SC-ST act: હિંદુ ધર્મમાં દલિતો માટે કોઈ જગ્યા નથી, મનુવાદી વર્ણવ્યવસ્થામાં માનતા આ ધર્મમાં દલિતોનું ભારોભાર અપમાન થાય છે છતાં દલિતોના એક મોટા વર્ગથી હજુ પણ આ જાતિવાદી ધર્મ અને તેની પરંપરાઓનો મોહ છુટતો નથી. દલિતોનો આ વર્ગ એવો છે, જે હિંદુ ધર્મ તરફથી વારંવાર અપમાનિત થતો હોવા છતાં વળી વળીને ત્યાં જાય છે. અને જ્યારે ભયંકર રીતે હડધૂત થાય ત્યારે તેમને ડો.આંબેડકર અને તેમનું બંધારણ યાદ આવે છે, જે તેમને ન્યાય અપાવે છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે.
મામલો ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના એક ગામનો છે. જ્યાં એક દલિત યુગલને મંદિરમાં લગ્ન કરતા અટકાવવા બદલ એક પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. પુજારી વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST Act)હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
મામલો શું છે?
ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના મનિયારસ્યૂં પટ્ટીમાં સ્થિત આદિશક્તિ મા ભુવનેશ્વરી મંદિરમાં પૂજારીએ એક દલિત યુગલને અંદર પ્રવેશતા અટકાવ્યું હતું અને તેને મંદિરમાં લગ્ન કરવાની મંજૂરી આપી ન હતી. ઘટના 5 માર્ચે બની હતી, જ્યારે એક દલિત યુગલ લગ્ન કરવા માટે મંદિરમાં ગયું હતું. પુજારી નાગેન્દ્ર સેલવાલે કથિત રીતે દંપતીને મંદિરમાં પ્રવેશવાની ના પાડી દીધી હતી અને તેમને જાતિગત અપશબ્દો કહીને હડધૂત કર્યા હતા. જે બાદ યુવતીના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશન જઈને રિપોર્ટ નોંધાવ્યો હતો.
પૂજારીના કારણે લગ્નમાં મોડું થયું
મનિયારસ્યૂં પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં કન્યાના પિતાની ફરિયાદ પર આરોપીઓ પૂજારી સામે SC-ST Act ની કલમો લગાવવામાં આવી છે.
આ પણ વાંચો: દેવદાસી પ્રથાઃ ભગવાનના નામે શૂદ્ર દીકરીઓના શરીરનો સોદો
આ કેસમાં, સબ ઇન્સ્પેક્ટર રાકેશ બિષ્ટે માહિતી આપી છે કે જ્યારે દલિત દંપતી 5 માર્ચની સવારે મંદિરે લગ્ન કરવા માટે પહોંચ્યું ત્યારે પુજારી નાગેન્દ્ર સેલવાલે તેમને જાતિસૂચક અપશબ્દો કહીને હડધૂત કર્યા હતું અને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા. જેના કારણે દલિત દંપતી અંકિતા અને અજયના લગ્ન સમયસર થઈ શક્યા નહીં અને સ્થાનિકોએ દરમિયાનગીરી કરવી પડી.
એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી
ASI એ જણાવ્યું કે આ ઘટના સાંગુડા સેરા ગામમાં આદિશક્તિ મા ભુવનેશ્વરી મંદિરમાં બની હતી. આ વિસ્તારના એક વ્યક્તિએ મને ફોન કરીને કહ્યું કે મંદિરના પૂજારી નાગેન્દ્ર સેલવાલે દરવાજા બંધ કરી દીધા હતા અને યુગલને તેમની જાતિના કારણે તેમને મંદિરમાં પ્રવેશવા દેવાનો ઇનકાર કર્યો હતો. મેં સેલવાલને ફોન કર્યો અને દલિત યુગલને અંદર આવવા દેવા કહ્યું છતાં પૂજારી માન્યો નહોતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાના થોડા દિવસો પછી અંકિતાના પિતા નકુલ દલે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને સેલવાલ અને તેના સાથી નીતિશ ખેડિયાલ વિરુદ્ધ SC-ST Act હેઠળ FIR નોંધવામાં આવી હતી.
સ્થાનિકોનું શું કહેવું છે?
ગામના રહેવાસી નીતિન કૈથોલાએ જણાવ્યું કે, મંદિરની જે યજ્ઞશાળામાં લગ્ન થાય છે તે કદી બંધ કરવામાં આવતી નથી. પરંતુ મંદિરનો પૂજારી નહોતો ઈચ્છતો કે એક દલિત યુગલ મંદિરમાં પ્રવેશે અને લગ્ન કરે. એટલે તેણે યજ્ઞશાળા બંધ કરી દીધી. જેના કારણે દલિત યુગલના લગ્નમાં ભારે વિલંબ થયો હતો. લગ્નમાં આવેલા જાનૈયાઓ અને અન્ય મહેમાનો માટે પણ આ અપમાનજનક હતું. આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું અને પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેમણે ત્યાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે પૂજારીએ દલિત યુગલને મંદિરમાં પ્રવેશવા ન દીધું ત્યારે મંદિર સમિતિએ પટવારીને જાણ કરી, જેમણે મામલો ઉકેલવામાં મદદ કરી.
તપાસ અધિકારી શું કહે છે?
આ કેસની તપાસ કરી રહેલા પૌડી સદર વિસ્તારના અધિકારી ત્રિવેન્દ્ર સિંહ રાણાએ જણાવ્યું હતું કે મંદિરના માલિકો વચ્ચેના મતભેદોને કારણે આ વિવાદ થયો હતો. અમે એ બાબતની તપાસ કરી રહ્યાં છીએ કે આમાં જાતિવાદી એંગલ છે કે નહીં.
આ પણ વાંચો: Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા