બિહારના પૂર્ણિયા જિલ્લામાં ડાકણનો વહેમ રાખીને એક જ પરિવારના પાંચ સભ્યોને માર મારીને જીવતા સળગાવી દેવાયાની ચોંકાવનારી ઘટના બની છે. મામલો મુફસ્સિલ પોલીસ સ્ટેશનના ટેટગામા ગામનો છે. મળતી માહિતી મુજબ, આ ગામના રહેવાસી રામદેવ ઉરાંવના પુત્રનું ત્રણ દિવસ પહેલા વળગાડના કારણે મોત થયું હતું અને બીજા બાળકની તબિયત પણ ખરાબ થઈ રહી હતી. જેના કારણે ગામલોકોએ તેની પાછળ ડાકણ જવાબદાર હોવાનું માનીને આ પરિવારના પાંચેય સભ્યોને જીવતા સળગાવી દીધા હતા.
એક જ પરિવારના પાંચ લોકોને જીવતા સળગાવી દીધાં
આરોપ છે કે, બાબુલાલ ઉરાંવ, સીતાદેવી, મનજીત ઉરાંવ, રનિયા દેવી અને તપતો મોસમતને ગામલોકોએ પહેલા નિર્દયતાથી માર માર્યો અને પછી જીવતા સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધાં. તમામ મૃતકો એક જ પરિવારના છે. ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છે અને અનેક લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલ ટીમની મદદથી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલે નકુલ કુમાર નામના શખ્સની ધરપકડ કરી છે, જેના પર આ પરિવારને જીવતો સળગાવી દેવા માટે ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે. ઘટનામાં બચી ગયેલા મૃતક પરિવારના એકમાત્ર વારસદાર લલિતકુમારે જણાવ્યું છે, તેમના આખા પરિવારને ડાકણ ગણાવીને જીવતો સળગાવી દેવામાં આવ્યો અને હત્યા કરીને લાશો પાણીમાં ફેંકી દેવામાં આવી. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બંધારણમાંથી ‘સમાજવાદી-ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરાય તો શું થાય?
પોલીસ તપાસમાં શું સામે આવ્યું?
પૂર્ણિયાના એસપી સ્વીટી સેહરાવતે જણાવ્યું હતું કે, “ઘટના રવિવાર રાતની છે. જે વિસ્તારમાં આ ઘટના બની છે તે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. મામલો જાદુટોણાં અને તંત્રમંત્ર સાથે જોડાયેલો છે. પોલીસે નજીકના તળાવમાંથી ચાર મૃતદેહો બહાર કાઢ્યા છે અને બધા મૃતદેહો બળી ગયેલી હાલતમાં છે. એ કહેવું મુશ્કેલ છે કે તેમને મારી-મારીને હત્યા કરાઈ પછી સળગાવી દેવાયા કે સળગાવીને મારી નાખ્યા.”
બિહારના પૂર્ણિયામાં એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દેવાયા. ડાકણના વહેમમાં 250થી વધુ લોકોના ટોળાંએ પરિવાર પર હુમલો કર્યો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી.#bihar #purniya #dayan #adivasi #RJD #jungleraj pic.twitter.com/K8nYRlD9cn
— khabar Antar (@Khabarantar01) July 8, 2025
મૃતકના પરિવારના લલિત કુમારે આરોપ લગાવ્યો હતો કે આખા પરિવારને માર મારીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો અને મેલીવિદ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેણે વધુમાં કહ્યું કે જેમતેમ કરીને અમે ત્યાંથી અમારો જીવ બચાવીને ભાગી ગયા, ટોળાંએ સળગાવીને બધાને પાણીમાં ફેંકી દીધા હતા.
DSPએ શું કહ્યું?
દરમિયાન, ડીએસપી પંકજ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, “આજે સવારે (સોમવાર, ૭ જુલાઈ) સવારે લગભગ ૫ વાગ્યે, સોનુ કુમાર (૧૬) એ પોલીસને જાણ કરી હતી કે કાળા જાદુના નામે, ઉરાંવ સમાજના લોકોએ તેના પરિવારના સભ્યોને મારામારી કરી અને રાત્રે તેમને જીવતા સળગાવી દીધા. તપાસ દરમિયાન જ્યારે અમે તેમના ગામમાં પહોંચ્યાં ત્યારે અમને ૫ લોકો ગુમ થયા હોવાની માહિતી મળી હતી. બાદમાં તેમના બળેલા મૃતદેહ મળી આવ્યા. અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રામદેવ ઉરાંવના બાળકનું ૩ દિવસ પહેલા મૃત્યુ થયું હતું, એવું માનવામાં આવે છે કે તે કાળો જાદુ કરતો હતો અને આ સંદર્ભમાં તેની હત્યા કરવામાં આવી હતી.”
તેજસ્વી યાદવે ટ્વિટ કરી નીતિશ સરકારને ઘેરી
આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે આ કેસમાં બિહારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, “પૂર્ણિયામાં એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. DK Tex ના કારણે બિહારમાં અરાજકતા ચરમસીમાએ છે, ડીજીપી/સીએસ લાચાર, કાયદો અને વ્યવસ્થા ધ્વસ્ત. ગઈકાલે સિવાનમાં થયેલા હત્યાકાંડમાં 3 લોકોના મોત થયા. તાજેતરમાં બક્સરમાં થયેલા હત્યાકાંડમાં 3 લોકોના મોત થયા. ભોજપુરમાં થયેલા હત્યાકાંડમાં 3 લોકોના મોત થયા. ગુનેગારો સતર્ક, મુખ્યમંત્રી બેભાન. ભ્રષ્ટ ભુંજા પાર્ટી મસ્ત, પોલીસ પસ્ત! DK કી મૌજ કારણ કે DK જ અસલી બોસ છે.”
पूर्णिया में एक ही परिवार के 5 लोगों को जिंदा जलाकर मार दिया।
DK Tax के कारण बिहार में अराजकता चरम पर, DGP/CS बेबस, कानून व्यवस्था ध्वस्त
परसों सिवान में 3 लोगों की नरसंहार में मौत।
विगत दिनों बक्सर में नरसंहार में 3 की मौत।
भोजपुर में नरसंहार में 3 की मौत।अपराधी सतर्क,…
— Tejashwi Yadav (@yadavtejashwi) July 7, 2025
બિહારમાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યાનો મામલો પહેલાથી જ ગરમ છે. હવે એકસાથે પાંચ લોકોની હત્યા બાદ વિપક્ષ બિહાર સરકાર પર નિશાન સાધી રહ્યો છે. રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: ગેંગરેપ પીડિતા દલિત દીકરીનું આરોપીઓએ ઘર સળગાવી દીધું