પોલીસે દલિત યુવકને પટ્ટાથી માર મારી વીજળીના ઝાટકા આપ્યા!

Dalit News: દલિત યુવકને પોલીસે ચોરીના બહાને અટકાયતમાં લઈ વીજળીના ઝાટકા આપી થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યો. યુવકની હાલત નાજુક, હોસ્પિટલમાં સારવાર હેઠળ.
Dalit News

Dalit News: પોલીસ કહેવા માટે તો લોકોની મદદગાર અને રક્ષક છે પરંતુ જમીની હકીકત સૌ જાણે છે. ગુજરાત હોય કે ગોવા, પોલીસને સામાન્ય નાગરિક કદી પણ રક્ષક તરીકે જોતી નથી. તોડબાજી, નેતાઓની ચાંપલુસી અને દારૂડિયા, ગુનેગારોને છાવરનાર પોલીસ સામાન્ય માણસને હેરાન કરવામાં કશું બાકી નથી રાખતી. સેંકડો એવા કિસ્સાઓ આપણી સામે છે, જેમાં પોલીસે કશા જ કારણ વિના માત્ર પોતાનો ઈગો ઘવાયો હોય તો પણ નિર્દોષ લોકોને ખોટા કેસમાં અટકાયત કરીને ટોર્ચર કર્યા હોય.

આવી જ એક ઘટનામાં એક દલિત યુવકને પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યો હતો. મામલો ઉત્તર પ્રદેશના અમેઠી(Amethi)નો છે. અહીંના જામો પોલીસ સ્ટેશન વિસ્તારના અલીપુર ગામના રહેવાસી ખુશીરામ નામના દલિત યુવકને પોલીસ દ્વારા પૂછપરછના બહાને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. કાયદાના રક્ષક ગણાતી પોલીસે અહીં ભક્ષકની ભૂમિકા ભજવી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

પરિવારના જણાવ્યા અનુસાર, ખુશીરામને પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતા, યુવકને લોખંડના સળિયાથી વીજળીના ઝટકા (કરંટ) આપવામાં આવ્યા હોવાનો પીડિતે પોતે દાવો કર્યો છે. આ હેવાનિયતને કારણે યુવકની હાલત અત્યંત નાજુક બની ગઈ છે અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: સુરતના સ્વામીનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળ્યાં

ચોરીની શંકાના આધારે અટકાયત કરી ટોર્ચર કર્યો

આ સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે આ વિસ્તારમાં એક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની બાઈન્ડિંગ ચોરી થઈ હતી. વીજ વિભાગમાં મજૂરી કામ કરતા ખુશીરામ પર માત્ર શંકાના આધારે પોલીસે તરાપ મારી હતી. પીડિતના ભાઈ સંગ્રામના જણાવ્યા મુજબ, જ્યારે પરિવાર પૂછપરછ માટે પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે પોલીસ અધિકારીઓએ તેમની સાથે ગાળાગાળી કરી હાંકી કાઢ્યા હતા. બીજા દિવસે સવારે પરિવારને જાણ કરવામાં આવી કે ખુશીરામ હોસ્પિટલમાં ભરતી છે. હોસ્પિટલના બિછાને પડેલા ખુશીરામે રડતી આંખે જણાવ્યું કે, પોલીસે તેને બેસાડીને પટ્ટાથી માર માર્યો હતો અને જ્યારે તે બેભાન થઈ ગયો ત્યારે તેને કરંટ આપવામાં આવ્યો હતો.

ચંદ્રશેખર આઝાદને જાણ થતા ભીમ આર્મી મેદાનમાં ઉતરી

પોલીસની આ હેવાનિયતની જાણ થતા જ ભીમ આર્મી અને આઝાદ સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. નગીનાના સાંસદ અને દલિત નેતા ચંદ્રશેખર આઝાદે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે પીડિત પરિવાર સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી અને આશ્વાસન આપ્યું કે તેઓ આ લડાઈમાં તેમની સાથે છે. આઝાદે કાર્યકર્તાઓ પાસે જવાબદાર પોલીસ અધિકારીઓની યાદી માંગી છે અને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, રાજ્યમાં દલિતો પરના અત્યાચારો સીમા વટાવી રહ્યા છે અને પોલીસ કાયદાનો દુરુપયોગ કરી રહી છે.

આ પણ વાંચો: દેશમાં ડિગ્રીધારી બેરોજગારોનો વિસ્ફોટ: 67% ગ્રેજ્યુએટ યુવાનો પાસે કામ નથી!

પોલીસનો બચાવ: ‘મિર્ગીની બીમારી’નું આપ્યું બહાનું

બીજી તરફ, જ્યારે આ મામલો વકર્યો ત્યારે પોલીસ તંત્ર દ્વારા પોતાનો બચાવ કરવામાં આવ્યો છે. જામો પોલીસ સ્ટેશનના પ્રભારી વિનોદ સિંહે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પોલીસનું કહેવું છે કે ખુશીરામને લાકડા લઈ જતી વખતે પડી જવાથી ઈજાઓ થઈ હતી. વધુમાં પોલીસે એવો દાવો કર્યો છે કે યુવકને મિર્ગી (Epilepsy) ની બીમારી છે અને પૂછપરછ દરમિયાન તેને ખેંચ આવતા તબિયત લથડી હતી, જેને કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, યુવકના શરીર પરના નિશાનો અને કરંટના આક્ષેપો પોલીસની આ થિયરી સામે શંકા પેદા કરે છે.

પોલીસ અધિકારીઓ પર કાર્યવાહીની માંગ ઉઠી

હાલમાં અમેઠીના આ વિસ્તારમાં ભારે તણાવ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. દલિત સંગઠનો અને સ્થાનિક લોકોની એક જ માંગ છે કે જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને આ મામલાની નિષ્પક્ષ ન્યાયિક તપાસ થાય. એક મજૂર યુવકને માત્ર શંકાના આધારે આટલી હદે ટોર્ચર કરવો તે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે પોતાના જ વિભાગના કર્મચારીઓ સામે શું પગલાં ભરે છે કે પછી આ મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: નશામાં ધૂત શખ્સે રસ્તે જતા આદિવાસી વૃદ્ધની હત્યા કરી નાખી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x