Dalit News: એકબાજુ ભારત દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે, બીજી તરફ મનુવાદને પ્રોત્સાહન આપતી ભાજપની સરકારમાં જાતિવાદી ગુંડાઓ ખૂલ્લેઆમ લુખ્ખાગીરી પર ઉતરી રહ્યાં છે. આઝાદીના 78 વર્ષ પછી સરકાર જાતિ ભેદભાવને દૂર કરી શકી નથી, ઉલટાનું તેને પ્રોત્સાહન અપાઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે. ભાજપ જ્યારથી કેન્દ્રમાં સત્તામાં આવ્યો છે ત્યારથી દેશમાં દલિતો પર કથિત સવર્ણ જાતિના ગુંડાઓની દાદાગીરી વધતી જઈ રહી છે. ખૂલ્લેઆમ દલિતો સાથે ભેદભાવ થઈ રહ્યાં છે, જાતિ આધારિત હુમલા થઈ રહ્યાં છે અને છતાં સરકાર કોઈ નક્કર પગલાં લઈ નથી રહી. ઉલટાનું દલિતોના બંધારણીય હકો પર તરાપ મારીને મનુવાદી હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે જાતભાતના પેંતરાઓ કરતી રહી છે.
રજપૂત ગુંડાઓએ દલિત કન્યાની બિંદૌલી પર હુમલો કર્યો
દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ જ દલિતોના બંધારણીય હકો પર તરાપ મારતી એક ઘટના સામે આવી છે. જ્યાં એક દલિત કન્યાના લગ્નમાં રજપૂત જાતિના ગુંડાઓએ હુમલો કર્યો, જાનૈયાઓ સાથે મારામારી કરી, જાતિસૂચક અપશબ્દો કહી જાનને પોતાના ઘર પાસેથી નીકળવા ન દેવાની ધમકી આપી હતી. એ પછી કન્યાના પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ સુરક્ષામાં લગ્નની વિધિ પૂરી થઈ હતી.
આ પણ વાંચો: 150 વર્ષે પહેલીવાર ગામમાં દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો
મધ્યપ્રદેશના રતલામના લખમાખેડી ગામની ઘટના
મામલો મધ્યપ્રદેશના રતલામ(Ratlam)નો છે. અહીંના લખમા ખેડી ગામમાં સોમવારે મોડી સાંજે કેટલાક જાતિવાદી રજપૂત ગુંડાઓએ(Rajputs attacked) એક દલિત કન્યાની જાન(Dalit bride bindauli) પોતાના ઘર પાસેથી પસાર થતી રોકીને હુમલો કર્યો હતો. આરોપીઓએ કન્યાના પરિવારને ધમકી આપી હતી કે, “દલિત થઈને તમે અમારા ઘર સામેથી જાન લઈને કેવી રીતે નીકળી શકો. જો અહીંથી તમારી દીકરીની જાન પસાર થશે તો મજા નહીં આવે. માટે અહીંથી જ પાછા વળી જાવ.” એમ કહીને જાતિસૂચક અપશબ્દો કહીને જાનૈયાઓ પર હુમલો કરી દીધો હતો.
5 રજપૂતો સામે નામજોગ SC-ST એક્ટ હેઠળ કેસ નોંધાયો
જો કે, કન્યાના પરિવારજનો જાતિવાદી ગુંડાઓની ધમકીથી ડર્યા વિના પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસ પહેરો ગોઠવી કન્યાની જાનને સુરક્ષિત રીતે લગ્ન મંડપ સુધી પહોંચાડી લગ્નની વિધિ પુરી કરાવી હતી. આ કેસમાં પોલીસે 5 લોકો સામે નામજોગ અને અનેક અજાણ્યા લોકો સામે SC/ST એક્ટ અને ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: ભાવનગરમાં લગ્નના દિવસે જ વરે કન્યાની હત્યા કરી નાખી
જાતિવાદી ગુંડાઓએ રસ્તો કેમ રોક્યો હતો?
મળતી માહિતી મુજબ ગામના સુરેશ કટારિયાની મોટી પુત્રી રીતુના લગ્ન 26 નવેમ્બરના રોજ થવાના હતા. સોમવારે રાત્રે, લગ્ન સમારોહના ભાગ રૂપે પરંપરાગત બિંદૌલી(ગુજરાતમાં જેને ફૂલેકું કહે છે તે) કાઢવામાં આવી રહી હતી. રાત્રે લગભગ 9:30 વાગ્યે બિંદૌલી ગામમાં બાપુ સિંહના ઘરે પહોંચી હતી, એ દરમિયાન બાપુ સિંહ અને બદ્રી સિંહ તેમના ઘરમાંથી બહાર આવ્યા હતા અને બિંદૌલી અટકાવીને કહ્યું હતું કે, “એક દલિતની છોકરીની બિંદૌલી અમારા ઘર પાસેથી પસાર નહીં થાય, આ અમારું અપમાન છે. માટે અહીંથી પાછા વળી જાવ અને બીજા કોઈ રસ્તેથી બિંદૌલી લઈને નીકળો!” આ દરમિયાન, કુશલ સિંહ, કુલદીપ સિંહ, ગોવિંદ સિંહ ભાણેજ અને અન્ય લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા. એવો આરોપ છે કે આ લોકોએ દલિત પરિવારનું અપમાન કરવા માટે અપશબ્દો અને જાતિવાદી અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.
પોલીસ સુરક્ષા વચ્ચે કન્યાની બિંદૌલી નીકળી
રજપૂત ગુંડાઓની દાદાગીરી સામે કન્યાના પરિવારજનો ઝૂક્યા નહોતા અને તેમણે તરત પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ, બરવાડા પોલીસ સ્ટેશનના અધિકારી સ્વરાજ ડાભી તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. રજપૂતોની દાદાગીરી છતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દલિત કન્યા અને તેના પરિવાર તથા જાનૈયાઓને સુરક્ષા પૂરી પાડીને સુરક્ષિત રીતે સમગ્ર લગ્ન સમારોહ પૂર્ણ કરાવ્યો હતો.
SC-ST Act અને BNSની કલમો હેઠળ કેસ નોંધાયો
ત્યારબાદ કન્યાના પિતા સુરેશ કટારિયાની ફરિયાદના આધારે, પોલીસે બાપુ સિંહ, બદ્રી સિંહ, કુશલ સિંહ, કુલદીપ સિંહ, ગોવિંદ સિંહ ભાણેજ અને અન્ય લોકો સામે કડક કાર્યવાહી કરી. આરોપીઓ સામે BNSની કલમ 176 (જૂના IPCની કલમ 188 ને અનુરૂપ) અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બધા આરોપીઓ લખમા ખેડી ગામના રહેવાસી છે. રતલામ એસપી અમિત કુમારે પણ ઘટનાની પુષ્ટિ કરી અને કાર્યવાહીની ખાતરી આપી.
આ પણ વાંચો: યુવતીએ પ્રેમલગ્ન કરતા પંચે 40 લોકોને માથું મુંડવાની સજા કરી
ભીમ આર્મીના કાર્યકરોએ કડક કાર્યવાહીની માંગ કરી
આ ઘટનાના વિરોધમાં ભીમ આર્મી, આઝાદ સમાજ પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સુનીલ અસ્તે, જિલ્લા પ્રમુખ ગોપાલ વાઘેલા સહિત ઘણા લોકોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી હતી અને ગુનેગારોની ધરપકડનો આગ્રહ રાખ્યો હતો.
બિંદૌલી-બિંદૌરી એટલે શું?
ચાલો એ પણ સમજીએ કે બિંદૌલી અથવા બિંદૌરી વિધિ શું છે. તે ઉત્તર અને મધ્ય ભારતમાં લગ્ન સમારોહનો એક મહત્વપૂર્ણ અને પરંપરાગત ભાગ છે. લગ્નના એક કે બે દિવસ પહેલા, વર કે કન્યાને ઘોડા અથવા બગીમાં બેસાડીને વાજતેગાજતે પરિવાર અને સંબંધીઓ સાથે નાચતા-ગાતા આખા ગામ કે મહોલ્લામાં ફેરવવામાં આવે છે.આ રિવાજ પરિવારની ખુશી અને પ્રતિષ્ઠાનું જાહેર પ્રદર્શન છે અને તેને સામાજિક સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. આ વિધિને રોકવાનો કોઈપણ પ્રયાસ દલિતોના અધિકારો અને ગૌરવ પર સીધો હુમલો માનવામાં આવે છે. એટલે જ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જાતિવાદી ગુંડાઓ દલિતોની બિંદૌલી રોકે છે અથવા તેના પર હુમલો કરે છે.
રતલામમાં પણ જાતિવાદી રજપૂત ગુંડાઓએ તેને પોતાની આબરૂનો સવાલ બનાવીને વિરોધ કર્યો હતો. આ લોકોને કોણ સમજાવે કે દેશ આઝાદ થઈ ગયો છે, બંધારણનું સાશન છે, રાજા-રજવાડાઓ વખતે તમે જે ગુંડાગર્દી કરી દલિતોને હેરાન કરતા હતા, તે હવે ચાલી શકે તેમ નથી. આ ઘટના શા માટે દેશમાં બંધારણનું સાશન જરૂરી છે તેનું પણ ઉદાહરણ છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા














*શરીરે મજબૂત અને માનસિક રીતે નબળા આવા લોકોને દેશની સરહદો પર મોકલો તો દેશ ફરી ગુલામ થઈ જાય, એમાં કોઈ સંદેહ નથી રેહતો! શું આઝાદીનાં 78 વર્ષો પછી પણ દલિતોની સુખ સાહ્યબી આંખમાં કાચનાં કણાની જેમ ખૂંચે છે! આનો ઈલાજ સરકાર પાસે છે પરંતુ આવા મૂર્ખાઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવામાં જ રસ છે! જયભીમ! ધન્યવાદ સાધુવાદ!