Special story: અમદાવાદના ચાંદખેડા વિસ્તારના સ્થાનિકો અને આસપાસના રહીશો માટે આનંદની વાત છે. અહીંના સ્નેહ પ્લાઝા ખાતે નવા ‘સંવિધાન સર્કલ’ના નિર્માણનું કામ આખરે શરૂ થઈ ગયું છે અને થોડા જ દિવસોમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગાંધીનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવવાનું છે.
આ ‘સંવિધાન સર્કલ’ સામાજિક એકતા અને સામાજિક ચેતના વધારવાના હેતુથી બનાવવામાં આવી રહ્યું છે. આ સર્કલ પર ભારતીય સંવિધાનની પ્રસ્તાવના અને મૂળભૂત હકો, ફરજો જેવા મુખ્ય ભાગોની જાણકારી સ્પષ્ટ અક્ષરોમાં કોતરવામાં આવશે, જેથી સ્થાનિકો, ખાસ કરીને યુવા પેઢીને દેશના મૂળભૂત દસ્તાવેજની સરળ સમજણ મળી શકે.

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદના મોટેરામાં 29 મકાનો તોડી પડાયા!
આ સર્કલ લંબચોરસ આકારમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની ડિઝાઈનમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના આઈકોનિક ફોટાની સાથે ભારતીય સંસદનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. સર્કલની બીજી તરફ બંધારણનું આમુખ મૂકવામાં આવ્યું છે.

સ્થાનિક નાગરિકોએ આ પહેલનું સ્વાગત કર્યું છે. તેમના મતે આ એક શ્રેષ્ઠ પહેલ છે. રોજ સવાર-સાંજે અહીંથી સપાર થનાર લોકો, બાળકો અને યુવાનોને સંવિધાનની મહત્તાનો સંદેશ સરળતાથી મળી શકશે. આ ફક્ત એક સર્કલ નથી, પણ બંધારણ તરફ આપણને જાગૃત કરતી એક જગ્યા બનશે.
આ પણ વાંચો: અમદાવાદમાં પૂના કરાર પર રાજ્ય સ્તરની ચિંતન શિબિર યોજાઈ
સંવિધાન ગ્રુપ ચાંદખેડાના જણાવ્યા પ્રમાણે, સર્કલનું ઉદ્ઘાટન ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરના હસ્તે કરાવવાનું આયોજન છે. ગ્રુપના જણાવ્યા મુજબ, શહેરના જુદા જુદા વિસ્તારોમાં જો આવા સંવિધાન સર્કલ તૈયાર કરવામાં આવે તો લોકોમાં દેશપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના પ્રબળ બનશે.
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કાર્યાલય તરફથી મળેલી માહિતી અનુસાર, ઉદ્ઘાટન સમારોહની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ચાંદખેડા વિસ્તારમાં સંવિધાન સર્કલની સ્થાપના સમાજના દરેક વર્ગને સંવિધાનમાં નિહિત મૂલ્યો – ન્યાય, સમાનતા, બંધુત્વ અને ધર્મનિરપેક્ષતા – ની યાદ અપાવવાનું કાર્ય કરશે.
આ પણ વાંચો: દાણીલીમડાના રોગચાળા અંગે NHRC નું સચિવ, કલેક્ટર, AMC ને તેડું












*સંવિધાન સર્કલ નું નિર્માણ કરનાર સૌને સપ્રેમ જયભીમ સાથે ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ મંગલકામનાઓ પાઠવું છું. ધન્યવાદ સાધુવાદ!