ઉનામાં શાળા પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓ પર સ્કૂલની છતનાં પોપડા પડ્યાં

ઉનાના લહેરકા ગામની ઘટના. અધિકારી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવા આવ્યા, એ જ વખતે છતનાં પોપડાં પડતા ત્રણને ઈજા.
school entrance ceremony in una

ગુજરાતમાં સરકારી શાળાઓની પરિસ્થિતિ કેટલી ખરાબ છે તેના વિશે જેટલા ગામ એટલા દાખલા આપી શકાય તેમ છે. કોઈ ગામની શાળામાં પુરતા ઓરડાં નથી, કોઈ જગ્યાએ ઓછાં ઓરડા છે, તો ક્યાંય ઓરડાની જર્જરિત છે. બે દિવસ પહેલા જ જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ રાજ્યમાં 1600 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે. સરકારની દાનત જ નથી રાજ્યના યુવાનોને સરકારી નોકરી આપવાની. જેના કારણે આખા રાજ્યમાં સરકારી શિક્ષણ ખાડે ગયું છે. અને છતાં સરકાર લાજશરમ નેવે મૂકીને દર વર્ષે શાળા પ્રવેશોત્સવ ઉજવે છે.

શાળા પ્રવેશોત્સવ ટાણે જ છતનાં પોપડાં પડ્યાં

જો કે ઉના તાલુકાના લહેરકા ગામે આજે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન એક અણધારી દુર્ઘટના બની હતી. સવારે 11 વાગ્યે માર્ગ અને પંચાયત વિભાગના અધિકારી એસ. જે. મછારની હાજરીમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ થયો હતો, જેમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન જર્જરિત ​​છતનાં પોપડાં પડતાં 3 વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. આ મામલે હવે શિક્ષણાધિકારીએ આચાર્યને નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો: મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’

બે વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થીને ઈજા પહોંચી

મળતી માહિતી મુજબ, અચાનક વરસાદ શરૂ થતાં વિદ્યાર્થીઓને ધોરણ 6ના વર્ગખંડમાં લઈ જવામાં આવ્યા હતા. એ દરમિયાન છતમાંથી પોપડાં પડતાં ત્રણ વિદ્યાર્થીને ઈજા થઈ હતી, જેમાં બાલવાટિકાની વિદ્યાર્થીની રિયાંશી સોલંકી અને ધોરણ 1ની દીપાંશી સોલંકીને માથામાં ઈજા થઈ હતી, જ્યારે ધોરણ 1ના વિદ્યાર્થી ભગીરથ શિંગડને પગમાં ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ડોળાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વાલીઓ પણ શાળાએ પહોંચી ગયા છે અને વિદ્યાર્થીઓ જર્જરિત મકાનની છત નીચે ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.

ડીઈઓએ આચાર્યાને નોટિસ ફટકારી જવાબ માંગ્યો

ઘટનાની જાણ થતાં જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને શાળાનાં આચાર્ય દ્વારા પૂરતી કાળજી ન લેવામાં આવી હોવાનું કહીને તેમને નોટિસ ફટકારી છે. તપાસમાં બહાર આવ્યું છે કે શાળાનું મકાન જર્જરિત છે અને મરામત માટે ગ્રાન્ટ મળવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આચાર્ય દ્વારા ઉપલી કચેરીને મકાનની સ્થિતિ અંગે કોઈ રિપોર્ટ પણ કર્યો નહોતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાની તાત્કાલિક મરામત કરવાની સૂચના આપી છે.

લહેરકાના એક આગેવાને જણાવ્યું હતું કે, શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન વરસાદ વધુ આવતાં બાળકોને અંદર રૂમમાં લઈ જતાં આ ઘટના બની હતી. શાળામાં 8 ઓરડા આવેલા છે અને 140 બાળક અભ્યાસ કરે છે, એમાં બે ઓરડા અને કમ્પાઉન્ડ જર્જરિત હાલતમાં છે. આની જાણ કરીને લેખિતમાં આપેલું છે છતાં સમારકામ કરવામાં આવ્યું નથી.

બેદરકારી હશે તો તપાસ કરી પગલાં લઈશુંઃ ડીઈઓ

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શાળામાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, શાળામાં આવેલા વર્ગખંડમાં ઉપરના ભાગમાં કચરો અને વરસાદી પાણી ભરાયેલું જોવા મળ્યું. જેના કારણે પ્લાસ્ટર છૂટું પડી જતાં છતનાં પોપડાં પડ્યાં હતા. બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર આપીને ઘરે પહોંચાડવામાં આવ્યાં છે.

આવા કિસ્સાઓમાં આકસ્મિક રિપેરિંગ કામો કરવા માટે શાળાના આચાર્યના ખાતામાં જરૂરિયાત પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. આ સમગ્ર મામલે જેની બેદરકારી હશે તેની સામે પગલાં લઈશું.

આ પણ વાંચો: દલિત મહિલા મધ્યાહન ભોજન બનાવતી હોવાથી 21 વિદ્યાર્થીઓએ શાળા છોડી

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x