પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સીપુર ગામે ચૂંટણી લક્ષી પૂર્વ અદાવત રાખીને ગામના વર્તમાન સરપંચ દ્વારા એક દલિત મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પીડિત મહિલાએ શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કૈલાશબેન વણકર 30 માર્ચના રોજ પોતાના વતન સીપુર ગામે પિયરમાં આવ્યા હતા. 31 માર્ચના રોજ સવારે કૈલાશબેન ઘરે એકલા હતા, ત્યારે ગામના સરપંચ હરીભાઈ જાદવ તેમના ઘરે પહોંચ્યા હતા. મહિલાએ જ્યારે ઘરમાં કોઈ સભ્ય હાજર ન હોવાનું જણાવ્યું, ત્યારે સરપંચે ઉશ્કેરાઈ જઈને “હું સરપંચ છું, ગમે તેના ઘરે આવી શકું છું” તેમ કહી બળજબરીપૂર્વક ઘરમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો: AAP ધારાસભ્યના સાળાએ દલિત પરિવારોના ઘર સળગાવી દીધાં!
દાદાગીરી કરી સરપંચ મહિલાના ઘરમાં ઘૂસી ગયો
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઘરમાં પ્રવેશ્યા બાદ સરપંચે મહિલાને તેની જ્ઞાતિ વિશે અત્યંત અપમાનજનક શબ્દો કહ્યા હતા. આરોપીએ મહિલાને ધમકી આપી હતી કે જો ભવિષ્યમાં મહિલા કે તેનો ભાઈ તેમની આડે આવશે અથવા વિરોધ કરશે, તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. સરપંચે પૈસા અને સત્તાનો રોફ બતાવી મહિલાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભયભીત થયેલી મહિલાએ તુરંત 112 નંબર પર કૉલ કરી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
આ પણ વાંચો: જૂનાગઢમાં 11 થી 14 એપ્રિલ દરમિયાન બહુજન સાંસ્કૃતિક મેળો યોજાશે
એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
શરૂઆતમાં આ મામલે સામાજિક સ્તરે સમાધાન કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા, જેના કારણે પોલીસ ફરિયાદમાં વિલંબ થયો હતો. જોકે, અંતે મહિલાની મક્કમતા બાદ શંખેશ્વર પોલીસ મથકે હરીભાઈ જાદવ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 173 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 3(1)(r), 3(1)(s) અને 3(2)(va) મુજબ કાર્યવાહી કરી છે. આ કેસની તપાસ હાલમાં નાયબ પોલીસ અધિક્ષક (DySP) પરેશ રેણુકા ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો: ધુરંધરના જમીલ જમાલીએ ‘હરિજન’ શબ્દ બોલવા બદલ માફી માંગી











