Uttam Mohite Murder: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ગઈકાલે રાત્રે એક ભયાનક ઘટના ઘટી ગઈ. દલિત મહાસંઘ(Dalit Mahasangh President)ના સાંગલી જિલ્લાના અધ્યક્ષ ઉત્તમ મોહિતે(Uttam Mohite)ની તેમના જન્મદિવસે જ ક્રૂરતાથી હત્યા(Murder) કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, તેમના પર હુમલો કરવા આવેલા આરોપી શબ્યા શાહરુખ શેખને પણ ગુસ્સે ભરાયેલા ટોળાંએ માર મારી-મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આમ, એક જ રાતમાં બે હત્યાથી સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મામલો શું હતો?
પ્રાપ્ત માહિતી અનુસાર, દલિત મહાસંઘના નેતા ઉત્તમ મોહિતેનો જન્મદિવસ મંગળવારે હતો. આ પ્રસંગની ઉજવણી માટે મોહિતેના ઘરની બહાર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સમર્થકો અને સ્થાનિક લોકો અભિનંદન આપવા માટે ભેગા થયા હતા. શાહરુખ શેખ રાત્રે લગભગ 12:00 વાગ્યે આઠથી દસ સાથીઓ સાથે ત્યાં પહોંચ્યો હતો. એવું કહેવાય છે કે કાર્યક્રમમાં સૌ પ્રથમ બધાંએ સાથે બેસીને ભોજન લીધું હતું અને પછી શુભેચ્છા પાઠવવાના બહાને હત્યારાઓ મોહિતે પાસે ગયા હતા અને શાહરૂખ શેખ અને તેના સાથીઓએ અચાનક મોહિતે પર તીક્ષ્ણ હથિયારોથી પેટ અને ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: દલિત આધેડને ચોર સમજી ગામલોકોએ માર મારી પતાવી દીધા!
આરોપીઓએ દલિત મહાસંઘના નેતા ઉત્તમ મોહિતે પર સતત હુમલો કર્યો, જેના કારણે મોહિતે ઘટનાસ્થળે જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. તેમને તાત્કાલિક સાંગલીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
ટોળાએ હુમલાખોરને પણ મારી નાખ્યો
આ હત્યા દરમિયાન, મોહિતેના સમર્થકોએ પણ હુમલાખોરો પર હુમલો કર્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ હત્યારા શાહરૂખ શેખ અને તેના સાથીઓને નિર્દયતાથી માર માર્યો હતો. ત્યારબાદ થયેલી અથડામણમાં, શાહરૂખ શેખને પગમાં ગંભીર ઈજા થઈ અને તે લોહીલુહાણ થઈ ગયો. ટોળાએ શાહરૂખ શેખને થોડી જ વારમાં માર મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શાહરૂખ શેખ સામે પહેલાથી જ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા હતા.
શહેરમાં તણાવનો માહોલ, પોલીસ તૈનાત કરાઈ
એક જ રાતમાં બે હત્યા બાદ સમગ્ર સાંગલીમાં તણાવનો માહોલ છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ રાતોરાત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોડી રાત સુધી હોસ્પિટલની બહાર સમર્થકોની ભીડ એકઠી થઈ હતી.
હત્યા પાછળ જૂની દુશ્મનાવટ હોવાની શંકા
ઉત્તમ મોહિતેની હત્યા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પોલીસ માને છે કે તેની પાછળ જૂની દુશ્મનાવટ કારણભૂત હોઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનેલી આ ઘટનાની ચર્ચા ફક્ત સાંગલીમાં જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં થઈ રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: ‘તું દલિત છે, મારી સાથે દારૂ પીવા કેમ બેઠો?’ કહીને ચાકૂથી હુમલો











Users Today : 1702