સુરતમાં પટેલોએ તેમના સમાજની દીકરી આરતી સાંગાણીએ અનુસૂચિત જાતિ સમાજના તબલાવાદક યુવક સાથે લગ્ન કરતા તેનો વિરોધ કરવા પર ઉતરી આવ્યા છે. પાટીદારોએ હવે આરતી સાંગાણીનો એકપણ કાર્યક્રમ નહીં થવા દેવાની ધમકી આપી છે. સુરતના કતારગામ મોટી વેડ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં આરતી સાંગાણીના કાર્યક્રમનો પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
જોકે, આયોજકો દ્વારા કાર્યક્રમ પહેલા જ રદ કરી દેવામાં આવ્યો હતો. આરતી સાંગાણી જે લગ્ન પ્રસંગમાં ગીત ગાવા આવવાની હતી તે પણ પાટીદાર પરિવારનો પ્રસંગ હતો. પરંતુ વિવાદ બાદ આયોજક સુરાણી પરિવારે પાટીદારોનો સાથ આપતા આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરી દીધો હતો.
સુરતના મોટી વેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે પાટીદાર અગ્રણી સુરાણી પરિવારના આંગણે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લગ્ન ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીને આમંત્રિત કરવામાં આવી હતી. જોકે, આરતી સાંગાણીના લવમેરેજને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ‘મેરા સક્ષમ મર કે ભી જીત ગયા, મેરે પિતા-ભાઈ હાર ગયે..’
વિરોધ થાય તે પહેલાં જ કાર્યક્રમ રદ કરી દેવાયો
આરતી સાંગાણી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સિલ્વર ફાર્મની બહાર એકઠા થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદની અસર ગ્રાઉન્ડ ઝીરો પર પણ જોવા મળી હતી. સમગ્ર મામલો બિચકતા અને સમાજની લાગણી દુભાતી જોઈને યજમાન સુરાણી પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો હતો અને વિરોધ થાય તે પહેલાં જ આરતી સાંગાણીના કાર્યક્રમને રદ કરી દીધો હતો.
પરિવારે સ્પષ્ટ કર્યું કે, તેઓ હંમેશા સમાજની સાથે છે અને સમાજના હિત માટે તેઓ કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. આરતી સાંગાણીના સ્થાને જાણીતી સિંગર ગોપી પટેલને લગ્ન ગીતો ગાવા માટે નક્કી કરવામાં આવી હતી. પરિવારે જણાવ્યું કે, સમાજના વિરોધ અને યુવાનોની લાગણીને માન આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સવર્ણ બોયફ્રેન્ડે કહ્યું, ‘તું દલિત છો, હું તારી સાથે લગ્ન નહીં કરું’
ટપોરી છોકરાએ આરતી પર મોહિનીકરણ કર્યું છે!
પાટીદાર યુવાનોએ જણાવ્યું હતું કે, આરતીબેને જે કામ કર્યું છે એ ખરેખર નિંદનીય નથી. એ એટલા માટે એવું નથી કે કદાચ આ છોકરા હોય એણે ફોસલાવીને, આ મોહિનીકરણ કંઈ કરીને, આ દીકરીને ફોસલાવીને કંઈક કર્યું છે. મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે સમાજની અંદર આના લીધે બીજી કોઈ દીકરીઓની આ હાલત ન થાય એટલા માટે. એ પોતે સિંગર હતા અને આજે સિલ્વર ફાર્મની અંદર કતારગામમાં અમે અહીંયા આવ્યા. અમને જાણ થઈ કે આજે એનો પ્રોગ્રામ છે.
આ પણ વાંચો: કિંજલ દવેનો જાતિવાદી તત્વોને જવાબ, કહ્યું, ‘કાયદેસર પગલા લઈશ’
અમે પ્રોગ્રામને કેન્સલ કરવા માટે આવ્યા અને આપ જોઈ શકો કે સંપૂર્ણપણે આજે ડાયરો એનો સુરાણી પરિવારનો હતો. એ પ્રોગ્રામને કેન્સલ કર્યો છે. એણે તો એવું કીધું કે પાટીદાર સમાજને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમને જાણ કરજો. સુરાણી પરિવારે પાટીદાર સમાજને સાથ આપ્યો એ પણ બહુ મોટી વાત છે. આજે જે પણ એ પરિવાર છે, એ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમે અહીંયા આવ્યા અને ગણતરીના કલાકોની અંદર જ આ પ્રોગ્રામને કેન્સલ કરવામાં આવ્યો.
આયોજક પાટીદારે જ આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરાવ્યો
કાર્યક્રમના આયોજક ધર્મેશભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, આજનો અમારો 29 તારીખનો ડાયરાનો પ્રોગ્રામ હતો. એમાં આરતીબેન હતા, હિતેશ અંટાળા હતા પણ લોકલાગણીને માન આપીને અમે આરતીબેનનો પ્રોગ્રામ તમામ રદ કર્યો છે. એની જગ્યાએ અમે ગોપી પટેલ અને હિતેશ અંટાળાને બોલાવ્યા છે. સમાજની સાથે રહેવા જ અમે માંગીએ છીએ અને અમારો પર્સનલ પ્રોગ્રામ છે, પર્સનલ પ્રસંગ છે. એટલે લોકલાગણીને અમે માન આપી અને અમે એનો પ્રોગ્રામ તમામ કેન્સલ કર્યો છે અને બાકી જે કંઈ છે એ અમારો પર્સનલ પ્રોગ્રામ છે. અમે સમાજની સાથે જ છીએ.
પાટીદારો ખુદ આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરે છે
જો કે, આ ઘટનાએ ફરી એકવાર પાટીદાર સમાજની ભયાનક જાતિવાદી માનસિકતાને ઉજાગર કરી દીધી છે. અહીં એ યાદ રાખવું રહ્યું કે, ગુજરાતમાં વસતા પાટીદારોમાં દીકરીઓની સંખ્યા બીજા કોઈપણ સમાજની તુલનામાં સૌથી ઓછી છે. તેથી તેઓ તેમના સમાજની એકપણ દીકરી અન્ય કોઈ સમાજમાં લગ્ન ન કરે તે માટે સતત સામાજિક દબાણ ઉભું કરતા રહે છે.
જો કે, અડધો પાટીદાર સમાજ દીકરીઓની અછતના કારણે પંચમહાલ, દાહોદની આદિવાસીઓની દીકરીઓ સાથે લગ્ન કરે છે. જે તેમના બેવડા ધોરણો બતાવે છે. અન્ય સમાજની છોકરી સાથે પોતે લગ્ન કરવા છે પરંતુ પોતાના સમાજની દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તેની સામે હોબાળો મચાવવો છે. આ જાતિવાદી માનસિકતા છે અને આવો સમાજ કદી અન્યોનું ભલું ન કરી શકે.
આ પણ વાંચો: ગાયિકા આરતી સાંગાણીના પ્રેમલગ્ન મુદ્દે પટેલોએ હોબાળો મચાવ્યો











