જામનગરમાં રહેતા એક રેલવે કર્મચારીએ વ્યાજખોરોના ત્રાસથી દવા પી લીધી હતી. હાપા યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા અને હાપા રેલવે યાર્ડમાં નોકરી કરતા દલિત રેલવે કર્મચારીએ જામનગરના ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ફીનાઇલ પીવાનો વારો આવ્યો છે અને હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીમાર માતા અને પુત્રની સારવાર માટે ૧૦ ટકા લેખે વ્યાજે નાણાં લીધા પછી પોતાનું મકાન પણ વ્યાજખોરોએ લખાવી લીધું છે, અને લાખો રૂપિયા મેળવી લીધા છતાં ધમકી આપી દબાણ કરતા હોવાથી આખરે ફીનાઇલ પી લીધું હોવાથી પોલીસે ત્રણેય વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી કે જામનગર નજીક હાપા યોગેશ્વરધામ સોસાયટીમાં રહેતા અને હાપા રેલવે યાર્ડમાં ઇલેક્ટ્રિક વિભાગમાં નોકરી કરતા પ્રકાશ ચનાભાઈ પરમાર નામના ૩૭ વર્ષના યુવાને બે દિવસ પહેલા રાત્રે પોતાના ઘેર ફીનાઇલ પી લેતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ત્યાં તેની સારવાર ચાલી રહી છે.
જે બનાવ અંગેની પોલીસને જાણકારી મળતા પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરીયા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પ્રકાશભાઈ ભાનમાં આવતાં તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પોતે ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયા હોવાથી આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર પોતાની માતા જશોદાબેન કે જેઓની ઉંમર ૫૫ વર્ષની છે, પરંતુ તેની બન્ને કિડનીઓ ફેઇલ થઈ ગઈ હોવાથી તેને જામનગર, મુંબઈ સહિત અનેક સ્થળોએ સારવાર લેવી પડી છે અને હાલ દર અઠવાડિયે ડાયાલીસીસ પણ કરાવવું પડે છે.
આ પણ વાંચો: એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આઘાતજનક ચૂકાદો
માતાની લાંબી સારવારમાં પોતાની તમામ રકમ ખર્ચાઈ ગઈ હતી. ત્યાર પછી પણ વધુ પૈસા ની જરૂર પડતાં જામનગરમાં નવાગામ ઘેડ ગાયત્રી ચોકમાં રહેતા અને દુકાન ચલાવતા હરપાલસિંહ જાડેજા પાસેથી સૌ પ્રથમ દોઢ લાખ રૂપિયા ની રકમ માસિક ૧૦ ટકા લેખે વ્યાજે લીધી હતી અને આશરે સાતેક વર્ષના સમયગાળા દરમિયાન વ્યાજના લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં તેના દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ધમકીઓ આપવામાં આવતી હતી.પોતાનો પુત્ર યુગ કે જે હાલ આઠ વર્ષનો છે. કે જે એકાએક સીડી પરથી પટકાઈ પડ્યો હતો, અને તેને માથામાં હેમરેજ સહિતની ઈજા થઈ હતી. જેની સારવાર માટે પણ મોટો ખર્ચ આવી પડ્યો હતો, અને વધુ પૈસાની જરૂરિયાત ઊભી થતાં જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે રહેતા મોન્ટુભાઈ નામના અન્ય એક વ્યાજખોર પાસેથી એક લાખ રૂપિયા માસીક ૧૦ ટકા લેખે વ્યાજે લીધા હતા.
જેણે તે પૈસા આપવા સમયે હાપામાં આવેલા રૂ.૧૫ લાખની કિંમતના મકાનના અસલ દસ્તાવેજો મેળવી લીધા હતા, સાથોસાથ એક લાખના છ લાખ રૂપિયાનું લખાણ પણ કરાવી લીધું હતું, અને તેને પણ વધુ વ્યાજની રકમ ચૂકવવા છતાં હજુ વધુ પૈસા ની માંગણી કરાતી હતી.
પોતે ખૂબ જ આર્થિક સંકટમાં આવી જતાં અને ઘરમાં ખાવાના પણ પૈસા ન રહેતા, પોતાના ત્રણ સંતાનો કે જેઓ અભ્યાસ કરતા હતા, તેની ફી નહીં ભરી શકવાથી ત્રણેય સંતાનોને સ્કૂલમાંથી ઉઠાવી લેવાનો વારો આવ્યો છે હતો. અને હાલ તેઓ અભ્યાસ કરી શકતા નથી.
એ દરમિયાન વધુ પૈસાની જરૂરિયાત પડવાથી જામનગરના જેન્તીભાઈ ભાનુશાળી નામના વ્યાજખોર પાસેથી માસિક ૧૦ ટકા લેખે અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા છે. જે પણ પૈસા ચૂકવી નહીં શકતાં આખરે ફિનાઈલ પી લેવાનો વારો આવ્યો છે.
સમગ્ર હકીકત જાણ્યા પછી પોલીસે પ્રકાશભાઈ પરમારની ફરિયાદના આધારે ત્રણ વ્યાજખોરો હરપાલસિંહ જાડેજા, મોન્ટુભાઈ અને જેન્તીભાઈ ભાનુશાળી સામે બીએનએસ કલમ ૩૫૧(૨) તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ કલમ ૩૯,૪૦, અને ૪૨ મુજબ ગુનો નોધ્યો છે, અને ત્રણેય વ્યાજખોરોની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો: “ડોક્ટર સાહેબ, મારો ચહેરો તો બચી ગયો, પણ હું મરી ગયો છું?”











Users Today : 1747