આખરે જેવી દહેશત હતી, એજ થયું છે. અમદાવાદના સૌથી વ્યસ્ત ઓવર બ્રિજ પૈકીના એક એવા સુભાષને તોડી પાડવાનું નક્કી કરાયું છે. તેના માટે બ્રિજને આગામી 9 મહિના માટે બંધ કરી દેવાયો છે. પરિણામે આખો દિવસ ટ્રાફિકજામમાં અથડાતા-કૂટાતા અમદાવાદીઓને વધુ હાલાકી ભોગવવાનો વારો આવશે.
સુભાષ બ્રિજ પરથી દરરોજ 1 લાખ 50 હજારથી વધુ વાહનો પસાર થાય છે. ઉત્તર ગુજરાત તરફથી અમદાવાદમાં આવતા વાહનો માટે તે પ્રવેશદ્વાર ગણાય છે. પરંતુ તંત્ર દ્વારા તેમના માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા આ દોઢ લાખ વાહનો દરરોજ રઝળી રહ્યાં છે. હવે વધુ 9 મહિના માટે સુભાષ બ્રિજ બંધ રહેશે, તો આ દોઢ લાખ વાહનો ક્યાંથી પસાર થશે, તેનો તંત્ર પાસે કોઈ જવાબ નથી.
ઉલ્લેખનીય છે કે, ગત 4 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદના પૂર્વ-પશ્ચિમને જોડતા અને સૌથી વ્યસ્ત ગણાતા સુભાષ બ્રિજમાં તિરાડ પડી હતી. ત્યાર બાદ 25 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાતોની એજન્સીઓ પાસે કરાવેલો રિપોર્ટ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો. એને લઈને આજે હાલના બ્રિજનું આખું સુપરસ્ટ્રક્ચર તોડવાનું તેમજ બન્ને બાજુ બે-બે લેન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મોદીરાજમાં ED એ 6444 કેસ નોંધ્યા, સજા માત્ર 56માં થઈ!
આગામી સોમવારે આ બ્રિજ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. રાજ્ય સરકારની મદદ લેવામાં આવી છે અને તેમનો સપોર્ટ મળ્યો છે. બ્રિજના તમામ સુપર સ્ટ્રકચરને તોડી પાડવામાં આવશે. બ્રિજના પિલ્લરને તોડવામાં નહી આવે માત્ર તેને મજબૂત કરવામાં આવશે. જોકે આ રીસ્ટોરેશનની એટલે કે બ્રિજ તોડી સરખો કરવાની કામગીરી 9 મહિનામાં પૂરી કરવામાં આવશે. બ્રિજ માટે નવા 7 પિલ્લર ઊભા કરવામાં આવશે. આમ બ્રિજ 9 મહિના બંધ રહેશે. પછી વચ્ચેનો બ્રિજ ચાલુ કરી દેશે અને આજુબાજુમાં પછી બે લેન બનશે.
મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ બ્રિજ છે. બ્રિજની બંને બાજુ નવા લેન બનાવવામાં આવશે. સલામતીને ધ્યાનમાં રાખીને સુપર સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવશે. રૂ. 250 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ બનાવવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે સુભાષબ્રિજ અત્યારે 3 લેન છે અને બંને તરફ બે લેન બનશે. બંને તરફ 36 મીટર મળે છે અને અત્યારે 18 મીટર છે. જેથી આ બ્રિજને 4 + 4 એમ કુલ 8 લેનનો બનશે. ડેક સ્લેબમાં તિરાડ બાદ નિર્ણય લેવાયો: સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર દૂર કરી નવા બ્રિજનું નિર્માણ થશે. નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપરસ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી છે. શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને, માત્ર રીસ્ટોરેશન સુધી સીમિત ન રહી, હાલના બ્રિજની બન્ને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના તૈયાર છે. EPC ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત રૂ. 250 કરોડ રાખવામાં આવી
આ પણ વાંચો: ભાજપના મંત્રીએ હુમલો કરી દલિત મહિલાઓના કપડાં ફાડી નાખ્યા
4 ડિસેમ્બરના રોજ આ બ્રિજમાં ખામી જણાતાં બંધ કરાયો હતો. 20 દિવસમાં અલગ અલગ નિષ્ણાંતો પાસે ઇન્સ્પેકશન અને કમિટી નીમી હતી. જે કમિટીના રિપોર્ટના આધારે આ બ્રિજનું રિસ્ટોરેશન અને નવો બ્રિજ બનશે. આખું સુપર સ્ટ્રકચર તોડી અને નવો બનાવવામાં આવશે. સુભાષબ્રિજ 52 વર્ષ જૂનો છે. આ રીસ્ટોરેશન 9 મહિનામાં પૂરો કરવામાં આવશે અને નવા લેન 2 લેન આગામી 2 વર્ષમાં બનાવવામાં આવશે. અગાઉ સુભાષબ્રિજનું અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે. બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેક્નોલોજી અને ટ્રાફિકના વધતા ભારણને કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ છે.
સુભાષ બ્રિજમાં તિરાડ પડ્યા બાદ સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવ્યા બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરાવવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવાનું તેમજ રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ તેમજ SVNIT જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાત એજન્સી પાસે ડિજિટલ સર્વે કરાવવામાં આવી રહ્યો છે, જેમાં આખા સુભાષબ્રિજમાં ક્યાં, શું ખામી છે એની સંપૂર્ણપણે માહિતી આ સર્વે દ્વારા જાણવા મળશે. અંદાજે એક અઠવાડિયામાં આ અંગેની પણ જાણકારી મળી જશે.
આ પણ વાંચો: મુસ્લિમ આચાર્યને હટાવવા, શ્રીરામ સેનાએ સ્કૂલના પાણીમાં ઝેર ભેળવ્યું











