દલિતોને કથિત સવર્ણ હિંદુઓ ધર્મના નામે વારંવાર હડધૂત કરે છે, માર મારે છે, તેમ છતાં કેટલાક દલિતોનો આ જાતિવાદી ધર્મ પ્રત્યેનો મોહ ઓછો નથી થતો અને વારંવાર સ્વામાન નેવે મૂકીને અપમાનિત થવા માટે જાય છે. આવી જ એક ઘટના યુપીના મુરાદાબાદમાંથી સામે આવી છે. જ્યાં એક દલિત મહિલા હનુમાન મંદિરમાં પૂજા કરવા જતા મંદિરના પૂજારીએ તેને હડધૂત કરીને કાઢી મૂકી હતી. પૂજારીએ તેને જાતિસૂચક અપશબ્દો પણ કહ્યા હતા. આ મામલે હવે પૂજારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઘટના મુરાદાબાદના અમરોહા ગેટ પાસે આવેલા પ્રસિદ્ધ હનુમાન મંદિરની છે. અહીં એક દલિત મહિલાને તેની જ્ઞાતિના આધારે મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી. આટલું જ નહીં, મંદિરના પૂજારીએ પ્રસાદને ફેંકી દઈને મહિલાને જાહેરમાં અપમાનિત કરી હતી. આ મામલે પીડિત મહિલાએ લાંબી લડત બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી પૂજારી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

મામલો શું હતો?
મુરાદાબાદના મઝોલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બુદ્ધિ વિહારમાં રહેતી સુષમા નામની મહિલાએ પોલીસ સ્ટેશનમાં આપેલા ફરિયાદ પત્રમાં જણાવ્યું છે કે, તે લાંબા સમયથી અમરોહા ગેટ પાસે આવેલા હનુમાન મંદિરમાં આસ્થા સાથે પૂજા કરવા માટે જાય છે. ગત 9 ડિસેમ્બર 2025ના રોજ પણ તે રાબેતા મુજબ સાંજે સાત વાગ્યાના સુમારે ભગવાનના દર્શન અને પૂજા કરવા માટે પહોંચી હતી. સુષમા જ્યારે મંદિરના પ્રવેશદ્વાર પાસે પહોંચી ત્યારે ત્યાં હાજર પૂજારી સચિન શર્માએ તેને રોકી હતી.
આ પણ વાંચો: પૂજારીનો મંદિરની જમીન અને મિલકત પર કોઈ અધિકાર નહીઃ હાઈકોર્ટ

મહિલાની પૂજાની થાળી અને પ્રસાદ પણ ફેંકી દીધો
ફરિયાદ મુજબ, પૂજારીએ સુષમાને જોતા જ તેને મંદિરમાં પ્રવેશવાની મનાઈ કરી દીધી હતી. જ્યારે મહિલાએ પૂજારીને વિનંતી કરી કે તે માત્ર દર્શન કરવા માંગે છે, ત્યારે પૂજારી ઉશ્કેરાઈ ગયો હતો. મહિલાએ જેવી અંદર પ્રવેશવાની કોશિશ કરી કે તુરંત જ પૂજારીએ તેના હાથમાંથી પૂજાની થાળી અને પ્રસાદ છીનવી લીધો હતો અને જમીન પર ફેંકી દીધો હતો. આ ઘટનાથી ભાવિક મહિલા સ્તબ્ધ થઈ ગઈ હતી. પૂજારીએ ત્યાં હાજર અન્ય ભક્તોની સામે જ મહિલાની જ્ઞાતિને લઈને અત્યંત નીચલા સ્તરની અને વાંધાજનક ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું.
પૂજારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી
મંદિર પરિસરમાં આ વિવાદ વધતા મોટો હંગામો થયો હતો. બૂમાબૂમ સાંભળીને આસપાસના દુકાનદારો અને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ ત્યાં એકઠા થઈ ગયા હતા. પૂજારીનું ઉગ્ર અને અમાનવીય વર્તન જોઈને ત્યાં હાજર કેટલાક સંવેદનશીલ લોકોએ પૂજારીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે ઈશ્વરના દરબારમાં સૌ સમાન છે, પરંતુ પૂજારી કોઈનું પણ સાંભળવાની સ્થિતિમાં નહોતો. તેણે ઉલટાનું મહિલાને ધમકી આપી હતી કે જો તે ફરી ક્યારેય આ મંદિરની આસપાસ દેખાશે અથવા અંદર પ્રવેશવાની હિંમત કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. પૂજારીએ જાહેરમાં જ્ઞાતિસૂચક શબ્દોનો પ્રયોગ કરીને મહિલાના આત્મસન્માનને ઊંડી ઠેસ પહોંચાડી હતી.
આ પણ વાંચો: મેરિટમાં આગળ હોય તો જનરલની નોકરીમાં પણ SC-ST-OBCનો હક
મહિલાએ પૂજારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી
પીડિત મહિલાએ આ આઘાતજનક ઘટના બાદ ન્યાય મેળવવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ અધિકારી રાજેશના જણાવ્યા અનુસાર, મહિલાની ફરિયાદના આધારે આરોપી પૂજારી સચિન શર્મા વિરુદ્ધ સંબંધિત કલમો અને એસસી/એસટી એક્ટ (SC/ST Act) હેઠળ પ્રાથમિકી નોંધવામાં આવી છે.
જોકે, આ ઘટના આશરે ત્રણ મહિના જૂની હોવાથી ટેકનિકલ પુરાવા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. પોલીસનું કહેવું છે કે સામાન્ય રીતે સીસીટીવી કેમેરાના ફૂટેજ 15 થી 30 દિવસમાં ઓવરરાઈટ થઈ જતા હોય છે, તેથી તે સમયના ફૂટેજ મળવાની શક્યતા ઓછી છે. પરંતુ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પુરાવા તરીકે માત્ર સીસીટીવી પર નિર્ભર રહેવાને બદલે તે સમયે મંદિરમાં હાજર રહેલા અન્ય ભક્તો, રાહદારીઓ અને સ્થાનિક લોકોના નિવેદનો લેવામાં આવશે. પોલીસ આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ કરી રહી છે અને ખાતરી આપી છે કે તપાસમાં દોષિત સાબિત થતા જ આરોપી પૂજારી વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: “તમારી હદમાં રહો, તમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી”










