Tribal News: વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ સુરતમાંથી એક હોનહાર આદિવાસી દીકરીની આત્મહત્યાના સમાચાર આવ્યા છે. ધોરણ 10માં અભ્યાસ કરતી 16 વર્ષની આદિવાસી વિદ્યાર્થિનીએ પોતાના ઘરેથી આશરે 4 કિ.મી. દૂર આવેલી એક બાંધકામ સાઇટ પર જઈને તેના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
સુરતના પાંડેસરામાં ઘટના બની
મૃતક વિદ્યાર્થીનીનું નામ અસ્મિતા ડામોર હોવાનું અને તે સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. અસ્મિતા ગઈકાલે સાંજે પોતાના ઘરેથી નીકળી હતી અને તેણે પોતાના પરિવારે જણાવ્યું કે તે ટ્યુશનથી આવી છે અને હવે તેની બહેનપણીના ઘરે જઈ રહી છે. પરંતુ, રાત્રે 8 વાગ્યા સુધી તે પરત ન આવતા અને તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતા પરિવાર ચિંતિત થયો હતો. રાત્રે 11 વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ કેશોદના અગતરાયમાં 6 બહેનોના એકના એક ભાઈએ આપઘાત કર્યો
સિક્યોરિટી કશું સમજે તે પહેલા કૂદકો મારી દીધો
ફરિયાદ મળતા જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પોલીસે અસ્મિતાના મોબાઈલ ફોનના લોકેશનના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. લોકેશન પાંડેસરા વિસ્તારમાં મળતા પોલીસ તે તરફ ગઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અસ્મિતા ભેસ્તાનથી એક રિક્ષામાં બેસીને પાંડેસરાના તિરુપતિ સર્કલ સુધી આવી હતી. અહીંથી તે એકલી જ ચાલીને લગભગ પાંચ મિનિટના અંતરે આવેલી સ્વપ્નલોક નામની એક બાંધકામ સાઇટ પર પહોંચી હતી. અહીં સિક્યોરિટી ગાર્ડે તેને જોઈ અને બૂમો પણ પાડી હતી. પરંતુ, તે કશું સમજે કે કોઈ કાર્યવાહી કરે તે પહેલાં અસ્મિતા સીધી છઠ્ઠા માળે પહોંચી ગઈ હતી અને ત્યાંથી કૂદી ગઈ હતી. એ પછી ગાર્ડે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પરિવારનું હૈયાફાટ રૂદન, વાતાવરણ ગમગીન બન્યું
પાંડેસરા પોલીસ અને ભેસ્તાન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે જોયું કે અસ્મિતાનો મૃતદેહ બાંધકામ સાઇટ પર પડ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવી અને પિતા હિતેશભાઈ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોતાની દીકરીની આ હાલત જોઈને આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પિતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ પણ વાંચોઃ દુકાન પર બુલડોઝર ફેરવી દેવાતા ભાજપ નેતાના ભાઈનો આપઘાત
પોલીસે શું કહ્યું
આ ઘટના અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. ગઢવીએ જણાવ્યું કે, વિદ્યાર્થીની ભેસ્તાનથી ઓટોમાં પાંડેસરાના તિરુપતિ સર્કલ સુધી આવી અને ત્યાંથી ચાલીને બાંધકામ સાઇટ પર પહોંચી હતી અને છઠ્ઠા માળેથી તેણે કૂદકો માર્યો હતો. એ દરમિયાન સિક્યોરિટી ગાર્ડે તેને જોઈ બૂમો પાડી હતી, પરંતુ તે પહેલાં જ તેણે પોતાનો જીવ આપી દીધો હતો. અમે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીનીના મોબાઇલ ફોન અને તેના સંપર્કોની પણ તપાસ ચાલી રહી છે.”
વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં છેલ્લાં કેટલાક સમયથી વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ વધી છે. ભણવાનું પ્રેશર અને ટીનએજમાં થતા વિજાતીય આકર્ષણને સમજવામાં ગફલત ખાઈ જતા કિશોર-કિશોરીઓ મોબાઈલ ફોનના કારણે પરિવારથી સતત દૂર થતા જઈ રહ્યાં છે. એ એકલતા તેમને આપઘાત તરફ દોરી જઈ રહી છે. અસ્મિતાની આત્મહત્યા ફરીથી વાલીઓ સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ધોરણ 10માં ભણતી કિશોરી, જેની જિંદગીની શરૂઆત થવાની હતી, તેણે આટલું મોટું પગલું ભર્યું કેમ? શું તેના પર કોઈ શૈક્ષણિક દબાણ હતું? કે પછી કોઈ વ્યક્તિગત કારણો હતા જેના કારણે તેણે આવો કઠિન નિર્ણય લીધો? હાલ, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ તાપીમાં છેડતી મામલે પોલીસે કાર્યવાહી ન કરતા, આદિવાસી વિદ્યાર્થીનીનો આપઘાત










