ગુજરાત કે ભારતમાંથી જ્યારે કોઈ માણસ સૌરાષ્ટ્રના કોઈપણ શહેર કે ગામમાં પ્રવેશ કરે તો સ્થાનિકો સૌથી પહેલા તેને તેનું નામ પૂછે અને પછી તરતનો સવાલ હોય – ‘તમે કેવા?’ સવર્ણ હિંદુઓ સૌરાષ્ટ્રને સંતોની ભૂમિ તરીકે વખાણે છે પરંતુ આ ભૂમિના લોકોની રગેરગમાં ઘૂસી ચૂકેલા જાતિવાદને છુપાવી રાખવા સતત મથતા રહે છે. સવર્ણો દ્વારા, સવર્ણો થકી, સવર્ણો માટે કામ કરતું મનુવાદી મીડિયા કદી પણ સૌરાષ્ટ્રના ગામેગામ ફેલાયેલા ભયાનક જાતિવાદ વિશે મોં ખોલતું નથી. જેના કારણે આ વિસ્તારમાં દરરોજ કોઈને કોઈ ગામમાં બનતી જાતિવાદ અને દલિત અત્યાચારની ઘટનાઓ દબાઈ જાય છે. આવી જ એક ઘટના થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં બની હતી, જેને મનુવાદી મીડિયાએ દબાવી દીધી હતી.
અમરેલીના બાબરાના ચમારડી ગામની ઘટના
મામલો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામનો છે, જ્યાં ન્યાય સમિતિના દલિત મહિલા ચેરમેનનું ગામના મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના અન્ય સવર્ણ સભ્યો દ્વારા ગ્રામ પંચાયતની સભામાં જાહેરમાં હળહળતું અપમાન કરવામાં આવ્યું હતું. જાતિવાદી તત્વોએ ન્યાય સમિતિના મહિલા ચેરમેનને તેમની ખુરશી પણ બેસવા દીધા નહોતા. અન્ય એક સભ્યે તેમને ગ્રામ પંચાયત પણ ઘૂસવા ન દેવાનું કહીને, જે થાય તે કરી લેવાનું કહી જાતિસૂચક અપશબ્દો બોલીને હળહળતું અપમાન કર્યું હતું. આ મામલે હવે ન્યાય સમિતિના ચેરમેન મહિલાએ એટ્રોસિટી એક્ટ હેઠળ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ન્યાય સમિતિના ચેરમેન મહિલા સાથે જ અન્યાય
આ ઘટનાની નોંધાયેલી એફઆઈઆર મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં રહેલા કોમલબેન સુરેશભાઈ દાફડા ચમારડી ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની ગ્રામ પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક થયેલી છે. તા. 21 જુલાઈ 2025ના રોજ બપોરે 3.00 વાગ્યે તેઓ ગ્રામ પંચાયતની સભામાં હોવાથી તેમના પતિ સુરેશભાઈ સાથે ગ્રામ પંચાયત કચેરીએ ગયા હતા. જ્યાં ગ્રામ પંચાયતના અન્ય સભ્યો સહિત બીજા પણ અનેક લોકો હાજર હતા.
આ પણ વાંચો: લો બોલો! જાહેર શૌચાલય પર કબ્જો જમાવી તેને મંદિર બનાવી દીધું
મહિલા સરપંચને બદલે તેમના પતિ બધો વહીવટ કરે છે
ગ્રામ પંચાયતની ન્યાય સમિતિ અને પાણી સમિતિની રચના કરવા માટે આ બેઠક યોજાઈ હતી. નિયમ મુજબ આ બંને સમિતિઓની રચના ન્યાય સમિતિના ચેરમેને કરવાની હોય છે, પરંતુ ગામના સરપંચ દયાબેનના પતિ જીવણભાઈ(જેઓ ગ્રામ પંચાયતમાં કોઈ હોદ્દો ધરાવતા નથી છતાં) મિટીંગમાં બધો વહીવટ કરવા બેસી ગયા હતા. તેમણે કોમલબેનને કહ્યું કે, “તમારે અમારાથી દૂર બેસવાનું, ખુરશી લઈને નહીં બેસવાનું. તમારે પંચાયતમાં કોઈ વહીવટ કરવાનો નથી, અમે જેટલું કહીએ એટલું જ કરવાનું.”
તેમની બાજુમાં બેઠેલા નરેશભાઈ ભવાનભાઈ નામના શખ્સે સરપંચના પતિ જીવણભાઈને સવાલ કર્યો હતો કે, “તમે ગ્રામ પંચાયતમાં આ સમાજ(અનુસૂચિત જાતિ સમાજ)ના લોકોને ઘૂસવા કેમ દો છો? આ સમાજ પંચાયતમાં આવવો ન જોઈએ?” તેમ કહીને કોમલબેન અને તેમના પતિ સુરેશભાઈને જાતિસૂચક અપશબ્દો કહીને જાહેરમાં અપમાન કરી હડધૂત કર્યા હતા.
‘ગાંધીનગર સુધી જશો તો પણ કોઈ ફરિયાદ નહીં લે’
કોમલબેને તેમને કહ્યું હતું કે, “તમારે અમારી સાથે આ રીતે કેમ વાત કરો છો? ન્યાય સમિતિની રચના ચેરમેન તરીકે મારે કરવાની હોય, તમે મને તે કરવા દેતા નથી અને તમારી મનમાની ચલાવો છો? આ બાબતે હું ટીડીઓને જાણ કરીશ.” તેથી ત્યાં હાજર ધીરૂભાઈ જીવરાજભાઈ નામના ત્રીજા શખ્સે વચ્ચે પડીને દાદાગીરી કરીને કહ્યું હતું કે, “તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, ગાંધીનગર સુધી જશો તો પણ કોઈ તમારી ફરિયાદ લેવાનું નથી.”
ત્રણેય જાતિવાદી તત્વો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ
આ ત્રણેય જાતિવાદી તત્વોએ કોમલબેન અને તેમના પતિ સુરેશભાઈનું અપમાન કરતા વધુમાં કહ્યું હતું કે, “તમારી સમાજને ગ્રામ પંચાયતમાં ઘૂસવા દીધા એટલે તમે હવે અમારી સામે થવા માંડ્યાં છો? તમારા સમાજને પંચાયત ઘરમાં ઘૂસવા જ નથી દેવો.” એમ કહીને ફરી તેમને જાતિસૂચક અપશબ્દો બોલીને હળહળતું અપમાન કર્યું હતું. એ પછી કોમલબેન અને તેમના પતિ સુરેશભાઈ ગ્રામ પંચાયત કચેરીમાંથી બહાર નીકળી ગયા હતા.
એ દરમિયાન પણ જીવણભાઈએ ફરીથી તેમને મોટેથી અપશબ્દો બોલીને “તમારાથી જે થાય તે કરી લેજો” કહીને અપમાન કર્યું હતું. એ પછી કોમલબેન અને તેમના પતિ સુરેશભાઈએ બીજા દિવસે તા. 22 જુલાઈ 2025ના રોજ બાબરા પોલીસ સ્ટેશને જઈને ત્રણેય જાતિવાદી તત્વો સામે BNS અને એટ્રોસિટી એક્ટ(SC/ST Act)ની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: માથે મેલું પ્રથા નાબૂદ કરવા નક્કર રૂપરેખા તૈયાર કરો: હાઈકોર્ટ













હક માટે લડો અપમાન સહન નો કરોઃ જય ભીમ
આવાં લાખો બનાવો પછી કહી શકાય કે જાતિવાદ આતંકવાદ કરતાં હજાર ગણો મોટો છે..