અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી નાખી હોવાની ઘટનાને લઈને હોબાળો મચેલો છે, ત્યારે હવે ઉત્તરાખંડના કાશીપુરમાં એક ખાનગી શાળામાં, નવમા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષક પર પિસ્તોલથી ગોળીબાર કર્યાના સમાચાર આવ્યા છે. હુમલામાં જમણા ખભા નીચે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા શિક્ષકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ ન આપવા બદલ ઠપકો આપ્યો હતો અને થપ્પડ મારી હતી. જેનો બદલો લેવા માટે આરોપી વિદ્યાર્થી લંચ બોક્સમાં પિસ્તોલ લઈને શાળામાં લાવ્યો હતો અને શિક્ષકને ગોળી મારી દીધી હતી. પોલીસે શિક્ષકની ફરિયાદ પર કેસ નોંધ્યો છે અને વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે.
શિક્ષકે થપ્પડ મારતા બદલો લેવા ગોળી મારી
આ ઘટનાની મળતી માહિતી મુજબ, સોમવારે કુંડેશ્વરી રોડ પર સ્થિત શ્રી ગુરુનાનક સિનિયર સેકન્ડરી સ્કૂલમાં નવમા ધોરણના વિદ્યાર્થીનો ભૌતિકશાસ્ત્રના શિક્ષક ગગનદીપ સિંહ કોહલી (40) સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. શિક્ષકે તેને થપ્પડ મારી હતી. આ બાબતે વિદ્યાર્થીને દુઃખ થયું હતું. ગુસ્સામાં બદલો લેવાના ઈરાદાથી તેણે બુધવારે બપોરના ભોજન સમયે શાળાના પરિસરના વર્ગખંડ નંબર 14 માં ગેરકાયદેસર પિસ્તોલથી શિક્ષક પર ગોળીબાર કર્યો હતો.
આ પણ વાંચો: સફાઈકર્મીના સગીર પુત્રને જાતિવાદીઓએ થૂંક ચાટવા મજબૂર કર્યો
શિક્ષકે ફરિયાદમાં શું કહ્યું?
શ્રી ગુરુનાનક કોલોનીમાં રહેતા શિક્ષક ગગનદીપ સિંહ કોહલીએ પોલીસમાં ફરિયાદ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બુધવારે પણ દરરોજની જેમ તેમણે પહેલા ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. ત્યારબાદ તેઓ ધોરણ 9 માં 9:45 વાગ્યે ભૌતિકશાસ્ત્રનો વિષય ભણાવતા હતા. વર્ગ પૂરો થતાં જ લંચ બ્રેક થયો. ત્યારબાદ બાળકો લંચ લેવા માટે વર્ગમાંથી બહાર આવવા લાગ્યા. એ દરમિયાન ગુલરાજપુર ગામનો રહેવાસી ધોરણ 9 નો વિદ્યાર્થી પણ ટિફિન લઈને બહાર આવ્યો હતો. તેણે અચાનક ટિફિનમાંથી પિસ્તોલ કાઢીને તેમના પર ગોળીબાર કર્યો. ગોળી તેમના જમણા ખભામાં વાગી. તેમણે જણાવ્યું કે જ્યારે વિદ્યાર્થી દોડીને ભાગવા લાગ્યો ત્યારે અન્ય શિક્ષકોએ તેને પકડી લીધો હતો. ફરિયાદના આધારે પોલીસે વિદ્યાર્થી સામે કેસ નોંધ્યો છે.
उत्तराखंड के #ऊधमसिंह नगर में भौतिकी के सवाल का जवाब ना देने पर छात्र को 2 दिन पहले टीचर ने चांटा मार दिया था
आज लंचबॉक्स में लोडेड तमंचा लेकर छात्र कक्षा में पहुंचा और मास्टरजी को गोली मार दी
मास्टरजी ऑपरेशन के बाद खतरे से बाहर है pic.twitter.com/daxXcTke39
— Narendra Pratap (@hindipatrakar) August 21, 2025
પોલીસ તપાસમાં શું સામે આવ્યું?
પોલીસ પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીએ જણાવ્યું કે પિસ્તોલ ઘરના કબાટમાં રાખવામાં આવી હતી અને તે કબાટમાંથી કાઢીને ટિફિનમાં રાખી શાળામાં લાવ્યો હતો. ઘટના બાદ આરોપી વિદ્યાર્થીના પિતા પણ ફરાર થઈ ગયા હતા, પરંતુ બાદમાં તેઓ પરત ફર્યા હતા. પોલીસ આરોપીના પિતાની પણ પૂછપરછ કરી રહી છે કે પિસ્તોલ ઘરમાં કેવી રીતે આવી.
વિદ્યાર્થીના પિતા સામે હત્યાના પ્રયાસનો કેસ થયેલો છે
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિદ્યાર્થીના પિતા ખેડૂત છે. આરોપી વિદ્યાર્થી બે બહેનો અને એક ભાઈમાં સૌથી નાનો છે. મોટી બહેન પરિણીત છે. જ્યારે એક બહેન ઇન્ટરમીડિયેટ પૂર્ણ કર્યા પછી કેનેડા ગઈ છે. કુંડેશ્વરી ચોકી ઇન્ચાર્જ ચંદન સિંહ બિષ્ટે જણાવ્યું હતું કે આરોપીના પિતા વિરુદ્ધ ઘણા વર્ષો પહેલા હત્યાનો પ્રયાસ અને માર્ગ અકસ્માતનો કેસ નોંધાયેલો છે.
આ પણ વાંચો: રેપ કેસમાં જામીન પર છૂટેલા આરોપીએ પીડિતાને ગોળી મારી દીધી