રાજસ્થાનના કરૌલી જિલ્લામાં SC, ST અને OBC સમાજ દ્વારા યુજીસી (UGC) એક્ટને લાગુ કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દ્વારા સમાજ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા અને બંધારણીય હકોનું રક્ષણ કરવા માટે સરકારને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી.
શિક્ષિત બનો, સંગઠિત બનો…ના નારા લાગ્યા
રેલીની શરૂઆત પૂર્વે શહેરના આંબેડકર પાર્ક ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉપસ્થિત વક્તાઓએ સમાજના વર્તમાન પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. નેતાઓએ જણાવ્યું હતું કે, સમાજ પર વધી રહેલા અત્યાચારો અને શાસન દ્વારા લાદવામાં આવતી દમનકારી નીતિઓ હવે સહન કરવામાં આવશે નહીં. વક્તાઓએ શિક્ષણ, રોજગાર અને સામાજિક ન્યાય માટે સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો. ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’ ના નારા સાથે યુવાનોમાં જોશ ભરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બિહારમાં UGC નિયમોના સમર્થનમાં દલિત-OBC નેતાઓ એક થયા
રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી
સભા પૂર્ણ થયા બાદ આંબેડકર સર્કલથી ભવ્ય રેલીનું પ્રસ્થાન થયું હતું. આ રેલી શહેરના વ્યસ્ત વિસ્તારો જેવા કે ગણેશ ગેટ, હટવાડા બજાર, ફૂટા કોટ, સદર બજાર અને વજીરપુર દરવાજા થઈને પસાર થઈ હતી. રેલીમાં સામેલ લોકોના હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ હતા, જેના પર ન્યાયની માંગ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર લખેલા હતા. સમગ્ર શહેરના મુખ્ય માર્ગો વાદળી અને અન્ય રંગના ઝંડાથી ભરાઈ ગયા હતા.

જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
રેલી જ્યારે જિલ્લા કલેક્ટ્રેટ પહોંચી ત્યારે ત્યાં એક પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિના નામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનમાં મુખ્યત્વે UGC એક્ટના કડક અમલીકરણ, પછાત વર્ગો માટેની કલ્યાણકારી યોજનાઓનું યોગ્ય સંચાલન અને સુરક્ષાની માંગણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સંઘર્ષ સમિતિના અગ્રણી નેતાઓ ભાનુ પ્રતાપ સિંહ, કે.એલ. મીના, ઉદય સિંહ જાટવ અને જમનાલાલ જાટવ સહિતના આગેવાનોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે જો આ માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર સ્ટે મૂક્યો, કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
રેલીની વિશાળતાને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે કરૌલી ડીએસપી અનુજ શુભમ, કૈલા દેવી ડીએસપી મીના મીણા અને કરૌલી પોલીસ સ્ટેશનના અધિકારી અધ્યાત્મ ગૌતમ સહિત વિવિધ પોલીસ મથકોનો કાફલો ખડેપગે તૈનાત રહ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખીને રેલીને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો હતો. આ પ્રદર્શન દ્વારા કરૌલીના SC, ST અને OBC સમાજે પોતાની એકતાનું પ્રદર્શન કરીને સત્તાધિશોને જગાડવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ માંગણીઓ પ્રત્યે કેવું વલણ અપનાવે છે.
આ પણ વાંચો: UGC મુદ્દે સુપ્રીમના નિર્ણય પર બહુજન નેતાઓ લાલઘૂમ, જાણો શું કહ્યું?










