મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકર ભારત અને દુનિયાના સેંકડો લોકોના પ્રેરણાસ્ત્રોત છે. અમેરિકા, બ્રિટન સહિતના દુનિયાના અનેક પ્રગતિશીલ દેશો ડો.આંબેડકરને ભારતના સૌથી મહાન વ્યક્તિત્વ તરીકે યાદ કરે છે. અમેરિકાની જે યુનિવર્સિટીમાં ડો.આંબેડકરે અભ્યાસ કર્યો તે આજે પણ બાબાસાહેબને પોતાના સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી માને છે અને તેમનું સન્માન કરે છે. સામાજિક કાર્યકરો, રાજકીય નેતાઓ, આંબેડકરવાદીઓ, બહુજન એક્ટિવિસ્ટો માટે ડો.આંબેડકર પ્રેરણાસ્ત્રોત હોય તે વાત સમજી શકાય તેમ છે. પરંતુ કોઈ ફિલ્મકાર માટે ડો.આંબેડકર પ્રેરણાસ્ત્રોત હોય તે વાત ચોક્કસ ચોંકાવે. એમાં પણ જો તે ફિલ્મકાર શોમેન રાજ કપૂર હોય તો શું કહેશો? સ્વાભાવિક છે કે, આ જાણીને આપણી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય. આવતા અઠવાડિયે (2 જૂન ) રાજ કપૂરની પુણ્યતિથિ છે ત્યારે શોમેન અને ડો.આંબેડકર વિશેના જોડાણ વિશે વિસ્તારથી વાત કરીએ.
રાજ કપૂરે સ્વીકાર્યું કે ડો.આંબેડકર મારા પ્રેરણાસ્ત્રોત છે
પહેલીવારમાં માન્યામાં ન આવે તેવી આ વાત સો ટકા સત્ય છે અને તેનો સ્વીકાર બીજા કોઈએ નહીં પરંતુ ખુદ રાજ કપૂરે કરેલો છે. રાજ કપૂરના આસિસ્ટન્ટ રહી ચૂકેલા રાહુલ રવેલે વર્ષ 2022માં પ્રકાશિત કરેલા રાજ કપૂર પરના પોતાના પુસ્તક ‘રાજ કપૂર – બોલીવૂડ કે સબસે બડે શોમૈન’માં આ વાતનો ઉલ્લેખ કરેલો છે. રાહુલ રવેલ રાજ કપૂરના ડો.આંબેડકર સાથેના જોડાણ વિશે વાત કરતા કહે છે કે, જ્યારે પણ રાજ સાહેબ નિરાશ થઈ જતા, તેમની ફિલ્મો નિષ્ફળ જતી, તેમનો કામ કરવાનો ઉત્સાહ ઘટી જતો, આગળ શું કરવું તે સમજાતું નહીં ત્યારે તેઓ ડો.આંબેડકરને યાદ કરતા હતા. તેમની મહાનાયક ડો.આંબેડકરને યાદ કરવાની રીત જરા જુદી હતી.
આ પણ વાંચો: વકીલ હોવા છતાં ડૉ.આંબેડકર ભગતસિંહનો કેસ કેમ નહોતા લડ્યા?
રાજ કપૂર ડો.આંબેડકરમાંથી પ્રેરણા મેળવવા ક્યાં જતા?
રાજ કપૂર ખાવાના ભારે શોખીન હતા. જ્યારે પણ તેઓ કોઈ શહેરમાં જાય તો ત્યાંની સૌથી પ્રખ્યાત વાનગી ચોક્કસ પસંદ કરતા. તેઓ ખુશ હોય ત્યારે સતત ફરતા રહેતા, તેમની મનપસંદ રેસ્ટોરન્ટનું ભોજન લેતા. પણ જ્યારે તેઓ નિરાશ થઈ જાય ત્યારે તેઓ ડો.આંબેડકરને યાદ કરતા. તેમને યાદ કરવા માટે તેઓ ડો.આંબેડકરે લખેલા પુસ્તકો વાંચવાને બદલે એ જગ્યા પર પહોંચી જતા જ્યાં બેસીને ડો.આંબેડકરે ભારતના બંધારણનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. એ જગ્યા એટલે મુંબઈની વેસાઈડ ઈન રેસ્ટોરન્ટ.
રાજ કપૂર અને ડો.આંબેડકર વચ્ચેનું જોડાણ
રાહુલ રવેલ લખે છે, “મુંબઈ શહેરમાં રાજ સાહેબને કાલા ઘોડા રોડ પર આવેલી હોટલ ‘વેસાઈડ ઈન’ જવું ગમતું હતું. ત્યાં જઈને તેઓ સેન્ટર ટેબલ પર બેસતા. ત્યારબાદ એક રસોઈયો તેમનું અભિવાદન કરવા માટે બહાર આવતો. તે રાજ સાહેબની પીઠ પર ધબ્બો મારીને પૂછતો, “રાજ કૈસા હૈ? બહુત ટાઈમ કે બાદ આયા.” રસોઈયા સાથેની રાજ સાહેબની કેમેસ્ટ્રી જોઈને અમને ખ્યાલ આવ્યો કે તેઓ નાનપણથી જ અહીંયા આવતા હતા અને ત્યારથી એ વૃદ્ધ રસોઈયો અહીં નોકરી કરતો હતો. એ રેસ્ટોરન્ટમાં એક ખાસ બ્રિટિશ મેનુ હતું. જ્યારે મે રાજ સાહેબને પૂછ્યું કે આ જગ્યા તેમને કેમ પસંદ છે? તો તેમણે મને જણાવ્યું, મારા અહીંયા આવવા અને આ ખાસ ખુરશી-મેજ પર બેસવા પાછળ એક ચોક્કસ કારણ છે. આ એ જગ્યા છે, જ્યાં બેસીને ડો.આંબેડકરે ભારતનું બંધારણ લખ્યું હતું. હું અહીંયા એટલા માટે આવું છું, કારણ કે અહીંયા આવવાથી મને રચનાત્મક કામ કરવાની પ્રેરણા મળે છે.”
wayside inn નું ટેબલ નંબર 4 ઈતિહાસમાં અમર થઈ ગયું
લેખિકા જે.કે. રોલિંગે એડિનબર્ગના એલિફેન્ટ હાઉસ કેફેમાં પોતાનું પહેલું પુસ્તક હેરી પોટલ લખ્યું હતું. એ જ રીતે ડો.આંબેડકરે વર્ષ 1948માં મુંબઈના કાલાઘોડામાં આવેલી આ વેસાઈડ ઈન રેસ્ટોરન્ટમાં બેસીને ભારતીય બંધારણનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. જેમણે ડો.આંબેડકરને અહીં બેસીને કામ કરતા જોયા છે તેઓ આજે પણ એ દિવસો યાદ કરે છે.
આ પણ વાંચો: લતા મંગેશકરે ડૉ.આંબેડકરનું એક પણ ગીત કેમ ન ગાયું?

રેસ્ટોરન્ટના માલિકે એ દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે, ડો.આંબેડકર વકીલના કોટમાં રસ્તાની બીજી બાજુ આવેલી હાઈકોર્ટમાંથી આવતા અને ટેબલ નંબર 4 પર બેસીને ચાની પ્યાલીઓ પીતા જતા અને દેશના સર્વોચ્ચ કાયદાનું-દેશના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરતા હતા. તેમના ટેબલ પર ફૂલસ્કેપ શીટ, પેન્સિલ અને રબરનો ઢગલો પડ્યો હોય. આ ઘટનાક્રમ બહુ લાંબા સમય સુધી ચાલ્યો હતો અને વેસાઈડ ઈન રેસ્ટોરન્ટ અજાણતા જ દેશના બંધારણના ઘડતરમાં એક મહત્વનું સ્થળ બની ગયું.
wayside inn વર્ષ 2002માં બંધ થઈ ગઈ. પણ એટલા વર્ષોમાં સેંકડો બુદ્ધિજીવીઓની યાદો તેની સાથે સંકળાયેલી રહી છે. રાજ કપૂરને ડો.આંબેડકરના એ દિવસો યાદ હોવાથી તેઓ નિરાશાની સ્થિતિમાં કાયમ અહીં આવતા અને એ જ ટેબલ નંબર 4 પર બેસીને મહાનાયક ડો.આંબેડકરને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા.
wayside inn બુદ્ધિજીવીઓનો અડ્ડો હતી
મુંબઈના કાલાઘોડા રોડ પર આવેલી વેસાઈડ ઈન રેસ્ટોરન્ટમાં કટ્ટરપંથી બુદ્ધિજીવીઓથી લઈને કંજૂસ કવિઓ સુધીના નિયમિત ગ્રાહકો આવતા હતા. ઘણીવાર બૌદ્ધિક ઝઘડાઓ એટલા વધી જતા કે પોલીસ બોલાવવી પડતી, ત્યારે જતો મામલો શાંત પડતો. રૂસી કરંજિયા, બેન્જામિન હોર્નિમન અને દિનકર નાડકર્ણીએ પોતાના ક્રાંતિકારી ટેબ્લોઈટ ‘બ્લિટ્ઝ’ ની લોન્ચ કરવાની તૈયારી પણ અહીં જ કરી હતી.

બંધારણનો પહેલો ડ્રાફ્ટ wayside inn ના એક ખૂણામાં લખાયો
ભારતીય બંધારણનો ડ્રાફ્ટ ડો.આંબેડકરે વેસાઈડ ઈનના એક ખૂણામાં બેસીને લખ્યો હતો એ ઐતિહાસિક ઘટના કદી ભૂલાય તેમ નથી. આ રેસ્ટોરન્ટે ડો.આંબેડકર સિવાય સમાજવાદીઓના દીકરા, મંત્રીઓ અને વકીલો જેવા કે મધુ દંડવતે, જ્યોર્જ ફર્નાન્ડિસ, અશોક મહેતા, મધુ લિમયે અને એમસી છાગલાના વિચારોને પણ આકાર આપ્યો હતો. ચિત્રકાર તરીકે સંઘર્ષ કરતા એમ.એમ.હુસૈન પણ અહીં આવતા.
ટૂંકમાં wayside inn એ વખતના સૌથી પ્રભાવશાળી લોકોનો અડ્ડો હતો. ડો.આંબેડકરે દેશના બંધારણનો મુસદ્દો આ રેસ્ટોરન્ટના ટેબલ નંબર 4 પર બેસીને લખ્યો હતો, એ વાત સેંકડો બુદ્ધિજીવીઓને પ્રભાવિત કરતી હતી. તેનું જ કારણ છે કે, ડો. રાજ કપૂર જેવા શોમેન પણ નિરાશ થતા પ્રેરણા લેવા માટે અહીં પહોંચી જતા હતા.
આ પણ વાંચો: Wikipedia ની ‘ગુજરાતી સાહિત્યકારોની યાદી’માં દલિતો ગાયબ
ખુબ જ સરસ માહિતી આપી, આભાર