદની માહિતી મળી હતી. જ્યારે પોલીસ તપાસ માટે પહોંચી અને બંને ભાઈઓને પોલીસ સ્ટેશન લઈ જવાનું શરૂ કર્યું ત્યારે પરિવારની મહિલાઓએ તેનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસર સામે મહિલા આયોગમાં ફરિયાદ થઈ
દલિત યુવતી કવિતાએ આરોપ લગાવતા જણાવ્યું, “વિરોધ કરવા બદલ પોલીસકર્મીઓએ મહિલાઓને શેરીમાં દોડાવી-દોડાવીને માર માર્યો હતો. પોલીસ મારા પતિ અને સાસુને ખેંચી રહી હતી. જ્યારે મારી સાસુ, ભાભી અને મેં વિરોધ કર્યો, ત્યારે પોલીસે અમને પણ માર મારવાનું શરૂ કર્યું. તેમણે બાઇકમાંથી લાકડીઓ કાઢી અને અમને મારવાનું શરૂ કર્યું. પડોશમાં રહેતી એક વ્યક્તિએ છત પરથી આ ઘટનાનો વીડિયો બનાવ્યો, જે અમે SSP ને સોંપ્યો છે. અમને ન્યાય જોઈએ છે.”
પોલીસે શું કહ્યું?
એસપી ગ્રામીણ ડૉ. રાકેશ કુમાર મિશ્રાએ જો કે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે પોલીસ વિવાદ ઉકેલવા ગઈ હતી, પરંતુ સ્થળ પર હાજર લોકોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. મિશ્રાએ વધુમાં કહ્યું, “મહિલાઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને એક અંડર-ટ્રેની કોન્સ્ટેબલનો ગણવેશ ફાડી નાખ્યો હતો. વાયરલ થઈ રહેલો વીડિયો એકતરફી છે, વાસ્તવિક પરિસ્થિતિ આનાથી અલગ છે. આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.”
ભીમ આર્મીએ વિરોધ પ્રદર્શન કર્યું
આ ઘટનાને લઈને ભીમ આર્મીના કાર્યકરો પીડિત પરિવાર સાથે એસએસપી ઓફિસ પહોંચ્યા હતા અને દોષિત પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. ભીમ આર્મીના કાર્યકર આદેશે કહ્યું કહ્યું હતું કે, “આ પ્રકારની પોલીસ ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં. જો આરોપી પોલીસકર્મીઓ સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવામાં આવશે.”
સમાજવાદી પાર્ટીએ X પર ટ્વિટ કરી નિંદા કરી
સમાજવાદી પાર્ટીના ધારાસભ્યએ પણ આ ઘટનાની નિંદા કરી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું: આ ઉત્તર પ્રદેશ પોલીસનું બર્બર વલણ છે. લવાદમાં દલિત મહિલાઓ પર થયેલી હિંસા નિંદનીય છે. રાજ્યમાં મહિલાઓ સામે પોલીસ બર્બરતાના બનાવો સતત વધી રહ્યા છે. સરકારે દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચો: શેત્રુજીમાં ડૂબાયેલા 4 દલિત યુવકોના મૃતદેહ સાથે ભેદભાવ
ધરતી પરનો આતંકવાદ એક તરફ અને ભારત નો જાતિવાદ એક તરફ, બન્ને ને દુનિયા ના કોઈ પણ ત્રાજવામાં તોળવા માં આવે તો પણ
ખૌફ, બર્બરતા,હેવાનિયત અને મૌત નાં તાંડવ માં ભારત ના જાતિવાદ નો વજન વધારે થતો જાય છે…