સુરતના ઉમરપાડામાં આજે આપના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજે અધિકાર બચાવો રેલી યોજી હતી. આદિવાસી સમાજ પોતાના અધિકારોને લઈને કેટલો જાગૃત છે તેનો અંદાજ તેના પરથી પણ લગાવી શકાય છે કે, વરસાદ ચાલુ હોવા છતા અધિકાર રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના જાગૃત નાગરિકો જોડાયા હતા. રેલીમાં ઉમરપાડા, નેત્રંગ અને સોનગઢ સહિતના વિસ્તારના આદિવાસીએ રેલીમાં ભાગ લીધો હતો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રેલીની આગેવાની લીધી હતી. વરસાદની પરવા કર્યા વિના આદિવાસી સમાજે રેલીમાં હાજર રહી પોતાની આક્રમકતાનો પરિચય કરાવ્યો હતો.
આદિવાસી ભાષામાં ગીતો ગાઈ વિરોધ નોંધાવ્યો
આજે વરસાદ વચ્ચે ઉમરપાડા બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આદિવાસી આગેવાનો અને ઉપસ્થિત લોકોએ મામલતદાર કચેરી ખાતે બે કલાક સુધી ધરણાં કર્યા હતા. ધરણા દરમિયાન આદિવાસી મહિલાઓએ આદિવાસી ભાષામાં ગીતો ગાઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. એ દરમિયાન ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી હતી કે વનવિભાગના અધિકારીઓ સ્થળ પર ન આવે ત્યાં સુધી અમે આ જગ્યા છોડીશું નહીં.
આ પણ વાંચો: સામાજિક બહિષ્કાર કરાતા આદિવાસી પરિવારે સામૂહિક આપઘાત કર્યો
અધિકારીઓ નહીં આવે ત્યાં સુધી ઉઠીશું નહીં: ચૈતર વસાવા
રેલીને સંબોધન કરતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે, “અમે અગાઉ જાણ કરી હતી કે આ પ્રશ્ન જંગલ ખાતાનો છે જેથી વન વિભાગના અધિકારીઓને હાજર રાખજો, છતાં વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હાજર રહ્યા નથી અને બહાના બતાવી ચાલ્યા ગયા છે. જેથી અમે અહીં ધરણા પર બેઠા છીએ. જ્યાં સુધી જ્યાં સુધી વન વિભાગના અધિકારીઓ નહી આવે ત્યાં સુધી અમે ઉઠવાના નથી.”
વિકાસના નામે વિનાશ નહીં ચલાવી લેવાય
ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, “અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસને લાવી ઝૂપડા તોડી અમારા લોકોને કાઢી રહ્યા છે. અભ્યારણ બનાવી ખાનગી ક્ષેત્રને આપવાની જે તેમની યોજના છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. ભૂતકાળમાં ડેમો ના નામે, કોરિડોરના નામે સ્ટેચ્યુના નામે આદિવાસીઓને કાઢી મુકવામાં આવ્યા છે. વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ થાય છે તે અમે કોઈપણ ભોગે ચલાવી લેવાના નથી.”
એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્રથી પણ લોકો જોડાશે?
ચૈતર વસાવાએ આક્રમક અંદાજમાં જાહેરાત કરી હતી કે, “અત્યારે તો ફક્ત બે તાલુકાના લોકો જ આવ્યા છે પરંતુ જરૂર પડશે તો ભીલ પ્રદેશના લોકો પણ લડતમાં જોડાશે અને પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પણ આદિવાસી સમાજ અમારી પડખે આવીને ઉભો રહેશે. જો જરૂર પડશે તો આગામી દિવસોમાં ગાંધીનગર કે સુરત કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો કરીશું. જો ફરીવાર અમારા ઘર ખાલી કરાવશો તો હાઈવે ચક્કાજામ કરીશું અને તમામ સરકારી પ્રોજેક્ટ બંધ કરાવીશું.”
આ પણ વાંચો: નકલી ST સર્ટિ પર ACP બની ગયેલા બી.એમ.ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા