Success story of ADG Prem Kumar: ભારત એક એવો દેશ છે જ્યાં દલિત સમાજમાંથી આવતી વ્યક્તિ જાતમહેનતે ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પહોંચી જાય તો પણ મનુવાદી તત્વો તેમને જાતિના ચશ્માથી જ જોવા ટેવાયેલા છે. આ એ તત્વો છે જેઓ પોતાને દેશના બંધારણ અને કાયદાથી પર સમજે છે અને એવી અપેક્ષા રાખે છે કે તેઓ ગમે તેટલો મોટો અને ગંભીર ગુનો કરે તો પણ તેમને કોઈ સજા ન થવી જોઈએ. દેશના તમામ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર તેમની જાતિના જ લોકો હોવા જોઈએ,
દલિતો-આદિવાસીઓ, ઓબીસી કે લઘુમતીઓ ત્યાં પહોંચવા ન જોઈએ. ખાસ કરીને જો કોઈ દલિત સમાજની વ્યક્તિ ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચી જાય ત્યારે આ જાતિવાદી તત્વો નીચતાની કોઈપણ હદે જતા અચકાતા નથી. અને આ ઘટના તેનો જીવતોજાગતો પુરાવો છે.
એક ચમાર માતાપિતાના, જાતમહેનતે આગળ આવેલા પુત્રે જજ તરીકે સવર્ણ જાતિના આરોપીઓને કાયદાની મર્યાદામાં રહીને તટસ્થ રીતે સજા સંભળાવતા જાતિવાદી તત્વોએ તેમની વિરુદ્ધ જ હાઈકોર્ટમાં કેસ કરી દીધો. એટલું જ નહીં, હાઈકોર્ટમાં બેઠેલા સવર્ણ જજોએ તે કેસને સ્વીકારીને દલિત જજને નોકરીમાંથી બરખાસ્ત કરી દીધાં. જો કે તેમણે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી અને પોતાની પ્રામાણિકતા સાબિત કરી બતાવતા જાતિવાદી તત્વોનો ચહેરો ખૂલ્લો પડી ગયો હતો.
સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચૂકાદામાં કહેવું પડ્યું કે, એક મોચીનો દીકરો જેમની માતાએ મજૂરી કરીને તેમને ભણાવ્યા હતા અને તેઓ નાની ઉંમરે જજ જેવા પ્રતિષ્ઠિત હોદ્દા સુધી પહોંચ્યાં હતા તે ન્યાયતંત્રમાં બેઠેલા સવર્ણોને ગમ્યું નહોતું. એટલે તેમની નોકરી ખાઈ જવા માટે આ આખું ષડયંત્ર રચાયું હતું.
મામલો શું છે?
મામલો પંજાબનો છે. જ્યાં દલિત સમાજની વસ્તી 32 ટકા આસપાસ છે. અહીં અમૃતસર જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પ્રેમ કુમાર (જેઓ દલિતોની ચમાર જાતિમાંથી આવે છે અને જાતમહેનતથી આ પદ સુધી પહોંચ્યાં છે) વિરુદ્ધ એક બળાત્કારના આરોપીએ હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપી દ્વારા ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે કાયદાની પ્રેક્ટિસ કરતી વખતે પ્રેમ કુમારે સમાધાન માટે બળાત્કાર પીડિતાનો સંપર્ક કર્યો અને પીડિતાને 1.50 લાખ રૂપિયા અપાવ્યા હતા. આ ફરિયાદ બાદ હાઈકોર્ટે વિજિલન્સ તપાસ શરૂ કરી હતી. જેના આધારે જજ પ્રેમ કુમારના વાર્ષિક સિક્રેટ રિપોર્ટમાં તેમની પ્રામાણિકતાને શંકાસ્પદની કેટેગરીમાં મૂકી દેવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2022માં, વર્ષ 2015 ના આ રિપોર્ટના આધારે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની પૂર્ણ બેન્ચે જજ પ્રેમ કુમારને બરતરફ કર્યા હતા.
પ્રેમ કુમારે મામલાને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
જજ પ્રેમ કુમારે તેને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકાર્યો, ત્યારબાદ જાન્યુઆરી 2025 માં પુરાવાના અભાવે તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું. પરંતુ હાઈકોર્ટમાં બેઠેલા જાતિવાદીઓ તેમને એટલી આસાનીથી છોડે તેમ નહોતા. એટલે હાઈકોર્ટે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે જજ પ્રેમકુમારની તરફેણમાં ચૂકાદો આપ્યો છે અને તેમનું સસ્પેન્શન રદ કરીને તેમને ફરી જજ તરીકેની સેવામાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આ કેસમાં જજ પ્રેમકુમારને તેમની દલિત જાતિને કારણે નિશાન બનાવનાર જાતિવાદી તત્વોની આકરી ઝાટકણી કાઢી છે.
આ પણ વાંચો: વડાલીમાં મજૂર પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા પી લેતા ચકચાર
આ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે ન્યાયતંત્રમાં જજો સાથે થતા જાતિગત ભેદભાવ પર આકરું નિવેદન આપ્યું હતું. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે “આ જજ સંજોગો અને જાતિગત પક્ષપાતનો શિકાર બન્યા છે. બધું અગાઉથી ફિક્સ હતું. ઉપેક્ષિત સમાજમાંથી આવતો એક મોચીનો દીકરો નાની ઉંમરે જજ બનીને તેમની વચ્ચે આવી ગયો તે કથિત ઉચ્ચ જાતિના લોકો સહન કરી શક્યા નહીં. એટલે તેમને હટાવવા માટે આ કાવતરું રચવામાં આવ્યું હતું.”
સુપ્રીમ કોર્ટનો જાતિવાદ સામે મજબૂત ચૂકાદો
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે જણાવ્યું હતું કે, વાર્ષિક ગુપ્ત અહેવાલ (ACR) માં પ્રેમ કુમારનું પ્રદર્શન શરૂઆતમાં સારું હતું પરંતુ ફરિયાદ પછી તેમનું પ્રદર્શન અચાનક બગડ્યું હતું. કોર્ટે આને જાતિગત ભેદભાવનું પરિણામ માન્યું હતું. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે પ્રેમ કુમારનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરવામાં આવે અને તેમને જજના પદ પર પુનઃસ્થાપિત કરવામાં આવે, તેમની વરિષ્ઠતા જાળવી રાખવામાં આવે, બાકી રહેલો સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવે અને વિજિલન્સ તપાસ રદ કરવામાં આવે.
જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, “આવું ક્યાં સુધી ચાલતું રહેશે? તેમને(જજ પ્રેમ કુમારને) ફક્ત એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા કારણ કે તેઓ નીચલી જાતિના છે. હાઈકોર્ટે તેના અધિકારીઓ સાથે નિષ્પક્ષ વર્તન કરવું જોઈએ.”
જજ પ્રેમ કુમાર કોણ છે?
પંજાબના બરનાળાના વતની પ્રેમ કુમારને 26 એપ્રિલ 2014 ના રોજ અન્ય 13 જજો સાથે નિયુક્તિ મળી હતી. તેમને એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પિતા મોચી હતા અને તેમની માતા મજૂરી કરતા હતા. તેઓ દલિત સમાજમાંથી આવે છે અને સખત મહેનત કરીને બહુ નાની ઉંમરે એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજના પદ સુધી પહોંચ્યા હતા. જો કે પંજાબના ન્યાયતંત્રમાં બેઠેલા જાતિવાદી તત્વોથી એક દલિતનો દીકરો તેમની વચ્ચે આવીને બેસે તે સહન થયું નહોતું. આથી આરોપીઓની ફરિયાદને હાથો બનાવીને તેમણે પ્રેમ કુમારને જજ પદેથી હટાવવા માટે આ આખું કાવતરું ઘડ્યું હતું. પણ સુપ્રીમ કોર્ટે તેનો પર્દાફાશ કરીને પ્રેમ કુમારને નિર્દોષ સાબિત કર્યા છે.
આ પણ વાંચો: 6000 રૂ. માટે દલિત મજૂરને ઝાડ સાથે બાંધીને મારતા મોત
*જ્ઞાતિવાદ તથા જાતિવાદના મૂળિયાં બ્રાહ્મણોની ધાર્મિક અસહિષ્ણુતા કારણે દલિત સમાજમાં ઘૂસણખોરી કરીને
દલિતોને પીડિતોને દબાયેલા કચડાયેલા વંચિત લોકોને
શિક્ષણ તથા ન્યાયપાલિકા સુધીનાં આઝાદી તથા સ્વતંત્રતા સાથેના પ્રવેશદ્વાર/દરવાજા બંધ કરવાની
મેલી મુરાદને વેગવંતી બનાવવામાં આવી રહી છે!
જે દેશના 20 કરોડ દલિતો માટે મહા જોખમ છે!
દલિતો જાગો! બહુજનો જાગો! જયભીમ!
જાતિવાદ એ આતંકવાદ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે,
શોષિત પીડિત લોકો માટે દેશમાં સહનશીલતા સિવાય કોઈ વિકલ્પ નથી…