બીએસપી સુપ્રીમો અને દેશના કરોડો બહુજનોના આદર્શ બહેન કુમારી માયાવતી(Mayawati)ને ‘મમ્મી’ કહીને આઈફોન માંગનાર કથિત યુટ્યુબર પુનિત સુપરસ્ટારે(Puneet Superstar) આખરે જેલમાં જવાની બીકે માફી માંગી લીધી છે. બીએસપી સુપ્રીમો પર વાંધાજનક નિવેદન કરનાર કથિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પર ગાઝિયાબાદ બીએસપી અધ્યક્ષ નરેન્દ્ર મોહિત દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ પછી જેલમાં જવાની બીકે પુનિતે વીડિયો બનાવી માફી માંગી હતી.
વીડિયોમાં માયાવતીને ‘મમ્મી’ કહ્યા હતા
યુટ્યુબર અને બિગ બોસના સ્પર્ધક પુનીત સુપરસ્ટારનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીને પોતાની ‘મમ્મી’ કહી રહ્યો હતો. બુધવાર, 20 ઓગસ્ટ 2025ના રોજ ગાઝિયાબાદમાં બસપા જિલ્લા પ્રમુખ નરેન્દ્ર મોહિત દ્વારા તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો: કોંગ્રેસના દલિત પ્રમુખને મંદિરમાં જતા રોક્યા, ભાજપ પ્રમુખનું સ્વાગત કરાયું
મીડિયા રિપોર્ટ મુજબ, નરેન્દ્ર મોહિતે આરોપ લગાવ્યો હતો કે, યુટ્યુબરે યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કરોડો બહુજનોના આદર્શ બહેન કુમારી માયાવતીજીનું અપમાન કર્યું છે. આ કારણે, બસપા કાર્યકરોમાં રોષ છે. યુટ્યુબરે સામાજિક સૌહાર્દને ભંગ કરવાનું કામ કર્યું છે. આ કૃત્ય માટે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવી ‘અભદ્ર’ ટિપ્પણીઓ ન કરે.
માફી માગતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો
આ તરફ, યુટ્યુબરે એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે. વીડિયોમાં પુનીત સુપરસ્ટારે કહ્યું, “ગઈકાલે રાત્રે મેં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીજી પર એક વીડિયો બનાવ્યો હતો. મારો ઈરાદો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો કોઈની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો હું હાથ જોડીને માફી માંગુ છું. ભવિષ્યમાં હું ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરું.”
पुनीत सुपरस्टार पर FIR | मायावती पर वीडियो बनाने के बाद माफी मांगी #PuneetSuperstar #Mayawati #FIR #Ghaziabad #BSP pic.twitter.com/qgDyvmlUK6
— डाइनामाइट न्यूज़ हिंदी (@DNHindi) August 21, 2025
ઉલ્લેખનીય છે કે, પુનીત સુપરસ્ટારે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે કહી રહ્યો હતો, “માયાવતી મમ્મી… મેરે કો આપ બહુત યાદ આતી હો. મેં આપકો બહુત યાદ કરતા હું મમ્મી. આપ કહાં ચલી ગઈ હો?” પુનિતનો આ વીડિયો વાયરલ થયો હતો અને તે બસપા કાર્યકરોની નજરમાં આવી ગયો હતો.
આ પણ વાંચો: મારા માટે સગાસંબંધીઓ કરતા BSP મહત્વની: Mayawati
અગાઉ પણ વાંધાજનક વીડિયો બનાવી ચૂક્યો છે
પુનીત સુપરસ્ટારનો કોઈ નેતા વિશેનો પહેલો વીડિયો નથી. અગાઉ તેણે સમાજવાદી પાર્ટી (SP) ના પ્રમુખ અખિલેશ યાદવ વિશે પણ એક વાંધાજનક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે અખિલેશ યાદવને તેના ‘પપ્પા’ કહ્યા હતા. તેણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશે પણ આવા જ વીડિયો બનાવ્યા છે. વીડિયોમાં તેણે આ બંને નેતાઓને પણ તેના ‘પપ્પા’ કહ્યા હતા. આ ઉપરાંત, તેણે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વિશે પણ આવી જ વાતો કહેતો એક વીડિયો બનાવ્યો હતો.
કોણ છે પુનીત સુપરસ્ટાર?
પુનીત સુપરસ્ટારનું સાચું નામ પ્રકાશ કુમાર છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 1 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. કેટલાક ટીકાકારો તેના વીડિયોને બોગસ ગણાવે છે કારણ કે તેના અનેક વાંધાજનક વીડિયો સામે આવ્યા છે. કેટલાક વીડિયોમાં તે કાદવમાં કૂદતો અથવા ગંદકીમાં બેસીને ખાતો જોવા મળે છે. બે વર્ષ પહેલાં તેણે રિયાલિટી શો બિગ બોસ OTT સીઝન 2 માં ભાગ લીધો હતો. પરંતુ શો શરૂ થયાના 24 કલાકમાં તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેની પાછળનું કારણ બીગ બોસના ઘરમાં તેની વિચિત્ર હરકતો હતી.
આ પણ વાંચો: આદિવાસી વિદ્યાર્થીએ સ્માર્ટફોન-ઈન્ટરનેટ વિના NEET UG પાસ કરી