ગુજરાતી દલિત સાહિત્ય જગતના શિરમોર કવિઓ પૈકીના એક એવા કવિ સાહિલ પરમાર(Sahil Parmar)ના કાવ્યસંગ્રહ(poetry collection) ‘તળ ભાતીગળ'(Tal Bhatigal)નું ગઈકાલે અમદાવાદ ખાતે વિમોચન(was released) યોજાઈ ગયું. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાં દલિત કવિઓ, લેખકો અને પ્રબુદ્ધ બહુજન સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને સાહિલ પરમારને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
પોતાની તેજાબી લેખન શૈલી અને ઉત્તર ગુજરાતી લહેકાને દલિત કવિતાઓમાં ખેંચી લાવનાર સાહિલ પરમાર દલિત સાહિત્ય જગતનું મોંઘેરું રતન છે. અગાઉ તેમનો ‘મથામણ’ કાવ્યસંગ્રહ ભારે લોકચાહના પામી ચૂક્યો છે. હવે સાહિલ પરમાર ‘તળ ભાતીગળ’ લઈને આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ એક સાથે 10 પુસ્તકોનું લોકાર્પણ કર્યું
શરૂઆત પબ્લિકેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું
દલિત કવિતાઓના કવિ અને ગુજરાતના જૂજ પ્રતિબધ્ધ દલિત કવિઓમાં મોખરેનું નામ એવા ગાંધીનગર નિવાસી સાહિલ પરમારના દલિત કવિતાસંગ્રહ ‘તળ ભાતીગળ’નો વિમોચન સમારોહ 9 નવેમ્બર 2025ને રવિવારના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદ હોલ ખાતે યોજાયો હતો. યુવા પબ્લિશર કૌશિકભાઈ પરમારના જૂનાગઢ સ્થિત શરૂઆત પબ્લિકેશન્સ દ્વારા આ કાવ્યસંગ્રહનું પ્રકાશન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પણ શરૂઆત પબ્લિકેશન દ્વારા જ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં દલિત સાહિત્ય જગતના દિગ્ગજોની હાજરી
સાહિલ પરમારના આ કાવ્યસંગ્રહના વિમોચન કાર્યક્રમમાં વિખ્યાત દલિત સાહિત્યકાર ડૉ.મોહન પરમાર (ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા સાહિત્યકાર), ડૉ.સ્વાતિ જોષી (કવિવર ઉમાશંકર જોષીના સુપુત્રી અને દિલ્હી યુનિ.ના પૂર્વ અધ્યાપક), મનિષી જાની ( જાણીતા કર્મશીલ અને લેખક), સરૂપ ધ્રુવ (જાણીતા લેખિકા) અને ડૉ.રાજેશ લકુમ (જાણીતા સમાજવિજ્ઞાની) જેવા વિદ્વાન અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિમોચન સમારોહમાં આ સૌ અતિથિ વક્તાઓએ ‘તળ ભાતીગળ’ વિશે એમના મનનીય વક્તવ્યો રજૂ કર્યા હતા.
આ પણ વાંચો: ધંધુકામાં પહેલીવાર દલિત મહિલાઓએ સમાજનું બંધારણ ઘડ્યું
મોટી સંખ્યામાં સાહિલપ્રેમીઓ, પરિવારજનો ઉપસ્થિત રહ્યાં
કવિ સાહિલ પરમારે તથા એમના અર્ધાંગિની હીરાબેને પણ એમના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. શરૂઆત પબ્લિકેશનના કૌશિક પરમારે પણ એમનો પ્રતિભાવ આપ્યો હતો. વિમોચન સમારોહનું સંચાલન કવિ નિલેશ કાથડે અને આભારદર્શન કવિ રમણ વાઘેલાએ કર્યું હતું. આ સમારોહમાં દલિત સાહિત્યના ચાહકો-ભાવકો – વિશેષ કરીને સાહિલ પરમારના અને એમની કવિતાના ચાહકો તેમજ સાહિલભાઈના પરિવારજનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલઃ નટુભાઈ પરમાર, પૂર્વ તંત્રી, ‘સમાજમિત્ર’, ગાંધીનગર)
આ પણ વાંચો: શરૂઆત પબ્લિકેશનના પાંચ પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો















Users Today : 1724
સ્વાતિબેન અને સરૂપબેનના ફોટામાં નામ ખોટું લખ્યું છે.