Dalit News: જાતિવાદ અને ગુંડાગર્દી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની વધુ એક ઘટના બની છે. અહીંના રામપુરના જાગીર ગામમાં દલિત સમાજના એક યુવાનને માથાભારે તત્વોએ નિર્દયતાથી માર માર્યો હતો. એટલું જ નહીં, યુવકના બંને હાથની આંગળીઓ તીક્ષ્ણ હથિયારથી કાપી નાખવામાં આવી હતી અને હવે તેને ગામ છોડી દેવાની ધમકી આપવામાં આવી છે. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે ત્રણ આરોપીઓ સામે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઘટના શનિવારે સવારે બની હોવાનું કહેવાય છે. જાગીર ગામના રહેવાસી સુરેન્દ્ર દિવાકરે પોલીસ સ્ટેશનમાં પોલીસને જણાવ્યું હતું કે તેના પિતરાઈ ભાઈ વિનોદને એકલો જતો જોઈને તેના પર ગામના જ ત્રણ લોકો – રાશિદ ખાન, રાજા અને મનુએ અચાનક હુમલો કરી દીધો હતો. આરોપીઓએ પહેલા તેને પકડીને જમીન પર પછાડ્યો અને પછી તેને માર માર્યો, પછી પાટલ (લોખંડનું એક પ્રકારનું હથિયાર) અને છરીથી હુમલો કર્યો. હુમલામાં વિનોદના બંને હાથની મોટાભાગની આંગળીઓ કપાઈ ગઈ છે અને તે ગંભીર રીતે ઘાયલ થયો છે.
ઘટના બાદ હુમલાખોરો ભાગી ગયા
હંગામો સાંભળીને પરિવાર અને અન્ય ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. ઘાયલ વિનોદને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની ગંભીર હાલત જોઈને તેને મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બ્રાહ્મણોએ OBC કથાકારનું માથું મુંડી, માનવમૂત્ર છાંટી, નાક રગડાવ્યું
સુરેન્દ્ર દિવાકરનો આરોપ છે કે હુમલાખોરો દલિત સમાજના લોકોને ગામ છોડીને જવા માટે સતત દબાણ કરી રહ્યા છે. ઘટના સમયે પણ તેઓ જાતિ વિષયક અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા હતા અને તેમને મારી નાખવાની ધમકી આપી હતી. માહિતી મળતાં જ પહોંચેલી પોલીસે ઘાયલોના નિવેદનો લીધા હતા અને આરોપી રાશિદ ખાન, રાજા અને મનુ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને SC-ST કાયદાની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
પોલીસ અધિકારીએ શું કહ્યું?
આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નિશા ખટાણાએ જણાવ્યું હતું કે યુવકની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. જોકે, પોલીસ ગામમાં પહોંચે તે પહેલાં જ આરોપીઓ તેમના ઘરેથી ભાગી ગયા હતા. પોલીસની ટીમ તેમને શોધવામાં લાગી ગઈ છે. આ ઘટના અંગે ગ્રામજનોમાં રોષ છે અને પીડિત પરિવારે વહીવટીતંત્ર પાસેથી સુરક્ષાની માંગ કરી છે.
આ પણ વાંચો: અંબાજીના છાપરીમાં આદિવાસી બાળકો જીવના જોખમે ભણવા મજબૂર