SC-ST Act: કાનપુર (Kanpur) ના ચકેરી વિસ્તારમાં ચાર ગુંડા તત્વોએ એરિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે એક દલિત સગીરને કપડાં ઉતારીને માર માર્યો. એટલું જ નહીં, આરોપીઓએ તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ સગીરની માતાએ ચકેરી પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.
વીડિયો બનાવી મારી નાખવાની ધમકી આપી
કાનપુરના (Kanpur) ચકેરી વિસ્તારની દલિત વસ્તીમાં રહેતી મહિલાના જણાવ્યા પ્રમાણે 8 માર્ચે સાંજે 7:30 વાગ્યે, તેમનો 16 વર્ષનો સગીર પુત્ર જમીને ફરવા ગયો હતો. ત્યારથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. મહિલાએ તેના પતિ સાથે મળીને ગુમ થયેલા પુત્રની ઘણી શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં. એ પછી 16 માર્ચે તેમના પુત્રનો નગ્ન અવસ્થામાં એક વીડિયો ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પછી ખબર પડી કે સ્થાનિક ગુંડાઓ અલી, ઇમરાન, સાહિલ અને સાગરે કોઈ બાબતનું મનદુઃખ રાખીને તેમના સગીર પુત્રને પચ્ચીસા તળાવ, ગઢ શિવકટરા લઈ ગયા હતા અને ત્યાં તેને નિર્દયતાથી માર માર્યો હતો. એટલું જ નહીં, સગીરને નગ્ન હાલતમાં માર મારવામાં આવતો હોવાનો વીડિયો પણ બનાવ્યો અને જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશું એવી ધમકી પણ આપી હતી.
આ પણ વાંચોઃ દલિત સગીરાનું અપહરણ કરી બે યુવકોએ હોટલમાં ગેંગરેપ કર્યો
બદનામીના ડરથી સગીર 7 દિવસ મિત્રના ઘરમાં રહ્યો
બીજી તરફ ચારેય યુવકોની બીક અને બદનામીના ડરથી દલિત સગીર ઘરે જઈ શકવાની હિંમત દાખવી શક્યો નહોતો અને એક અઠવાડિયા સુધી તેના મિત્રના ઘરે રહ્યો હતો. ૧૯મી માર્ચે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેણે પરિવારને સમગ્ર મામલાની જાણ કરી હતી. ઘરે આવ્યા પછી તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે કહ્યું કે, “હવે મારે જીવવું નથી, મને મરવા દો. હવે મારી પાસે કંઈ બચ્યું નથી. મને નગ્ન કરીને માર મારવામાં આવ્યો અને આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો. તેમણે મને ધમકી આપી છે કે જો હું ક્યાંય ફરિયાદ કરીશ તો તે મને મારી નાખશે.”
માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આ સાંભળીને તેની માતા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેની ફરિયાદના આધારે ચકેરી પોલીસે શુક્રવારે રાત્રે કાંજીખેડાના રહેવાસી આરોપીઓ અલી, ઇમરાન, સાહિલ અને સાગર વિરુદ્ધ હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપવી અને એસસી એસટી એક્ટ(SC-ST Act) સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
આ પણ વાંચોઃ ફતેવાડીમાં સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકતા બે દલિત સગીરના મોત
પોલીસે શું કહ્યું?
ચકેરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંતોષ શુક્લાએ જણાવ્યું કે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. કિશોરના પરિવારે પુરાવા તરીકે તેને માર મારતો નગ્ન વીડિયો પણ રજૂ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ દલિત સગીરા પર 5 યુવકોનો ગેંગરેપ, વીડિયો તેના ભાઈને મોકલ્યો