ભાજપના શાસનમાં દલિતો પર સવર્ણ ગુંડાઓના અત્યાચારોએ માઝા મૂકી છે. સવર્ણ હિંદુઓની તરફદાર ભાજપના રાજમાં દલિતો સામાન્ય પ્રસંગ પણ શાંતિથી ઉજવી શકતી નથી. લુખ્ખા તત્વો ગમે ત્યારે હુમલો કરી દે છે અને સરકાર તેમને એટ્રોસિટીના ગંભીર ગુનામાં ધરપકડ કરીને આકરી સજા કરવાને બદલે છોડી મૂકે છે જેના કારણે આરોપીનું મનોબળ વધી જાય છે અને તે ફરી વધુ મોટો ગુનો કરવા પ્રેરાય છે. લગ્નની સિઝન ચાલી રહી છે અને દર વખતની જેમ દલિતોની જાન પર હુમલાની ઘટનાઓ પણ ચાલી રહી છે. આવી જ એક ઘટનામાં લગ્નમાં ડો.આંબેડકરના ગીતો વગાડવા બદલ રાજપૂત જાતિના ગુંડાઓએ દલિત સમાજની જાન પર હુમલો કરી દીધો હતો.
ડો.આંબેડકરના ગીતો વગાડતા હુમલો કર્યો
ઘટના જાતિવાદ માટે કુખ્યાત યુપીની છે. અહીંના શાહબાદના ભુડાસી ગામમાં રાજપૂત જાતિના ગુંડા તત્વોએ એક દલિત યુવકના લગ્નમાં ડો.આંબેડકરના ગીતો વાગતા જાન પર હુમલો કરી દીધો હતો. લુખ્ખા તત્વોએ જાન પર હથિયારો અને પથ્થરમારો કરી અનેક લોકોને ઘાયલ કરી નાખ્યા હતા આટલું ઓછું હોય તેમ આરોપીઓ લગ્ન મંડપ સુધી પહોંચી ગયા હતા, જ્યાં તોડફોડ કરીને તેમણે જાન માટે તૈયાર કરવામાં આવેલું રૂ. 1.5 લાખનું ભોજન ફેંકી દીધું હતું.

આ પણ વાંચો: રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે…?
ઘટનાને લઈને દલિત સમાજના લોકો ગુસ્સે ભરાયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. એ પછી પોલીસે સરપંચ સહિત 8 લોકો સામે કેસ નોંધીને માત્ર એક આરોપીની ધરપકડ કરી છે. આના પરથી જ તમે અંદાજ લગાવી શકો છો કે આરોપીઓને પોલીસનું રક્ષણ મળેલું છે. ભૂદાસી ગામમાં દલિત જાટવ જાતિના માત્ર થોડા જ ઘરો છે. અને તેમની ચારેય બાજુ લોધી રાજપૂતો રહે છે. આરોપ છે કે રાજપૂતો દરરોજ દલિતોને કોઈને કોઈ બાબતે ત્રાસ આપતા રહે છે.

અઠવાડિયામાં ત્રણ જાન પર હુમલો કર્યો
જાટવ સમાજના લોકોએ જણાવ્યું હતું કે, રાજપૂત સમાજના લોકોએ એક અઠવાડિયામાં ત્રણ લગ્નો પર હુમલો કર્યો છે. શનિવારે રાત્રે જાટવ સમાજના ધરમવીરની પુત્રી ખુશ્બુના લગ્નની જાન શહેરના ભીતરગાંવ વિસ્તારમાંથી ભૂદાસી ગામમાં આવી હતી. મોડી રાત્રે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં ડો.આંબેડકરના ગીતો અને જાટવ સમાજના ગીતો વાગી રહ્યા હતા.
રાજપૂતોની દાદાગીરી- એકેય વરઘોડો નહીં નીકળતા દઈએ
એવો આરોપ છે કે ગામના લોધી રાજપૂતોએ ડૉ.આંબેડકરના ગીતો વગાડવા બદલ વરઘોડા પર હુમલો કર્યો હતો. રાજપૂતોએ કહ્યું હતું કે, આજ સુધી તેમણે કોઈ પણ દલિતને વરઘોડો કાઢવાની મંજૂરી નથી આપી અને આ વરઘોડો પણ નહીં નીકળવા દે. જ્યારે દલિત સમાજના લોકોએ તેનો વિરોધ કર્યો ત્યારે રાજપૂતોએ તેમનું જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું હતું. એ પછી આરોપીઓ લાકડીઓ અને હથિયારો લઈને જાન પર તૂટી પડ્યા હતા અને જાનૈયાઓને દોડાવી દોડાવીને માર માર્યો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થઈ ગયા હતા. એટલું જ નહીં, આરોપીઓએ લગ્ન મંડપમાં ઘૂસીને હંગામો મચાવ્યો હતો અને જાન માટે તૈયાર કરવામાં આવેલું રૂ. 1.5 લાખનું ભોજન પણ ઉપાડીને ફેંકી દીધું હતું.
સરપંચ સહિત 8 સામે કેસ નોંધાયો, માત્ર 1 ની ધરપકડ
શાહબાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પંકજ પંતે જણાવ્યું હતું કે ભૂદાસી ગામમાં લગ્ન સમારોહ પર થયેલા હુમલાના કેસમાં પીડિત પક્ષ ધર્મવીર, અમિત અને સુશીલ દ્વારા ગામના સરપંચ રાકેશ, વિકાસ, નેમ્પલ, કમલ, અનિલ, અરવિંદ, માસે અને રાકેશ સહિત આઠ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પર સંરક્ષણ ન આપવાનો આરોપ
આ ઘટના માટે દલિત સમાજના લોકોએ પોલીસ પર રક્ષણ ન આપવાનો આરોપ લગાવ્યો છે. રવિવારે સવારે ગુસ્સે ભરાયેલા દલિતો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોલીસ આરોપીઓને બચાવી રહી હોવાનો આરોપ લગાવીને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
આ પણ વાંચો: ડૉ.આંબેડકર પાર્કમાં લાગેલી બુદ્ધની પ્રતિમા કોઈએ તોડી નાખી

દલિત સમાજનું કહેવું છે કે, એક જ અઠવાડિયામાં દલિત સમાજની જાન સવર્ણો દ્વારા હુમલાની આ ત્રીજી કે ચોથી ઘટના છે. ૪ મેના રોજ ગણવદની પુત્રી ખુશિલાની જાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને ૭ મેના રોજ અતર સિંહની પુત્રી રિંકીના લગ્નના વરઘોડા પર હુમલો કરવામાં આવ્યો હતો અને જાનૈયા ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસને આપવામાં આવી હતી, જેના કારણે 10 મેની રાત્રે પોલીસ હાજર હતી.
આરોપ છે કે પોલીસે દલિતોનું રક્ષણ કરવાને બદલે આરોપીઓનો બચાવ કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરે દલિત સમાજના લોકોને ભીડ એકઠી કરતા અટકાવ્યા એ દરમિયાન પોલીસે તેમની સાથે ઝપાઝપી કરી હતી. મામલો જેમ તેમ કરીને શાંત પાડ્યો હતો.
આ રીતે તો અમારી દીકરીઓ કુંવારી રહી જશે
જાટવ સમુદાયના લોકોએ આવા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી ચે. સમાજના એક વડીલ બાલક રામે જણાવ્યું હતું કે જે રીતે જાટવ સમાજના લગ્નોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે, તેવી રીતે તો અમારી દીકરીઓ કુંવારી રહી જશે. લુખ્ખા તત્વોની દાદાગીરીને કારણે તો કોઈ વરરાજા જાન લઈને અમારા ઘર સુધી નહીં આવે. સવર્ણ ગુંડાઓએ જાન માટેનું ભોજન પણ ફેંકી દીધું હતું. લગ્નની જાન જમ્યાં વિના બીકના કારણે પરત ફરી ગઈ હતી.
બે જાનમાં ડો.આંબેડકરના ગીતો વાગતા હુમલા થયા
ઉલ્લેખનીય છે કે યુપીમાં દલિતોના લગ્ન પર સવર્ણ હિંદુઓની માથાભારે કોમના લોકો દ્વારા હુમલાઓની ઘટનાઓ છેલ્લાં કેટલાક વર્ષોથી વધી છે. યોગી આદિત્યનાથ જ્યારથી સીએમ બન્યાં છે ત્યારથી ચોક્કસ જાતિના લોકોને જાણે રાજ્યાશ્રય મળી ગયો હોય તેમ તેઓ ગમે ત્યારે દલિતો પર હુમલો કરી દે છે. દલિતોના લગ્નો અને જાન પર હુમલો કરવાની ઘટના દરરોજ સામે આવે છે. જો આ સાચું હોય તો યુપીમાં દલિતો માટે હવે નવો પડકાર ઉભો થયો છે. આ વિસ્તારમાં પહેલો વિવાદ 30 એપ્રિલના રોજ રૂસ્તમપુર ગામમાં થયો હતો. અહીં પણ ડૉ.આંબેડકરના ગીતો વગાડવાને લઈને વિવાદ શરૂ થયો.
એ પછી ઘરે પરત ફરી રહેલા બે જાનૈયાને રસ્તામાં ઘેરીને માર મારવામાં આવ્યો હતો. એ ઘટનામાં પોલીસે ચાર લોકોને જેલમાં મોકલી દીધા. હવે આ ઘટનામાં પણ ડો.આંબેડકરના ગીતોનું બહાનું કાઢીને હુમલો કરવામાં આવ્યો છે. જેના પરથી સમજી શકાય છે કે સવર્ણ હિંદુઓને ડો.આંબેડકર પ્રત્યે કેટલી નફરત છે.
આ પણ વાંચો: પ્રયાગરાજમાં 7 ઠાકુરોએ દલિત યુવકને જીવતો સળગાવી દીધો?











*લગ્નોમાં ડો.બાબા સાહેબ આંબેડકરના ગીતો નહિ વાગે તો શું કાયરોના ગીતો વાગશે! દેશમાં મુઘલ સામ્રાજ્ય આવી ગયું અને બાકી હતું તો અંગ્રેજી શાસન પણ આવી ગયું શું કાંદા કાઢ્યા? હજી લોકો માનસિક ગુલામીમાં જ જીવી રહ્યા છે! મેરા ભારત મહાન!