સવર્ણોએ 6 કલાક સુધી દલિત યુવકની અંતિમવિધિ ન થવા દીધી

દલિતોને સ્મશાન માટે ફાળવેલી જમીન પર સવર્ણોએ ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. પરિણામે દલિત યુવકનો મૃતદેહ 6 કલાક સુધી રસ્તા વચ્ચે મૂકી રાખવો પડ્યો.
dalit news

ભાજપના રાજમાં દલિતો સાથે મનુસ્મૃતિની તર્જ પર અત્યાચારો કરવામાં આવે છે તે હવે કોઈથી છૂપું નથી. સરકાર બધું જાણતી હોવા છતાં સવર્ણોની નારાજગી વહોરવી ન પડે તે માટે દલિતો પર ગમે તેટલા મોટા અત્યાચાર થાય તો પણ આંખ આડા કાન કરે છે. ભાજપસાશિત રાજ્યોમાંથી દરરોજ કોઈને કોઈ દલિત અત્યાચારની ઘટના સામે આવતી રહે છે, પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. જેના કારણે માથાભારે સવર્ણ જાતિઓને પ્રોત્સાહન મળે છે.

સવર્ણોએ દલિત યુવકની અંતિમવિધિ થતી રોકી

સવર્ણ જાતિના લુખ્ખા તત્વો જીવતા દલિતો પર તો અત્યાચાર કરે જ છે, પરંતુ મર્યા પછી પણ તેમને શાંતિ લેવા દેતા નથી. આવું જ એક વરવું ઉદાહરણ ભાજપસાશિત મધ્યપ્રદેશમાંથી સામે આવ્યું છે. જ્યાં માથાભારે સવર્ણોએ દલિતોના સ્મશાનની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હતો અને દલિતોને એ જમીન પર એક યુવકની અંતિમવિધિ કરતા રોક્યા હતા. પરિણામે 6 કલાક સુધી દલિત યુવકનો મૃતદેહ રસ્તા વચ્ચે પડ્યો રહ્યો હતો. એ દરમિયાન માથાભારે સવર્ણોએ હાઈવે બ્લોક કરીને દલિતો પર પથ્થરમારો કર્યો હતો. જેના જવાબમાં દલિતોએ પણ સામે પથ્થરમારો કરવાની ફરજ પડી હતી.

6 કલાક સુધી દલિત યુવકનો મૃતદેહ રસ્તા વચ્ચે પડ્યો રહ્યો

ઘટના મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના લિલડા ગામની છે. અહીં માથાભારે સવર્ણ જાતિના લોકોએ દલિતોને સ્મશાન માટે ફાળવેલી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. જેના કારણે તેમણે આ જમીન પર દલિત યુવકના અંતિમસંસ્કાર થતા દીધાં નહોતા. સવર્ણોની આ લુખ્ખી દાદાગીરીને કારણે દલિત યુવકનો મૃતદેહ 6 કલાક સુધી રસ્તા વચ્ચે ઠાઠડીમાં પડ્યો રહ્યો હતો.

સવર્ણોએ દલિતો પર પથ્થરમારો કર્યો

ગામના સવર્ણ લુખ્ખાઓએ દલિતોને સ્મશાન માટે ફાળવાયેલી સરકારી જમીન પર કબ્જો જમાવી દીધો હતો અને તેઓ તેને પોતાની માલિકીની ગણાવતા હોવાથી તેમણે દલિત યુવકના અંતિમસંસ્કાર થતા રોક્યા હતા. જેના કારણે દલિત સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેઓ મૃતક યુવકના મૃતદેહને રસ્તા વચ્ચે મૂકી દીધો હતો. એ દરમિયાન સવર્ણોએ દલિતો પર પથ્થરમારો કર્યો હતો, જેની સામે દલિતોએ પણ વળતો પથ્થરમારો કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતા વિજયપુરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અભિષેક મિશ્રા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો.

ઘટના શું હતી?

પ્રાપ્ત માહિતી અનુસાર, લિલડા ગામનો જગદીશ જાટવ બેંગલુરુમાં ખાનગી નોકરી કરતો હતો. પાંચ દિવસ પહેલા એક માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. સોમવારે સવારે લગભગ 10 વાગ્યે તેનો મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો. એ પછી, બપોરે લગભગ 1 વાગ્યે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. એ દરમિયાન ગામના રાવત સમાજના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. જેના કારણે દલિતોએ મૃતદેહને રસ્તા પર મૂકીને વિરોધ શરૂ કર્યો હતો.

દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો

મર્યા પછી પણ જાતિવાદી તત્વો આડા ઉતરી અંતિમવિધિ રોકી દેતા મૃતકના પરિવારજનો અને દલિત સમાજના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યો અને ગ્રામજનોએ રસ્તો રોકી દીધો હતો. ઘટનાની માહિતી મળતાં જ એસડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે 6 કલાક સુધી રાવત સમાજના લુખ્ખા તત્વો માન્યા નહોતા. એ દરમિયાન યુવકનો મૃતદેહ રસ્તા વચ્ચે જ પડ્યો રહ્યો હતો.

એસડીએમની દરમિયાનગીરી બાદ અંતિમક્રિયા થઈ

આ પણ વાંચો: ‘બંધારણ લખનારા મૂર્ખ હતા’ -સુરત ઈસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસનો બફાટ

dalit

લગભગ 6 કલાકના હોબાળા પછી આખરે એસડીએમની દરમિયાનગીરી બાદ દલિત યુવકની અંતિમવિધિ થઈ શકી હતી. મૃતકના પરિવારે સરકારી જમીન પર અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સમય દરમિયાન લોકોએ SDM પાસે આ સરકારી જમીન પરથી રાવત સમાજના લુખ્ખા તત્વોનો ગેરકાયદે કબજો દૂર કરવાની માંગ કરી હતી. જેના પર એસડીએમએ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

દલિત મહિલાઓએ સવર્ણોની પોલ ખોલી

આ મામલે દલિત મહિલાઓનું કહેવું છે કે, જાટવ સમાજની સ્મશાનની જમીન રેલવેએ હસ્તગત કરી લીધી છે. જેના કારણે તેમની પાસે અંતિમ સંસ્કાર માટે જગ્યા બચી નથી. ગામના પટવારી તરફથી દલિતોને અગ્નિસંસ્કાર માટે આ જગ્યા આપવામાં આવી છે પરંતુ માથાભારે રાવતોએ એ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હતો, જેના કારણે તેઓ પોતાને આ જમીનના માલિક સમજી બેઠા હતા અને દલિતોને એ જમીન પર અંતિમ સંસ્કાર કરતા અટકાવી દીધા હતા.

સ્થાનિક યુવક સુરેશ જાટવે જણાવ્યું હતું કે રાવત સમાજ પાસે જમીનના કોઈ માલિકી હકો નથી. તેમણે આ જમીન ગેરકાયદે પચાવી પાડી છે અને છતાં લુખ્ખી દાદાગીરી કરી દલિતોને ધમકાવે છે.

નેતાઓ રાજકારણ કરવા પહોંચી ગયા

ઘટનાની જાણ છતા રાજકારણીઓ પણ રાજકીય ફાયદો શોધતા ત્યાં આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય મુકેશ મલ્હોત્રાએ આ મામલે કલેક્ટર અને એસપી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ સમાજમાં વિભાજન પેદા કરે છે. ધારાસભ્યએ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ પણ આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો.

કેટલાક સવાલો

સવાલ એ છે કે, આ કેટલી હદની નાગાઈ કહેવાય કે દલિતોને સ્મશાન માટે ફાળવાયેલી જમીન પર સવર્ણો કાયદાના ડર વિના કબ્જો જમાવી દે અને પાછા ઉપરથી દલિતોને અંતિમવિધિ કરતા પણ અટકાવે? જો આ રીતે કોઈ દલિત સમાજની વ્યક્તિએ સવર્ણ જાતિઓ સાથે કર્યું હોય તો પોલીસ 6 કલાક સુધી તેનો મૃતદેહ રસ્તા પર રઝળવા દે ખરાં, 6 કલાક સુધી તેની અંતિમવિધિ રોકી રાખે ખરાં? જાતિવાદી લુખ્ખાઓ મનફાવે તે જમીન પર પોતાના દાવાઓ ઠોકતા ફરે અને સવર્ણોની તરફદાર પોલીસ 6-6 કલાક સુધી પણ કાયદાનો દંડો ન ઉગામે તેમાં પણ સ્પષ્ટપણે જાતિવાદ દેખાય છે.

આ પણ વાંચો: દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું

4.3 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x